પ્રભાસ હવે કદાચ એવા ઝનૂને ચડયો છે કે હિન્દી ફિલ્મના સ્ટાર થઇને જ રહેવું. થોડું કારણ ‘બાહુબલી’ની સફળતા હશે કારણ કે હિન્દી ફિલ્મના પ્રેક્ષકોમાં હવે તે જરા પણ અજાણ્યો નથી રહયો. જો કે એ સફળતાને ચાર-પાંચ વર્ષ થઇ ગયા અને આ દરમ્યાન તે એકેય સફળ ફિલ્મ આપી નથી શકયો. ‘બાહુબલી’ એક બહુ મોટી, સુપરહીરો ફિલ્મ હતી એટલે પ્રેક્ષકો તેને કદાચ સુપરહીરો તરીકે જ જોવા માંગતા હોય તો નવાઇ નહીં! તેની ‘સાહો’ એકશન થ્રીલર હતી પણ ‘બાહુબલી’ વાળી તામઝામ ન હતી.
એ ફિલ્મ સાઉથની જ હતી પણ હિન્દીના મેકિસમમ સ્ટાર તેમાં હતા. મતલબ કે હિન્દીમાં સફળતા મળે તેવી તેવી પૂરી યોજના હતી. એ ફિલ્મ જો કે તેલુગુ, તમિલ ભાષામાં પણ સાથે સાથે જ બની હતી પણ પ્રભાસની એકશનને હિન્દી ફિલ્મોના પ્રેક્ષકોનું નેગેટીવ રિએકશન મળ્યું. પ્રભાસે ખમી ખાધું પણ હવે તેની જે ત્રણ ફિલ્મો આવે છે તેમાંની બે તેલુગુ સાથે હિન્દીમાં બની રહી છે. પણ એમાંની એકેય ફિલ્મના દિગ્દર્શક એસ.એસ. રાજામૌલી નથી. ‘બાહુબલી’ જેવી ફિલ્મ બનાવવામાં ઘણી શકિત, દ્રષ્ટિ, મેકિંગ ટાઇમ અને પૈસા જોઇએ. જો કે સાઉથવાળા હવે ઘણા સાહસી થઇ ગયા છે ને મોટા રોકાણથી ડરતા નથી.
પ્રભાસની ‘રાધેશ્યામ’ પિરીયડ રોમાન્સ ફિલ્મ છે જે 1970ના યુરોપના બેકગ્રાઉન્ડમાં બની છે. 2018થી તેનું શૂટિંગ ચાલુ છે ને હૈદ્રાબાદ ઉપરાંત ઇટલી અને જયોર્જિયામાં શૂટિંગ કરાયું છે. આ ફિલ્મમાં પણ અડધોઅડધ કળાકારો હિન્દીમાંથી પસંદ કરાવયા છે. તેના દિગ્દર્શક રાધાકૃષ્ણકુમારની દિગ્દર્શક તરીકે આ બીજી જ ફિલ્મ છે અને પહેલીવાર હિન્દી પ્રેક્ષક સામે આવશે એટલે જરા પણ કાચુ કાપશે નહીં. આ ફિલ્મ તે હકીકતે પાંચ ભાષામાં રજૂ કરશે. રિલીઝ શેડયુલ પ્રેમાણે થયું તો આ મિનાના ંતમાં જ તે થિયેટરોમાં રજૂ થઇ જશે. પ્રભાસ માટે આ ફિલ્મ કસોટીરૂપ છે પણ તેને આ વખતે પૂરી ખાત્રી છે કે પ્રેક્ષકોને ગમશે જ! ‘આદિપુરુષ’નો વિષય તો ‘રામાયણ’ છે એટલે ‘બાહુબલી’ જેવું ઘણું આ ફિલ્મમાં જોવા મળી શકે છે.
આ ફિલ્મના દિગ્દર્શક કોઇ સાઉથના નથી. બલ્કે ઓમ રાઉત છે. પ્રભાસ તેમાં આદિપુરુષ રામ અને ક્રિતી સેનોન સીતા તો સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં છે. આ થ્રીડી ફિલ્મ છે અને ખૂબ મોટા ખર્ચ સાથે બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ પર હિન્દી-તેલુગુ ઉપરાંત તમિલ, કન્નડ, મલયાલમ ભાષામાં ડબ્ડ કરીને રજૂ કરાશે. ઓમ રાઉતની ‘તાનાજી’ પછીની આ મોટી અને મહત્વાકાંક્ષી ફિલ્મ છે. પ્રભાસ સાથે સીતાની ભૂમિકા માટે અનુષ્કા શેટ્ટી, અનુષ્કા શર્મા, કિયારા અડવાણી, કિર્થી સુરેશને લેવાના પ્રયત્ન થયેલા અને આખર ક્રિતી નક્કી થઇ છે. આ ફિલ્મ આવતા વર્ષે ઓગસ્ટમાં રજૂ થશે જયારે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસની રજા પણ હશે.
પ્રભાસની ‘સાલાર’ તો અત્યારે તેલુગુ ને કન્નડમાં જ બની રહી છે. જેમાં તેની સાથે શ્રુતિ હાસન છે. પણ ‘રાધે શ્યામ’ ને ‘આદિપુરુષ’ સફળ જશે તો ‘સાલાર’ પણ હિન્દીમાં ડબ્ડ કરાશે. પ્રભાસ હવે પોતાને નેશનલ સ્ટાર માનતો થઇ ગયો છે. અમિતાભ, સલમાન, ઋતિક, આમીરની ફિલ્મો કાંઇ ચાર-પાંચ ભાષામાં બનતી નથી જયારે પ્રભાસની બને છે તો તેને આવું માનવાનો અધિકાર છે પરંતુ તેની આ બે ફિલ્મ હિન્દીમાં માર ખાય જશે તો તે કદાચ વધારે પ્રયત્નો કરતાં ખચકાશે કારણ કે તેની દરેક ફિલ્મો બિગ બજેટ જ બને છે.
તેની ‘સાલાર’નો ડાયરેકટર એજ છે જેણે ‘કેજીએફ’ બનાવી છે. ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસની સફળતાની સાઉથમાં પણ રાહ જોવાય રહી છે. ત્યાં બીજા ઘણા નિર્માતા-દિગ્દર્શક હિન્દીના પ્રેક્ષકને મેળવવા આતુર છે. પ્રભાસને ‘ડાર્લિંગ’ અને ‘પાન ઇન્ડિયા સ્ટાર’ તરીકે મળેલી ઓળખ બીજાને પણ આકર્ષી રહી છે. પ્રભાસ ખૂબ મહેનતુ છે અને નાગ અશ્વિન દિગ્દર્શિત એક સાય-ફાઇ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, દિપીકા પાદુકોણ સાથે આવી રહ્યો છે. પ્રભાસ અત્યારે પહેલી બે ફિલ્મ પછી આ અમિતાભ-દિપીકાવાળી ફિલ્મ માટે તૈયાર થશે કારણ કે તે પણ મોટી ફિલ્મ છે.