અલ્પેશ કથિરીયા (Alpesh kathiriya)ને ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court) જામીન આપતાં આજે જેલમુક્તિ થઈ છે. ત્રણેક મહિનાથી લાજપોર જેલ (Lajpor jail)માં બંધ પાસ નેતાના જેલ બહાર સ્વાગત માટે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ (Hardik patel) સહિત પાસના કાર્યકરો ઉમટી પડ્યાં હતાં. જૉ કે સાથે જ આપ (AAP Surat)ના કાર્યકરો પણ ટોળામાં દેખાતા અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. અલ્પેશ કથિરીયાએ મિની બજાર ખાતે સરદારની પ્રતિમાને હારતોરા કર્યા હતાં. જ્યાં વધુ ભીડ એકઠી થતાં સોશિયલ ડિસ્ટન્સ (Social distance)ના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો હતો.
જય સરદારના નારા સાથે ત્રણેક મહિનાથી લાજપોર જેલમાં બંધ અલ્પેશ કથિરીયાને જેલ મુક્ત થતાં જ વધાવી લેવાયો હતો. લાજપોર જેલમાંથી અલ્પેશ કથિરીયા સીધો વરાછા મિની બજાર માનગઢ ચોક ખાતે પહોંચ્યો હતો. અને અલ્પેશે સરદાર પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને પોતાના ઘરે જવા નીકળ્યો હતો. કોંગ્રેસ નેતા અને એક વખતે પાસના સર્વે સર્વા રહેલા હાર્દિક પટેલ પણ અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે સુરત આવ્યાં હતાં. જેમણે કહ્યું હતું કે, અમારો મિત્ર અને સાથીદાર જેલમુક્ત થતો હોય તેનો સ્વાભાવિક આનંદ થાય છે, હું ખાસ તેના સ્વાગત માટે આવ્યો છું. ઉપરાંત સમાજ માટે ગરીબો માટેની લડાઈ ચલાવનાર દરેક વ્યક્તિએ સાથે મળીને હજુ પણ વધુ લડાઈ કરવાની છે.
મહત્વની વાત છે કે લાજપોર જેલની બહાર હાર્દિક પટેલ સહિત પાસ અને આપ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. જેમાં ખાસ આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ દ્વારા પણ સોશિયલ મીડિયામાં અલ્પેશ કથિરીયાના સ્વાગતમાં હાજર રહેવા માટેના મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યાં હતાં. કહેવાય છે કે આમ આદમી પાર્ટીનો કોર્પોરેશનમાં જે બેઠકો મળી હતી, તે પાટીદાર વિસ્તારોમાંથી જ મળી છે. માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અલ્પેશ કથિરીયા સાથે નજીકના સંબંધ બનાવવા આગળ આવી રહ્યા છે.
અલ્પેશ કથિરીયાની આગેવાનીમાં 50થી 60 બાઇક અને કારમાં આવેલા 150થી 200 માણસોનું બીટીપીના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરોએ મારુતિ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાતિવિષયક ગાળો આપી લાકડાના ફટકા અને પથ્થરથી માર માર્યો હતો. એ સાથે જ 3000 રૂપિયાની લૂંટ કરી મારૂતિ વાનના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મામલો કામરેજ પોલીસ મથકે પહોંચતાં અલ્પેશ કથિરીયા અને અન્યો સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. અને આ પ્રકરણની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. ભાર્ગવ પંડ્યા કરી રહ્યા હતા, જેમાં પોલીસે પાસ આગેવાન અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી.
અલ્પેશ કથિરીયા કોણ છે ?
2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા. આવા જ એક કેસમાં અલ્પેશ કથિરીયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. પોતે વકીલ એેવા અલ્પેશ કથિરીયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. જો કે હાલ હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથિરીયા પાટીદાર અનામત આંદોલનનનો નવો ચહેરો બન્યો છે.