નડિયાદ: નડિયાદ શહેરને કલેક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત જાહેર કર્યા બાદ પણ તેની સફાઇ પરત્વે તંત્રની બેદરકારી જોખમી સાબિત થઇ શકે છે. નિયમિત રીતે દિવસે અને રાત્રે શહેરની સફાઇ કરવામાં આવતી હોવાના તંત્રના દાવા વચ્ચે ગુજરાત મિત્રની ટીમ દ્વારા ભોજા તલાવડી અને નગરપાલિકા પાસે આવેલા શેરકંડ તળાવની મુલાકાત લીધી હતી. જ્યાં હાલમાં પારાવાર ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે.
પોતાનું ઘર આંગણું કે આસપાસનો વિસ્તાર જ સ્વચ્છ ન રાખી શકતી પાલિકા શહેરની સફાઇ શું કરાવે તેવો કટાક્ષ પણ હવે શહેરીજનો કરે છે. શહેરમાં સફાઇને લઇને ભારે વિવાદ સર્જાયા બાદ પણ તંત્રને જાણે કે કોઇ ફીકર જ ન હોય તેમ અડધોઅડધ વિસ્તાર હાલમાં પારાવાર ગંદકીથી ખદબદતા જોવા મળી રહ્યા છે. રાત્રિ સફાઇની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ અનેક વિસ્તારો, તળાવો, ગટર, કાંસ ગંદકીથી ખદબદતા જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા અને જે તે વિસ્તારના ચૂંટાઇ આવેલા સભ્યો દ્વારા પણ રોગચાળાની ચિંતાજનક સ્થિતીમાં પોતાના વિસ્તારની સફાઇ પરત્વે ગંભીરતા દાખવવામાં આવે તે જરૂરી છે.