Dakshin Gujarat

નર્મદા મૈયા બ્રિજ બનતાં કેબલ બ્રિજ પર ટોલની આવક ઘટી

અજગરી ટ્રાફિકજમણા ભરડાને લઈ 4 વર્ષ પહેલાં જ મુંબઈ-દિલ્હી અને અમદાવાદની લાઈફલાઈન ગણાતા નેશનલ હાઇવે નં.48 પર નર્મદા નદી ઉપરથી પસાર થવું વાહન ચાલકો માટે અભિમન્યુના ચક્રવ્યૂહના 7 કોઠા વીંઝવાસમાન બની રહેતું હતું. દેશનો પહેલો 4 લેન એક્સ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યા બાદ હાઇવેની કાયમી ટ્રાફિક સમસ્યા 2017થી ક્યારેક ક્યારેક હંગામી બની રહેતી હતી. હવે નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થવાના પ્રથમ દિવસે જ 24 કલાકમાં નેશનલ હાઇવે નંબર 48 ઉપરથી ભરૂચ પાસેથી 7500 કાર અને ફોર વ્હીલર વાહનો ગાયબ થઈ ગયાં છે.

જેમણે કેબલ બ્રિજના નિર્માણ બાદ માંડવા પાસે બનેલા નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા ખાતે પ્રથમ દિવસે જ ₹1.87 લાખનો ટોલ ટેક્સ બચાવી લીધો છે. સુરત કે વડોદરા તરફથી આવતાં વાહનો ભરૂચ કે અંકલેશ્વર આવતા NH 48 છોડીને OLD NH 8 ઉપર નવા નર્મદા મૈયા બ્રિજ ઉપર ડાયવર્ટ થઈ જતાં પ્રથમ દિવસે જ હાઇવે પર સરેરાશ 38000 જેટલાં નોંધાતાં વાહનો પૈકી 7500નું ભારણ ઘટી ગયું છે.

નર્મદા બ્રિજ ટોલ ટેક્સના અધિકારી શુક્લાજી એ જણાવ્યું હતું કે, નવો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થઈ જતા પ્રથમ દિવસે જ 7500 કાર ઓછી થઇ ગઇ છે. હજી જેમ જેમ નવા ટોલ ટેક્સ રહિત બ્રિજની કાર અને ફોર વ્હીલર અન્ય ચાલકોને જાણ થતી જશે તેમ તેમ તેઓ ને.હા. 48 ઉપરથી ભરૂચ પાસેથી ડાયવર્ટ થતાં જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટોલ પ્લાઝા પર સરેરાશ રોજ 35000થી 38000 વાહનો નોંધાતાં હતાં. જેમાં કાર અને અન્ય ફોર વ્હીલરની સંખ્યા સરેરાશ 18000 આસપાસ રહે છે. કારનો ટોલ ટેક્સ એક તરફનો ₹25 જ્યારે અન્ય 4 ચક્રિય વાહનનો ટોલ ₹40 છે. જે જોતાં નવા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ કારચાલકોએ 24 કલાકમાં ₹1.87 લાખથી વધુ નાણાં બચાવી લીધાં છે અને એટલાનું જ ટોલ ટેક્સના સંચાલકોને આવકમાં ગાબડું પડ્યું છે.

નર્મદા બ્રિજ બનતાં જ ગોલ્ડન બ્રિજ ઉપરથી પણ માંડ 1000 વાહન પસાર થયાં
નવા ફોરલેન નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થવાનો લ્હાવો લેવા તેમજ સેલ્ફીઓ પડાવવા સોમવારથી બ્રિજ કાર્યરત થતાં જ વાહનચાલકોએ પહેલી સફર ખેડવા પડાપડી કરી હતી. જેના કારણે ગોલ્ડનબ્રિજ ઉપર માંડ 1000 વાહનો દિવસ દરમિયાન પસાર થયાં હતાં. ગોલ્ડનબ્રિજ ઉપરથી રોજિંદા સરેરાશ 10000થી વધુ ફોર વ્હીલ પસાર થતા હતા. જે તમામ સોમવારથી નવા નર્મદા મૈયા બ્રિજ ઉપર ડાયવર્ટ થઈ ગયાં હતાં. જ્યારે હાઇવેના 7500 તેમજ પ્રથમ દિવસે ભરૂચ અને અંકલેશ્વરના શહેરીજનો બાઇકો અને કાર લઈ નવા બ્રિજની લટાર મારવા ઊમટી પડ્યા હતા. જે જોતાં હાઇવેના જૂના-નવા સરદારબ્રિજ અને કેબલબ્રિજ તેમજ ગોલ્ડનબ્રિજ સાથે 4 પુલના 17500થી વધુ વાહનોએ પ્રથમ દિવસે જ નવા બ્રિજનો ઉપયોગ કર્યો હતો.

નેશનલ હાઇવે ઉપરથી હજી 20થી 30 ટકા હળવાં વાહનોનું ભારણ ઘટશે
હાલ નેશનલ હાઇવે પરથી દૈનિક પસાર થતાં સરેરાશ 35થી 38000 વાહનોમાં 17થી 18000 ઉપર કાર અને અન્ય ફોર વ્હીલર હોય છે. જે પણ ધીમે ધીમે ટોલ ટેક્સ, અંતર અને ઇંધણ બચાવવા નર્મદા મૈયા બ્રિજ તરફ વળે તેમ છે. ભારે વાહનો સિવાય અન્ય વાહનો ટોલ ટેક્સ બચાવવા નવા ફોરલેન બ્રિજનો વિકલ્પ પસંદ કરશે તેમાં કોઈ બેમત નથી.

ભરૂચ અને અંકલેશ્વર સિટીમાં બહારગામથી આવતાં વાહનોનું ભારણ વધ્યું
હાઇવેનાં વાહનો નર્મદા મૈયા બ્રિજ ઉપર વળતાં ભરૂચની નર્મદા ચોકડીથી, ABC સર્કલ, કોલેજ રોડ તેમજ સામે છેડે અંકલેશ્વર સિટીમાં બહારનાં વાહનોનું ભારણ 25થી 30 ટકા વધી જશે. જેને લઈ હવે બંને સિટીમાં હાઇવે પર સર્જાતાં ટ્રાફિકજામ સમયાંતરે જોવા મળી શકે છે.

Most Popular

To Top