વાલોડ તાલુકાના અંબાચ ગામે પાંચ વર્ષિય કદાવર દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ દીપડાએ સાત જેટલાં મરઘાઓનું મારણ કર્યું હતું. જેથી વન વિભાગને જાણ કરતા અહીં પાંજરું ગોઠવાયું હતું. દીપડાના ભયથી લોકોએ રાત્રે બહાર નીકળવાનું ટાળ્યું હતું. દૂધ ભરવા જવા પણ લોકો ડરતા હતા. પશુઓ પર દીપડો હુમલો ન કરે માટે કેટલાકના રાત્રિ ઉજાગરા થતા હતા.
અહીં સુધી કે ખેતરોમાં પાણી વાળવાનું પણ લોકોએ ટાળ્યું હતું. જો કે, હાલ દીપડાના ભયથી રાહત ગ્રામજનોએ અનુભવી છે. અંબાચ ગામે બંગલી ફળિયામાં રહેતા વિપુલભાઈ અનિલભાઈ ગામીતના ઘર નજીક કદાવર દીપડો લટાર મારતા જોવા મળ્યો હતો. વિપુલભાઇના જણાવ્યા મુજબ આ દીપડાએ હજુ સુધી ૭ જેટલાં મરઘાંનું મારણ કરી ગયો હતો.
ફોરેસ્ટર વસંતભાઈ ગામીત સહિતના વનકર્મીઓએ સ્થળ તપાસ કરતાં આ દીપડાના પંજાનાં નિશાનો પણ મળી આવ્યાં હતાં. જેથી વન વિભાગ દ્વારા અહીં પાંજરું મૂકવામાં આવ્યું હતું. પાંજરામાં રાત્રે 10 વાગે દીપડો પુરાઇ ગયો હતો. વાલોડ વનવિભાગે આ દીપડાને નર્સરી પર મૂક્યો છે. ડીએફઓની સૂચના બાદ તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરાશે.