માંડવીના દૂધ મોગરા ગામે એસિડ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. એ દરમિયાન ટેન્કરમાંથી એસિડ લીકેજ થવાથી વાતાવરણ ધુમાડા જેવું સર્જાતાં અફરાતફરી મચી હતી. જેને જોવા લોકટોળું જમા થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ માંડવી-ઝંખવાવ રોડ પર આવેલા દૂધ મોગરા ગામ નજીક વડોદરાથી આવી રહેલા એસિડ ભરેલું ટેન્કર નં.(GJ-06, AX-5769) પસાર થતાં જે મહારાષ્ટ્ર જઈ રહ્યું હતું. જેમાં એકાએક એસિડ લીકેજ થવાથી ધુમાડા જેવું વાતાવરણ અને દુર્ગંધ પ્રસરી હતી.
અને આસપાસ જગ્યા પરનું ઘાસ બળી ખાખ થયું હતું. જે બાબતની જાણ માંડવી મામલતદાર મનીષ પટેલ તથા નાયબ મામલતદાર એમ.જી.ઈસરાણી, દિવ્યા ગામીત અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ટેન્કરના ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. જેમાં 28 હજાર લીટર એસિડ ભરી મહારાષ્ટ્ર જઈ રહ્યો હતો તેમ જણાવ્યું હતું. આ બનાવ અંગે માંડવી ફાયર વિભાગના કર્મચારી મહિપાલસિંહ મહિડાને જણાવતાં તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા.
ઉપરાંત વધુ જરૂરિયાત માટે બારડોલી ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. આમ બે ફાયર વિભાગની ટીમે આવી પાણીનો ભરપૂર છંટકાવ કરી લીકેજ એસિડને કાબૂ કર્યો હતો. પરંતુ કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. લીકેજ થઇ રહેલા એસિડ માટે બીજું ટેન્કર મંગાવી એસિડ ભરવામાં આવ્યું હતું. અગાઉ દૂધ મોગરા ગામે એસિડ ભરેલું ટેન્કર પલટી જતાં રોડની સાઈડ પર આવેલી દુકાનદારો અને ટેન્કરમાલિકને નુકસાન થયું હતું.