ગાંધીનગર: (Gandhinagar) 23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં (Olympic Games) ગુજરાતની એકસાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. રાજ્ય સરકાર (Gujarat Government) આ પ્રત્યેક મહિલા ખેલાડીઓને (Women Players) 10 લાખ રૂપિયાની નાણાંકીય સહાય આપશે. ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નારી શક્તિને સ્પોર્ટ્સ ક્ષેત્રે બિરદાવવા માટે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દિકરીઓને પ્રત્યેકને રૂ. 10 લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
ટોક્યો ઓલિમ્પિક-2021 રમતો આ વર્ષે 23મી જુલાઇ 2021થી 8 ઓગસ્ટ સુધી અને પેરા-ઓલમ્પિક રમતો 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે. જેમાં ભાગ લેનારી ગુજરાતની આ છ દિકરીઓ જેમને પ્રત્યેકને આ 10 લાખ રૂપિયાની સહાય મળશે. તેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ 6 પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. 10 લાખની નાણાંકીય સહાય આપવા સાથે આગામી ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે. જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી અને તેમની સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓલમ્પિક (Olympic)માં જતા 15 ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું કે ખેલાડીઓએ ઓલમ્પિકમાં નિર્ભિક થઈને રમે. ખેલાડીઓએ પોતાની ઉપર કોઈપણ પ્રકારના અપેક્ષાઓનો બોજો લાદવાની જરૂર નથી. વડાપ્રધાને જે ખેલાડીઓ સાથે વાત કરી હતી તેમાં એમસી મેરી કોમ (બોક્સીંગ), સાનિયા મિર્ઝા (ટેનિસ), આર્ચર્સ દીપિકા કુમારી અને પ્રવીણ જાધવ ઉપરાંત ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા શામેલ હતાં. આ સિવાય દુતીચંદ (એથ્લેટીક્સ), આશિષકુમાર (કુસ્તી), પીવી સિંધુ (બેડમિંટન), ઈલાવેનિલ વલારીવાન (શૂટર), સૌરભ ચૌધરી (શૂટર), શરથ કમલ (ટેબલ ટેનિસ), મણીકા બત્રા (ટેબલ ટેનિસ), વિનેશ ફોગાટ (કુસ્તી), સાજન પ્રકાશ (સ્વિમિંગ) અને મનપ્રીત સિંઘ (હોકી).