Gujarat

શું યુપીની જેમ ગુજરાતમાં પણ વસ્તી નિયંત્રણનો કાયદો લાગૂ થશે? જાણો નીતિન પટેલે શું કહ્યું..

ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર પ્રદેશ સરકારે વસ્તી નિયંત્રણ (Population Control) માટે ખરડો રજૂ કર્યો છે. જેમાં ખાસ કરીને સબસિડી, નોકરી, બઢતી અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડવાથી વંચિત રાખવા સહિતની જોગવાઈઓ વિચારાઈ રહી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ સરકાર વસ્તી નિયંત્રણ માટે કાયદો (Law) (વિધેયક ) લાવવા વિચારણા કરી રહી છે. જો કે આં અંગે કોઈ આખરી નિર્ણય લેવાયો નથી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ક્હ્યું હતું કે રાજય સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે. ગુજરાતમાં તો સરકારે ઘણા વર્ષોથી આ બાબતે વિચારણા કરી રહી છે. જેના પગલે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ બે બાળકોથી વધુ બાળકો હોય તો તે ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં તેવી જોગવાઈ કરાઈ છે. પટેલે કહ્યું હતું કે વસ્તી નિયંત્રણ બાબતે ઉત્તર પ્રદેશના કાયદાનો સરકાર અભ્યાસ કરશે. એટલું જ નહીં તે મુદ્દે જરૂરી લાગશે તો વિધેયક પણ લાવવામાં આવશે.

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મંદી, મોંઘવારી અને મહામારી વચ્ચે ધ્યાન ભટકાવવા માટે વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની વાત કરે છે. દેશની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. ભારત વસ્તી નિયંત્રણ પર વર્ષોથી કામ કરે છે, વિવિધ ભાષા અને રહેણીકરણી હોવા છતાંય દેશ પ્રગતિના પંથે રહ્યો છે. યુપીની ચૂંટણી આવી એટલે ધર્મના નામે ભાજપા ગતકડાં કરી રહી છે. શિક્ષણ અને આરોગ્ય સેવા પડી ભાંગી છે, એવામાં ભાજપા નાટક કરવાનું બંધ કરે. ગુજરાત વિધાનસભામાં આ વિષય આવશે ત્યારે કોંગ્રેસ તેનો અભ્યાસ કરીને નિર્ણય કરશે.

એક તરફ, ભાજપ શાસિત રાજ્યોને આ અંગે નીતિઓ રજૂ કરવા કહેવામાં આવ્યું છે જેથી આ મુદ્દે દેશભરમાં વાતાવરણ ઉભું થઈ શકે. આ એપિસોડમાં ઉત્તર પ્રદેશ સરકારે વસ્તી નિયંત્રણ નીતિ રજૂ કરી છે. આસામ સરકાર આસામના મુખ્ય પ્રધાન હિમાંતા બિસ્વાએ પણ કહ્યું છે કે ટૂંક સમયમાં આ નીતિ અંગે નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ રાજ્યસભાના (Rajyasabha) સાંસદો દ્વારા ગૃહમાં ખાનગી સભ્ય બિલ રજૂ કરીને કાયદો બનાવવાની દિશામાં આગળ વધવા માટેના પ્રયત્નો ચાલી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં લોકસભાના અડધો ડઝન સાંસદ પણ આ જ મુદ્દે ખાનગી સભ્ય બિલ લાવી શકે છે. 

Most Popular

To Top