સોમવારે અષાઢી બીજના દિવસે મેઘરાજાએ 14 કલાકમાં હાંસોટ વિસ્તારમાં એક ઇંચ વરસાદ ખાબકતાં ધરતીપુત્રોને રાહત થઇ હતી. ભરૂચ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય અમી છાંટણા થયા હતા. ભરૂચ જિલ્લામાં સોમવારે ચાર તાલુકામાં વરસાદ પડ્યો હતો. સાંજે વીજળીના કડાકા ભડાકા થયા હતા. હવામાન ખાતા દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા દિવસથી વરસાદ ન પડતાં ચિતાનો માહોલ સર્જાયો હતો.
ત્યારે સોમવારે અષાઢી બીજે વાદળો ઘેરાતાં ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થયો હતો. સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધીમાં વીજળીના કડાકા સાથે સૌથી વધુ હાંસોટ તાલુકામાં 26 મીલીમીટર, અંકલેશ્વરમાં 22 મીલીમીટર, જંબુસરમાં 1 મીલીમીટર તેમજ વાલિયામાં ૪ મીલીમીટર વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ આગામી 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.