અષાઢી બીજના પાવન પર્વે ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ઐતિહાસિક રથયાત્રા સીમિત રહી હતી. ભરૂચના સમસ્ત ભોંય જ્ઞાતિપંચ દ્વારા આયોજિત રથયાત્રાનું માત્ર મંદિર પરિસરમાં જ ભ્રમણ કરાવવામાં હતું. ભરૂચ જિલ્લાના અલગ અલગ 5 વિસ્તારોમાંથી રથયાત્રા નીકળી હતી. પરંપરાગત રીતે ભગવાનનાં પૂજન અર્ચન કર્યા બાદ મંદિર પરિસરમાં યાત્રા ફેરવી અને ઉજવણીની સંપન્ન કરવામાં આવી હતી. અષાઢી બીજના પાવન પર્વે ગુજરાતમાં ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભરૂચમાં 250 વર્ષથી નીકળતી રથયાત્રાને આયોજકોએ સીમિત કરી માત્ર મંદિર પરિષરમાં જ ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેના ભાગરૂપે સોમવારના રોજ સવારના સમયે સમસ્ત ભોંય જ્ઞાતિ પંચ દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ બાદ ભગવાનના રથનું માત્ર મંદિર પરિસરમાં જ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભરૂચની નંદેલાવ પાસે આવેલ આશ્રય સોસાયટીમાંથી ઉડિયા સમાજ અને જગન્નાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીની ત્રીજી લહેરને આમંત્રણ ન મળી રહે એ માટે મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઇ હતી. ભગવાન જગન્નાથની પૂજા-અર્ચના કરી અને મંદિર પરિસરમાં જ સાદગીપૂર્વક કોરોના ગાઈડલાઇનનું પાલન કરી રથયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત અધિકારીઓએ અને ભોય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં મંદિર પરિસરમાં રથ ફેરવવામાં આવ્યો
અંકલેશ્વર: અંકલેશ્વરના જગન્નાથજી મંદિરમાં સોમવારે રથયાત્રા યોજવામાં આવી હતી. જે મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી. અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં સોમવારે હર્ષોલ્લાસપૂર્વક રથયાત્રા યોજવામાં આવી હતી અને રથયાત્રાનો પ્રારંભ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ભગવાન જગન્નાથજીના મોસાળ પક્ષ બનેલા નરેશભાઈ મોદીએ કરાવ્યો હતો અને ભગવાન જગન્નાથજી, બલરામજી તથા બહેન સુભદ્રાના રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો હતો. રથયાત્રામાં ઉપસ્થિત ભક્તોએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કર્યું હતું.