માતા, પિતા, પછી જો કોઈ મીઠો, મધુરો સંબંધ હોય તો તે મૈત્રી છે. કાકા-કાકી, મામા-મામી, ભાઈ-બહેન વગેરે સંબંધો સગાઈના સંબંધો છે. તે વારસામાં મળે છે. તેમાં પસંદગી નથી હોતી. ગમે કે ન ગમે તે નિભાવવા પડે છે. એટલે જ તેમાં ખેંચ-તાંણ આવે છે. માન-અપમાન, અહમ્ વગેરે હોય છે. ભૂલો, વાંક-ગુના શોધવાની વક્રદ્રષ્ટિ હોય છે. સ્વાર્થ હોય છે. ક્યારેક દગાખોરી પણ જોવા મળે છે. મૈત્રીમાં એવું હોતું નથી.
હા, મૈત્રીમાં પણ ક્યારેક દગો-ફટકો જોવા મળે છે. ‘મિત્રએ મિત્રનું ખૂન કરી નાખ્યું,’ એવા સમાચારો ઘણી વાર છાપાંમાં જોવા મળે છે, પણ સાચા અર્થમાં તેઓ મિત્રૌ નથી હોતા. તેઓ સ્વાર્થ પુરતા સોબતીઓ હોયછે, જે શોર્ટ-ટર્મ સંબંધો હોય છે. મૈત્રી એ તો આજીવન સંબંધ હોય છે. નિસ્વાર્થ સંબંધ હોય છે. એમાં એકબીજા માટે મરી ફીટવાની ભાવના હોય છે. એટલેજ મૈત્રીમાં તિરાડ પડતાં મિત્રએ આપઘાત કર્યો એવા સમાચાર આપણને વાંચવા મળે છે. અર્થાત સાચા મિત્રને ઓળખવાનું કૌશલ્ય જોઈએ, કારણ ઘણા ઘેટાંના સ્વાંગમાં ઘુસેલાં વરુઓ જ હોય છે.
મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર જ છો. હવે હું તમને મારા સેવક કહેતો નથી, કારણ, પોતાનો માલિક શું કરે છે તેની સેવકને ખબર હોતી નથી. પણ મેં તો તમને મિત્રો કહ્યા છે.’(જોન ૧૫: ૧૩-૧૫). મહાભારતમાં શ્રીકૃષ્ણનો તેમની સખી દ્રોપદી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે. કૌરવોએ દ્રોપદીનું વસત્રાહરણ કરી તેને અપમાનિત કરી તેથી યુદ્ધની નોબત આવી ત્યારે નાસીપાસ થયેલા અર્જુનને તેમણે યુદ્ધ કરવા પ્રોત્સાહિત કરેલ. વળી ગરીબ સહાધ્યાયી મિત્ર સુદામા તેમને મળવા ગયા ત્યારે ગરીબી- અમીરીના ભેદ અને તમામ પ્રોટોકલ્સને બાજુએ મૂકી તેમને ભેટી પડ્યા. આ છે પ્રેમની પવિત્રતા! સાચાં નિસ્વાર્થ પ્રેમમાં એક બીજા માટે મરીફીટવાની ભાવના હોય છે.
અત્રે એક સરસ ઉદાહરણ પ્રસ્તુત છે.સિસિલી ટાપુમાં આવેલ સિરાક્યુસ રાજ્યના રજા ડાયોનીસીયસે ફીન્ટિયસ નામના ઈસમને કોઈ કારણસર મૃત્યુદંડની સજા ફરમાવવી. તેને ફાંસી આપવાનો સમય નજીક આવતાં નજીકના ગામમાં રહેતા તેના પરિવારને આખરી વાર મળવા માટે જવા દેવા તેણે રાજા પાસે મંજુરી માગી. રાજાએ મંજુરી તો આપી પરંતુ તેના બદલામાં કોઈ અન્ય માણસને જેલમાં રાખવાની શરત મૂકી.આવી ગંભીર સ્થિતિમાં વિના ગુન્હે મરવા માટે કોણ જેલમાં જાય? પણ તેનો ડેમોન નામનો મિત્ર તૈયાર થઈ ગયો અને જેલમાં ગયો. ફીન્ટિયસને ફાંસી આપવાવાના સમય પહેલાં પરત આવી જવા ફરમાવવામાં આવ્યું.
ફાંસી આપવાનો સમય થઈ ગયો. તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ, હજારો પ્રેક્ષકો ઉપસ્થિત હતા. રાજા એના આસનપર બિરાજમાન થઈ ગયો.પણ આરોપી છેલ્લી ક્ષણ સુધી હાજર ન થયો એટલે તેના મિત્રને ફાંસી આપવા માટે ફાંસીના માંચડે લાવવામાં આવ્યો. પોતાના પ્રાણપ્રિય મિત્ર માટે સ્હેજ પણ રંજ વિના બલિદાન આપવા તે ખડો હતો. જલ્લાદ ફાંસીનો ગાળિયો તેના ગળામાં ભરાવવા જતો હતો.વાતાવરણ તંગ હતું. પિન ડ્રોપ સાયલન્સ છવાયું હતું, ત્યાં જોર જોરથી અવાજ આવવા લાગ્યો: થોભો, હું આવી ગયો છું.
હું ફીન્ટિયસ, ફીન્ટિયસ! હજારો માણસોની ભીડમાં છલાંગ મારતો મારતો ફીન્ટિયસ ફાંસીના માંચડે પહોંચી ગયો. લોકો મંત્રમુગ્ધ થઈ ગયાં અને બ્રેવો, બ્રેવોના નારા લગાવતાં , ફાંસીની સજા રદ કરવાની માગણી કરવા લાગ્યા. રાજાનું દિલ પણ દ્રવી ઉઠ્યું. બે જીગરજાન મિત્રોના મિલનનો અદ્ભુત નજારો જોઈ બધા રોમાંચક થઈ ગયાં. ત્યાં રાજાએ ફાંસીનો હૂકમ રદ કર્યો. અને દુઃખદ ઘટના હર્ષોલ્લાસમાં ફેરવાઈ ગઈ!
અહીં એક બીજી સત્યઘટના પ્રસ્તુત છે. એક ગામમાં બે સગા ભાઈઓ વચ્ચે મિલકત અંગે ઝઘડો ચાલતો હતો. સમય જતાં તેણે ઉગ્ર હિંસક સ્વરુપ ધારણ કર્યું અને એક દિવસ એક પક્ષે બીજા પક્ષના બધાં કુટુંબીજનોની હત્યા કરી નાખી.માત્ર એક છોકરો જે બહાર ગામ ભણતો હતો તે જ બચી ગયો. અઢારેક વર્ષનો યુવાન આ હત્યાકાંડથી ભાગીપડ્યો. ડીપ્રેશનનો શિકારબનીગયો.મા, બાપ,ભાઈઓ, બહેનો, જરજમીન બધુ જ ગુમાવી દેનારા યુવાનને જીવન હવે ઝેર જેવું લાગતું હતું. એનો એક ગાઢ મિત્ર જ તેનો સહારો હતો. બન્નેનાં મન મળેલાં હતાં.એકબીજાને ખુલ્લા દિલથી વાત કરતા. એણે મિત્રને કહ્યું, હું આપઘાત કરવા ઈચ્છું છું. મિત્રના પગ નીચેથી જમીન સરકવા લાગી.
તેણે એને ખુબ સમજાવ્યો. ગમેતેમ કરીને કેટલાક દિવસો પસાર કર્યા, પણ તે એની જીદમાં અડ્યો રહ્યો. એ ન જ માન્યો એટલે આ મિત્રએ કહ્યું, જો તું મરવા જ માંગે છે તો તારા કુટુંબની કતલ કરનાર દુશ્મનોને શા માટે જીવતાં છોડે છે? તે વિચારમાં પડી ગયો. અને બીજા જ દિવસે કુહાડીથી સામા પક્ષના આખા કુટુંબની કતલ કરી નાખી. હથિયાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ગુનો કબુલ કર્યો. કેસ કોર્ટમાં ગયો. ગુનો મૃત્યુદંડનો હતો પણ સઘળા સંજોગો લક્ષમાં લઈ કોર્ટે એને જન્મટીપની સજા ફરમાવી. માસુમ ભણેલા કેદી પર દયા ખાઈને જેલરે એને ઑફિસમાકામ સોંપ્યું. કેટલાંક વર્ષો જેલમાં વીતી ગયાં. અંતે કેદીની સારી વર્તણૂક માટે સ્વાતંત્ર્ય દિને તેને મુક્તિ આપવામાં આવી. તે મુક્ત થયો. ગામમાં આવીને લોકસેવાનાં કાર્યમાં લાગી ગયો. અને ગામનો લોકપ્રિય સરપંચ બની ગયો. લોકપ્રિય નેતા બની ગયો. એની ક્રેડિટ હંમેશાં એ એના મિત્રને જ આપતો !