મનની ચંચળતાને ટાળવાની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ આપણને સંયમના પાઠ દૃઢાવી રહ્યા છે. ઘડામાં છિદ્ર હોય તો પાણી કેટલા સમય ટકે? જવાબ દરેક જાણે છે. જેમ છિદ્રવાળા પાત્રમાં પાણી ટકવું અશક્ય છે તેમ જ સંયમ વિનાના માનવની ચિત્તવૃત્તિની ભગવાનના સ્વરૂપમાં યોગસિદ્ધિ અસંભવ જ છે. ભગવાને ગીતામાં કહ્યું છે –
‘असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः।’(ગી. 6/36)
‘અસંયમિત મન-ઇન્દ્રિયોવાળા માણસ માટે યોગ સિદ્ધ થવો ખૂબ જ દુર્લભ છે એમ મારું માનવું છે.’ ભગવાનનું આ માનેલું (मतिः) શક્યતામાં નહીં પરંતુ સિદ્ધાંતમાં જ ખપે. કારણ કે, ભગવાન સર્વસૃષ્ટિના સદાના સાક્ષી છે. તેથી તેઓ તો ત્રણેકાળના અનુભવોને જોઈને-જાણીને આ વાત કરે છે. આમ, તેમનું માનવું (मतिः) આપણા માટે સિદ્ધાંતવાક્ય છે. આ સિદ્ધાંત અનુભવસિદ્ધ છે. અહીં યોગ સિદ્ધ કરવા જે સંયમની અનિવાર્યતા કહી, તે સંયમ વિના તો આ લોકની નાની-મોટી સિદ્ધિ પણ સંભવે નહિ તો યોગસિદ્ધિ ક્યાંથી થાય?
જેમ કોઈ વિદ્યાર્થી મોબાઇલમાં કે કોમ્પ્યુટરમાં અયોગ્ય વેબસાઇટ જોવામાં સંયમ ન રાખે, તો તેની યાદશક્તિ અને સમજણશક્તિને ઘસારો લાગે જ ! પરિણામે માનસિક વિકૃતિ વધતાં વિદ્યાની સિદ્ધિ થતી નથી. વજન ઘટાડવા કટિબદ્ધ થયેલો માણસ ખાવામાં સંયમ ન રાખે તો તેની મનોકામના મનમાં જ રહી જાય છે. વળી, વાણીના સંયમના અભાવે થતા કૌટુંબિક, સામાજિક કે વૈશ્વિક ઝઘડાઓમાં વિશ્વશાંતિની સંભાવના પણ ખરી જાય છે. આમ, ચક્ષુ, રસના વગેરે પાંચ ઇન્દ્રિયોના સંયમના અભાવે ધાર્યું ફળ મેળવવાની આશા રાખવી વ્યર્થ જ છે. આ પંચ-ઇન્દ્રિયોના સંયમ વિના આ લોકની સિદ્ધિ અસંભવે, તો પારલૌકિક પરમાત્માના સ્વરૂપમાં મનની અખંડવૃત્તિ રાખવા યોગ સિદ્ધ કરવા માટે તો આ સંયમને કેમ અવગણી શકાય? તેથી જ છાંદોગ્યોપનિષદમાં સનતકુમાર નારદજીને સંયમનો પાઠ ભણાવતાં કહે છેઃ-
‘आहारशुद्धौ सत्त्वशुद्धिः सत्त्वशुद्धौ ध्रुवा स्मृतिः’(छा. ७/२६/२)
પંચ ઇન્દ્રિયોના આહારની શુદ્ધિ થવાથી અંતઃકરણ (મન)ની શુદ્ધિ થાય છે. મનની શુદ્ધિથી પરમાત્માના સ્વરૂપની અખંડ સ્મૃતિ રહે છે એટલે કે પરમાત્મ-યોગ સિદ્ધ થાય છે. તેથી જ પંચઇન્દ્રિયો (શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના, ઘ્રાણ)ના આહાર (શબ્દ,સ્પર્શ, રૂપ, રસ, ગંધ)ના સંયમથી ભગવાનનો યોગ સિદ્ધ થવાની ગેરેન્ટી સ્વયં ઉપનિષદો આપણને આપે છે! ભગવાન સ્વામિનારાયણ સ્વયં આ સિદ્ધાંત દૃઢાવતાં કહે છે:- “પંચ ઈન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે, અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે.” (વચનામૃત ગઢડા પ્રથમ-18)
આવી રીતે, ઇન્દ્રિયોને સંયમિત કરીને યોગસિદ્ધિના શિખરે બિરાજતા યોગીને જ ભગવાન ‘સ્થિતપ્રજ્ઞ’ કહે છે. ગીતા સમજાવે છે કે ‘જેમ કાચબો પોતાનાં અંગો સંકોરી લે છે, તેમ જે ભક્ત ઇન્દ્રિયોને તેના વિષયોમાંથી સંયમિત-નિગૃહિત કરી શકે તેની પ્રજ્ઞા હંમેશાં ભગવત સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે – તે સ્થિતપ્રજ્ઞ છે. (गी 2/58)
5000 વર્ષ પૂર્વે ભગવાનના મુખે કહેવાયેલી આવી સ્થિતપ્રજ્ઞતાનાં દર્શન બ્રહ્મનિષ્ઠ સંતોમાં જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે:- ‘જિતં સર્વં જિતે રસે’ જેણે સ્વાદ- ઇન્દ્રિય પર વિજય મેળવ્યો છે, તેણેે બધી જ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો કહેવાય. આમ, સ્વાદેન્દ્રિય ઉપર વિજય બધી જ ઇન્દ્રિયો ઉપરના વિજયની પારાશીશી છે. આ ઇન્દ્રિયવિજય મહંત સ્વામીજીના જીવનમાં સૌ કોઈને અનુભવાય છે. તેઓ હંમેશાં સાદું-સાત્ત્વિક મીઠા વિનાનું – મોળું જમે છે. એક વાર બોચાસણમાં બાળકોએ તેમનું ભોજન ચાખ્યું તો આશ્ચર્ય થયું. બાળકોએ મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે, “આમાં શું સ્વાદ આવે? આવું સાદું મોળું કેમ જમો છો?” ત્યારે મહંતસ્વામી મહારાજે ખૂબ જ ધીરજતાથી કહ્યું, “ભગવાનને સંભારીને જમીએ છીએ તેથી ભગવાનની મૂર્તિનો સ્વાદ આવે છે.”
ભગવાન સ્વામિનારાયણ આપણા દૈનિક જીવનમાં સંયમ કેવી રીતે પાળી શકાય તેની વાત કરતાં કહે છે- “શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનો ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં.” (વચ.ગ. પ્ર. ૮) શાસ્ત્ર અને સત્પુરુષો જે મર્યાદા બાંધે છે તે સર્વે જીવોના હિતમાં હોય છે. વળી, સત્પુરુષોનું જીવન શાસ્ત્રોનું જીવંત ભાષ્ય હોય છે. તેઓનું આચરણ સંયમનું મૂર્તિમાન સ્વરૂપ છે. તેમના આદેશોમાં સંયમના પાઠ ગુંજે છે. તેમના આશીર્વાદમાં સંયમને રક્ષણ આપવાની શક્તિ સમાયેલી છે. આમ, સત્પુરુષમાં સંયમ અને સ્થિતપ્રજ્ઞતાના સાથે દર્શન કરનારા સૌ કૌઈના મનમાં ગીતાના એ શબ્દો રમવા લાગે છે- ‘ઇન્દ્રિયાતીત અને સ્થિર યોગીપુરુષ ક્યારેય ચલાયમાન થતા નથી.’