Charchapatra

ડ્રોન વિમાનો ઉપર પ્રતિબંધ જરૂરી છે

27/6ના રોજ પાકિસ્તાન સ્થિત કોઇક આતંકી સંગઠને પાકિસ્તાન બોર્ડરથી 14 કિ.મી. દૂર જમ્મુમાં આવેલા ભારતીય એરફોર્સ મથક ઉપર ડ્રોન વિમાન દ્વારા આતંકી ધમાકાઓ કરીને આતંકી હુમલાની પરિભાષા સંપૂર્ણપણે બદલી નાખી ભારતીય સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. અત્યાર સુધી આતંકી સંગઠનો આત્મઘાતી હુમલાખોરો દ્વારા હુમલા થતા હતા, પરંતુ આતંકીઓના હાથમાં ડ્રોન આવતાં તેઓ 10/15 કિ.મી. દૂરથી તેઓ પકડાવાની કે મરવાની ચિંતા વિના દૂરથી જ અતિ ભયંકર હુમલાને અંજામ આપી શકે છે. આવો હુમલો મહદ્ અંશે રોકી શકાતો નથી અને એને અક્ષાંશ રેખાંશ કમ્પાસ કે ગુગલ એપ અને કોમ્પ્યુટરની મદદથી થાય તો અત્યંત ચોકસાઇથી ધાર્યાં નિશાન તોડી શકે. હાલનો હુમલો પ્રાથમિક પ્રાયોગિક રીતે થયો છે. તેથી ખાસ નુકસાન નથી થયું. પરંતુ અતિ આધુનિક ટેકનોલોજીનો વ્યાપ અને સુલભતા જોતાં હવે આવા હુમલા ગમે ત્યાં થઇ શકે છે અને વ્યાપક સંહાર કરી શકાય છે.

જેમ કે આપણા અણુમથક ઉપર કે વિમાનવાહક યુધ્ધજહાજ ઉપર હુમલો કરી શકાય. પ્રધાનમંત્રીના કે રાષ્ટ્રપતિના કાફલા ઉપર હુમલો કરી વ્યાપક ખુવારી કરી શકાય. સંસદમાં સભા ચાલુ હોય ત્યારે બે ચાર ડ્રોન દ્વારા આસાન હુમલો કરી ઘણાંનો ખાત્મો બોલાવી શકાય. ઉકાઇ જેવા ડેમમાં ગાબડાં પાડી શકાય. ડ્રોન દ્વારા ભરચક ગીરદીવાળાં સ્થાનો ઉપર ઝેરી રસાયણો કે કેમિકલનો છંટકાવ કરીને ભારે હાહાકાર મચાવી શકાય છે. માટે ડ્રોન વિમાનો  રાખવાં-વસાવવાં-આયાત કરવાં કે વાપરવા ઉપર ભારે પ્રતિબંધો જરૂરી લાગે છે. સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top