National

રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું એ ગુનો નથી : જમ્મુ કશ્મીર હાઈકૉર્ટે

જમ્મુ: એક મહત્વપૂર્ણ ચુકાદામાં જમ્મુ-કાશ્મીર ((Jammu Kashmir) હાઈકૉર્ટે એવો નિર્ણય લીધો છે કે, રાષ્ટ્રગીત (National anthem) માટે ઊભા ન થવું એ રાષ્ટ્રગીતનો ‘અનાદર’ ગણી શકાય છે, પરંતુ તે ગુનો નથી. આ મહત્વપૂર્ણ નિર્ણયથી વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકો સામે રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું અથવા ઊભા થવું પરંતુ તેનું ગાન ન કરવા અંગે નોંધાયેલા કેટલાક કેસોને અસર થઈ શકે છે.

કૉર્ટે જમ્મુ પ્રાંતના એક લેક્ચરર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર (FIR) ને પણ રદ કરી દીધી હતી. તેમની વિરુદ્ધ 2018માં કૉલેજના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત માટે ઊભા ન થવાનો આરોપ હતો. આ અંગે જસ્ટિસ સંજીવ કુમારની સિંગલ બૅન્ચે જણાવ્યું હતું કે, રાષ્ટ્રગીત માટે ઊભા ન રહેવું એ રાષ્ટ્રીય સન્માન અધિનિયમ હેઠળ ગુનો નથી. અધિનિયમની કલમ 3નો સંદર્ભ આપતા ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે, કાયદો માત્ર તે જ વ્યક્તિના વર્તનને દંડ કરે છે જે રાષ્ટ્રગીતના ગાનને અટકાવે છે અથવા આ પ્રકારનું ગાન કરતી કોઈ સભામાં ખલેલ પહોંચાડે છે.

કૉર્ટે કહ્યું કે, ‘આ પ્રકારે, એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રાષ્ટ્રગીતના ગાન વખતે ઊભું ન થવું અથવા રાષ્ટ્રગીત દરમિયાન ચૂપ રહેવું તે રાષ્ટ્રગીતનો અનાદર હોય શકે છે, પરંતુ તે ધારા 3 હેઠળ કોઈ ગુનો નથી.’ હાઈકૉર્ટે એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રગીત પ્રત્યે આદર એ ભારતના બંધારણ હેઠળ જણાવેલ મૂળભૂત ફરજોમાંની એક છે. પરંતુ આ ફરજો કાયદા દ્વારા લાગુ કરી શકાતી નથી અને આ પ્રકારની ફરજોનું ઉલ્લંધન રાજ્યના કોઈ પણ દંડનીય કાયદા હેઠળ ગુનો નથી.

હાલમાં જ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યાના અંદાજે 2 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ રાજ્યના 14 પક્ષોના નેતાઓ સાથે PM હાઉસ પર બેઠક કરી હતી. આ બેઠક ત્રણ કલાક ચાલી હતી. એમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, મહેબૂબા મુફ્તિ જેવા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં સંસદીય કાર્ય મંત્રીએ આર્ટિકલ 370 (Article 370) હટ્યા બાદ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું ત્યારબાદ પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ.  બેઠક બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યુ કે, આજે સારા માહોલમાં બધાએ વિસ્તારથી પોતાની વાત રાખી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રીએ બધાની વાત સાંભળી છે.

પીએમે કહ્યુ કે, ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. જણાવી દઈએ કે બેઠકના 3 કલાક પહેલાં અમિત શાહ વડાપ્રધાન મોદીના ઘરે પહોંચ્યા હતા. અહીં મીટિંગના એજન્ડા વિશે ચર્ચા કરવામાં આવી હતી. એ ઉપરાંત પીએમની બેઠક પહેલાં કાશ્મીરના નેતાઓ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં મહત્ત્વની મુલાકાત કરી હતી.

Most Popular

To Top