બારડોલી પાલિકામાં ગેરકાયદે બાંધકામ બાદ મોટા પાયે કચરા કૌભાંડ થયાની શંકા બારડોલી નગરપાલિકામાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચાર મામલે હવે શાસકોએ પણ અધિકારીઓ સામે બાંય ચઢાવી રહ્યા છે. નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર કચરા નિકાલ બાબતે મોટાપાયે કથિત ગોબચારી થઈ હોવાની જાણ થતા આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર ચૌધરીએ પાલિકામાં તટસ્થતાથી તપાસ માટે અરજી કરી હતી. પાલિકા પ્રમુખે ફાલ્ગુની દેસાઈએ અરજી મળતાં જ તાત્કાલિક ધોરણે 14મી જુલાઇના રોજ ખાસ સામાન્ય સભા બોલાવતા અધિકારીગણમાં ખળભળાટ મચી ગયો છે.
સામાન્ય સભામાં ચર્ચા બાદ કથિત ગોબાચારી મામલે તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. હાલ તો ડમ્પિંગ સાઇટનું કામકાજ સંભાળતી એજન્સી દ્વારા કચરા નિકાલનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી સંભાવના હોય ચીફ ઓફિસર થઈ લઈ અધિકારીઓની સ્થિતિ મા મને કોઠીમાંથી કાઢ જેવી થઈ ગઈ છે. ગેરકાયદે બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ હવે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અન્ય અધિકારીઓનો કચરા કૌભાંડ પણ બહાર આવવાની શક્યતાઓ છે.
નાંદિડા ગામની સીમમાં બારડોલી પાલિકાની ડમ્પિંગ સાઇટ આવેલી છે. આ સાઇટ પર કચરાનો પ્રોસેસિંગ કરી નિકાલ કરવા માટે ગત જાન્યુઆરી માસથી માધવ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આ એજન્સી દ્વારા કચરા નિકાલ બાબતે મોટાપાયે ગોબાચારી આચરવામાં આવી હોવાની શંકા જતાં આરોગ્ય સમિતિના ચેરમેન કથિત ગોબાચારી અંગે પાલિકા પ્રમુખને અરજી કરી તટસ્થતાથી તપાસની માંગ કરી હતી. આ અરજી મળતાં જ પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઈ હરકતમાં આવી ગયા હતા
અને અરજીના આધારે 14મી જુલાઈ બુધવારના રોજ તાત્કાલિક ધોરણે ખાસ સામાન્ય સભા બોલાવી છે. જેમાં માત્ર આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર ચૌધરીની અરજી અંગે ચર્ચાનો એકમાત્ર એજન્ડા રહેશે. પ્રમુખે મીટિંગ બોલાવતા જ નગરપાલિકાના ચીફ ઓફિસરથી લઈ અન્ય અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય સભામાં પ્રમુખ ફાલ્ગુનીબેન અને કારોબારી ચેરમેન નીતિન શાહની આગેવાનીમાં એક સમિતિનું ગઠન કરવામાં આવે તેવી સંભાવના છે. જે સમિતિ કથિત ગોબચારીની તપાસ કરશે. સમિતિની તપાસ બાદ સમગ્ર મામલે ખુલાસો થશે.
દૈનિક 40 ટન સરેરાશ કચરો નીકળે છે અને એજન્સી રોજના 260 ટન પ્રોસેસ કરે છે!
એક તરફ એજન્સી દ્વારા રોજના 260 ટન કચરો પ્રોસેસ કરવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ડમ્પિંગ સાઇટ પર બારડોલી નગરપાલિકામાંથી રોજનો સરેરાશ 21 થી 25 ટન કચરો જતો હોય છે. જ્યારે આજુબાજુનાં ગામો અને કડોદરા નગરપાલિકાનો કચરો મળી રોજ સરેરાશ 35થી 40 ટન જેટલો કચરો જ ડમ્પિંગ સાઇટ પર આવે છે. નવો કચરો કેમિકલ નાંખી સંગ્રહ કરાય રહ્યો છે અને હાલ માત્ર જુના કચરાનો જ નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનો બચાવ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ જૂનો કચરો ભૂતકાળમાં અનેક વખત લાગેલી આગને કારણે ભસ્મીભૂત થઈ ગયો હતો તો વધારાનો કચરો આવ્યો ક્યાંથી એવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. માત્ર પંદર દિવસનાના કચરા પ્રોસેસિંગ માટે પાલિકા દ્વારા 25 લાખ રૂપિયાથી વધુ રકમ ચૂકવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ કથિત ગોબાચારીમાં અનેક અધિકારીઓની સંડોવણી બહાર આવે તેવી સંભાવનાને લઈ પાલિકા પરિસરમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લોકોને પ્રમુખ ફાલ્ગુનીબેન પર આશા
પાલિકા પ્રમુખ ફાલ્ગુની દેસાઈ અને તેમની ટીમ તટસ્થતાથી તપાસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવે એમ છે. નખશીખ પ્રામાણિક ગણાતાં ફાલ્ગુનીબેન આ મામલે કોઈના પણ દબાણમાં આવ્યા વગર કામગીરી કરે એવી આશા નગરજનો રાખીને બેઠા છે.
ડમ્પિંગ સાઈટ ઉપર ભૂતકાળમાં અનેક વખત આગના બનાવો પણ બન્યા હતા ડમ્પિંગ સાઇટ પર એકત્રિત કરવામાં આવતા કચરામાં ભૂતકાળમાં અનેક વખત આગના બનાવો બન્યા છે. જેમાં મોટા ભાગનો કચરો બળીને ખાખ થઈ ગયો હતો. સાઇટ પર આગ બુઝાવવાની કામગીરી બારડોલી ફાયર વિભાગે જ કરી હતી. ત્યારે સામાન્ય સભામાં જો તપાસ માટે કમિટીની રચના કરવામાં આવે તો આ કમિટી દ્વારા બારડોલી ફાયર વિભાગ પાસેથી પણ આગનો રિપોર્ટ માંગવામાં આવે તો તે મહત્ત્વનું સાબિત થાય એમ છે.