Dakshin Gujarat

ભરૂચના ભોલાવની પ્રાર્થના વિદ્યાલયમાં 12 વૃક્ષનું નિકંદન કાઢી નંખાતાં વિવાદ

ભરૂચના ભોલાવમાં આવેલી પ્રાર્થના વિદ્યાલય દ્વારા 12 જેટલાં વૃક્ષોને વગર પરવાનગીએ કાપી નાંખવામાં આવતાં વિવાદ સર્જાયો છે. આ વૃક્ષો નચીકેત એકેડમીના કેમ્પસનાં હતાં. જે 12 વર્ષ જૂના હતા. એકેડમીના ભાગીદારે આ અંગે ફરિયાદ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

નચીકેત એકેડમીની મિલકતને પ્રતિમાસ બે લાખ રૂપિયાના ભાડેથી આનંદ એજ્યુકેશન ટ્રસ્ટને સ્કૂલ ચલાવવા માટે આપવામાં આવી છે. જેના પર પ્રાર્થના વિદ્યાલય સ્કૂલ ચલાવવામાં આવે છે. ડો.જિગ્નેશ પટેલ પ્રાર્થના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને નચિકેત એકેડમીના ભાગીદાર છે. ગત 4 જુલાઈના રોજ જિગ્નેશ પટેલ તેમજ ભાગીદાર ધર્મિષ્ઠાબેનને કોઇપણ જાતની માહિતી આપ્યા વગર આ સંયુક્ત માલિકીવાળા કેમ્પસમાં અંદાજિત બાર વર્ષ જૂનાં વૃક્ષોનું કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી વિના છેદન કરી દેવામાં આવ્યું હતું.

આ માટે જવાબદાર એવા શાળાના આચાર્ય તથા અન્ય ટ્રસ્ટીઓ નીતિનકુમાર એન.પટેલ, મુકેશકુમાર ડી.ટેલર, રાકેશ ડી.સોલંકી અને કોસાંબી એન.પટેલ સામે વગર મંજૂરીએ વૃક્ષો કાપવા અને કપાવવા સામે કાર્યવાહી કરવા તંત્રમાં ફરિયાદ કરાઈ છે. બીજી બાજુ શાળાના આચાર્યએ આ અંગે આસપાસના રહીશોને આ જંગલી વૃક્ષો તેમજ તેનાં ફળ નડતર અને જોખમરૂપ હોવા બાબતે રજૂઆત કરતાં મૌખિક મંજૂરીથી કપાયાં હોવાની રજૂઆત કરી બચાવ કર્યો હતો.

Most Popular

To Top