Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમધમાટી: ઉમરગામમાં 4 ઈંચ, ધરમપુરમાં બે કલાકમાં 60 મીમી વરસાદ

વાપી: (Vapi) વલસાડ (Valsad) જિલ્લાના ધરતીપુત્રો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે મેઘરાજાની (Rain) પુન: પધરામણી શુક્રવારે રાતથી થઈ ગઈ છે. ધમાકેદાર રિ એન્ટ્રી સાથે પધારેલા મેઘાએ જિલ્લાના કપરાડા સિવાયના તમામ તાલુકાને તરબોળ કરી ભિંજવી દીધા હતા. જિલ્લામાં સૌથી વધુ વરસાદ 4 ઈંચ ઉમરગામમાં ઝીંકાયો હતો. ત્યારબાદ પારડીમાં 3, વાપીમાં દોઢ અને વલસાડમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.જો કે, શનિવારે સાંજે 4 થી 6 દરમિયાન ધરમપુરમાં એકાએક મેઘાએ ધમધમાટી બોલાવતાં માત્ર બે કલાકમાં જ 60 મીમી પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

  • વલસાડ જિલ્લામાં મેઘાની પુન: પધરામણી: ઉમરગામમાં 4 ઈંચ વરસાદ
  • ધરમપુરમાં શનિવારે સાંજે 4 થી 6 દરમિયાન બે કલાકમાં 60 મીમી વરસાદ
  • પારડીમાં 3, વાપીમાં દોઢ અને વલસાડમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

છેલ્લા કેટલાય સમયથી વરસાદ લોકોને હાથતાળી આપી રહ્યો હતો. આકાશમાં મંડરાતા કાળા વાદળો (Clouds) વરસ્યા વગર જ અલોપ થઈ જતાં લોકો સખત ગરમી, અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. મેઘાને રીઝવવા લોકો અનેક જાતના પેંતરા પણ કરતા જોવા મળ્યા હતા. જોકે, છેલ્લા બે-ત્રણ દિવસથી આકાશમાં વરસાદનું વાતાવરણ બંધાતા અને હવામાન ખાતાની આગાહી જાહેર થતાં લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. શુક્રવારે મોડીરાત થી મેઘાએ વલસાડ જિલ્લામાં ગબરાટી મચાવી દીધી હતી. સખત ગરમીથી શેકાતા લોકોએ વરસાદ થી થોડી રાહત મેળવી હતી.

  • 24 કલાકમાં પડેલો વરસાદ
  • ઉમરગામ 90 મીમી
  • કપરાડા 12 મીમી
  • ધરમપુર 66 મીમી
  • પારડી 71 મીમી
  • વલસાડ 29 મીમી
  • વાપી 39 મીમી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ લો પ્રેશર સર્ક્યુલેશન હાલ છત્તીસગઢ ઉપર મંડરાઈ રહ્યું છે. જે આગામી ૨૪ કલાકમાં મધ્યપ્રદેશ અને ત્યારબાદ ગુજરાત તરફ આગળ વધશે. જેને કારણે દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં શનિવારે ભારે વરસાદની આગાહી વચ્ચે બપોરે એક જ કલાકમાં સવા બેથી અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ચોર્યાસી તાલુકાનાં 10 મી.મી વરસાદ નોંધાયો છે અને ઓલપાડમાં પણ બપોરે 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ના તાલુકાઓ કોરાકટ રહ્યાં હતાં. મધ્યપ્રદેશ પર આવતી કાલે જ્યારે વરસાદી સિસ્ટમ હશે ત્યારે મધ્યપ્રદેશમાં સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. એટલે કે આગામી ૨૪થી ૪૮ કલાક બાદ ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થશે તેવી આશા બંધાઈ છે.

Most Popular

To Top