મિનિમલ મેકઅપ આજકાલ ટ્રેન્ડમાં છે અને એ લોકપ્રિય થવાનાં ઘણાં કારણો છે. મિનિમલ મેકઅપ કરવાથી તમારી ત્વચા સહેલાઈથી શ્વાસ લઇ શકે છે. વધારે ફ્રેશ અને યુવાન દેખાય છે. મિનિમલ મેકઅપ કરવો બહુ સહેલો પણ છે. જો તમે મિનિમલ મેકઅપ કરવા ઈચ્છતાં હો તો કેટલીક પ્રોડકટસ તમારી પાસે હોવી જરૂરી છે. જેના દ્વારા તમે સહેલાઈથી મિનિમલ લુક મેળવી શકો છો.
બ્રો જેલ
તમારી આઈબ્રોઝ તમારા ચહેરાને ફ્રેમ કરે છે અને તેના પર ધ્યાન આપવાનું તમે છોડી શકો નહીં એટલે તમારી પાસે આઈબ્રો જેલ હોવી જરૂરી છે. તમે બ્રશથી આઈબ્રો પર જેલ લગાડો. એનાથી તમારો ચહેરો વધારે ડિફાઈન્ડ લાગે છે. ટિન્ટેડ આઈબ્રો જેલ એક સારો વિકલ્પ છે. એ તમારા ચહેરાને વધારે ડિફાઈન્ડ લુક આપે છે. જો તમે ઓવરડુ કરવા માંગતાં ન હો તો કિલયર જેલનો ઉપયોગ પણ કરી શકો.
મસ્કરા
મસ્કરા લેશને માત્ર કર્લ જ નથી કરતું પરંતુ ચહેરાને અલગ લુક પણ આપે છે. મસ્કરા લગાડવાથી આંખ મોટી લાગે છે. જો તમે એક સિંગલ કોટ લગાડો તો પણ તમારો ચહેરો બહુ પ્રેઝન્ટેબલ લાગે છે. જયારે તમારે વધારે મેકઅપ કરવો ન હોય ત્યારે તમે માત્ર લેશને કર્લ કરી ન્યૂડ લિપસ્ટિક લગાડી શકો.
કન્સીલર
જો તમારી ત્વચા પર બહુ ડાઘધબ્બા ન હોય અને લાઈટ કવરેજ જોઇએ તો કન્સીલર તમારા માટે સારો વિકલ્પ છે. જયારે મિનિમલ મેકઅપ કરવો હોય ત્યારે તમારા શેડથી એક કે બે શેડ લાઈટ કન્સીલર પસંદ કરી ચહેરા પર લગાડો અને પછી આંગળીથી કે બ્યૂટી બ્લેન્ડરથી બ્લેન્ડ કરો.
પાઉડર ફાઉન્ડેશન /લુઝ પાઉડર
મિનિમલ મેકઅપ લુક માટે તમારે વધારે હેવી બેઝની જરૂર નથી. જો તમારે કન્સીલરનો ઉપયોગ કરવો ન હોય તો પાઉડર ફાઉન્ડેશન કે પછી લુઝ પાઉડર બેઝનો ઉપયોગ કરી શકો છો. તમે બીબી કે સીસી ક્રીમ પણ લગાડી શકો.
લિપ બામ
જયારે તમને હોઠ પર લિપસ્ટિક કે કંઇ પણ લગાડવાની ઇચ્છા ન હોય ત્યારે તમે લિપ બામ લગાડી શકો. એ હોઠને જરૂરી શાઈન આપશે. તમે લિપસ્ટિકના ફેન ન હો તો પણ લિપ બામ બેસ્ટ ઓપ્શન છે.
ન્યૂડ લિપસ્ટિક
ન્યૂડ લિપસ્ટિક વિના તમારી વેનિટી બેગ અધૂરી છે. ન્યૂડ લિપસ્ટિકમાં ઘણી વેરાયટી આવે છે. જો તમે સ્ટાર્ટ કરી રહ્યાં હો તો પિન્ક કે બ્રાઉન લિપ શેડસ ટ્રાય કરી શકો. તમે લિપ કલર મિકસ કરીને પણ તમારો મનપસંદ શેડ બનાવી શકો.
ચીક ટિન્ટ
ચીક ટિન્ટ બહુ વર્સેટાઈલ હોય છે અને તેનો ઉપયોગ કરવો સહેલો છે. એની વાઇડ રેન્જમાંથી તમારો મનપસંદ શેડ પસંદ કરી શકાય છે. નેચરલ ફિનિશ માટે તમે બ્રાઈટ પિન્ક શેડ પસંદ કરી શકો. તમે આઈલિડ પર પણ તેનો ઉપયોગ કરી શકો.
મેટ આઈશેડો
જો તમને આઈશેડો કરવાનું ગમતું હોય તો તમે ન્યૂડ મેટ આઈશેડો પેલેટ ટ્રાય કરી શકો. એમાં તમને બેજ, રોઝ પિન્ક, ન્યૂડ બ્રાઉન વગેરે કલર્સ મળશે. આઈશેડો બ્રશથી કોઇ પણ કલરને આઇલિડસ પર લગાડો ત્યાર બાદ ભીના ટીશ્યુથી ફોલ આઉટ સાફ કરી દો. તેની પછી મસ્કરા ચોક્કસ લગાડો.
હાઈ લાઈટર
આજના સમયમાં મેકઅપ કીટની હાઈ લાઈટર વિના કલ્પના કરી શકાય? મિનિમલ લુક માટે હાઈલાઈટર બહુ જરૂરી છે. તમે ચીકબોન, નાક, બ્રો બોન પર એ લગાડી શકો. લેશ પર મસ્કરા અને ન્યૂડ લિપસ્ટિકથી તમારા લુકને કમ્પલીટ કરી શકાય.
આઈલાઈનર
આંખોને હાઈલાઈટ કરવા માટે આઈલાઈનર બહુ જરૂરી છે. તમે લિકવિડ જેલ કે પેન આઇલાઈનર પસંદ કરી શકો. એનાથી તમે વિંગ્ડ, રેગ્યુલર થિક લાઈનર લુક મેળવી શકો.