Business

આ માણસો રમે છે રમતની પરંપરા, પણ સત્ય એ જ છે કે કરમની પરંપરા!

ક્યારના ઓરડામાં આંટા મારતા રઘુભાઈને સૂઝ નહોતી પડતી કે, પહેલાં ખાઈ લેવું કે પહેલાં ન્હાઈ લેવું! આમ સીધું રઘુભાઈ વિશે કહીએ તો કદાચ આપ સૌને એમને ઓળખવામાં તકલીફ પડશે એટલે એમનો થોડો પરિચય આપણે મેળવી લઈએ. બોટાદની બાજુમાં નાનકડું એવું તુરખા ગામ. ખાધેપીધે સુખી ગામ. ખેતીવાડી પણ બધાની સરસ અને નજીકના શહેર બોટાદનું માર્કેટ પણ મોટું એટલે ખેતપેદાશ વેચવાની પણ તકલીફ નહીં.

એવા તુરખા ગામમાં આપણા રઘુભાઈનું ગામના પાદરમાં મકાન. આપણી ખાનદાની કે આપણે એને મકાન કહીએ બાકી એને ઘર જ કહેવાય. ઘરમાં રહેનારા પાંચ જણ- ચાર ભીંતો અને પાંચમા રઘુભાઈ! રઘુભાઈ સમજણા થયા ત્યારે એમનાં બાનું અવસાન થયું અને બે-ચાર વરસમાં એમના પિતાનું પણ નિધન થઈ ગયું એટલે રઘુભાઈ એકલા પડ્યા. સગાંવહાલાં ખરાં પણ દૂર દૂરનાં ગામોમાં. એક ફૈબા ધંધુકા રહે, એક કાકા સુરેન્દ્રનગર રહે ને એક નાના કાકા નડિયાદ રહે.

ભાગ્યે જ આ સગાંવહાલાંઓ તુરખા આવે. હા, ધંધુકા પાંસઠેક કિલોમીટર દૂર એટલે એનાં મીનાફૈબા બે-ચાર મહિને તુરખાની મુલાકાત લે. એ પણ ક્યારે? મરચાંની સીઝનમાં, ઓળો-પોંકની સીઝનમાં અને ઘઉંની સીઝનમાં. એ મુલાકાત લીધા પછી એ સાથે લાવેલા થેલા પણ ભરતા જાય! રઘુભાઈની સોળ વિંઘા જમીન વધારે તો ન કહેવાય પણ એમનું ગુજરાન ચલાવવા માટે ઓછી પણ ન કહેવાય.

રઘુભાઈ હવે ત્રીસ વરસના થયા. આ વિસ્તારમાં લગ્ન માટેની યોગ્ય ઉંમર વીસેક વરસની ગણાય. રઘુભાઈ તો એ ઉંમર વટાવી ગયેલા એટલે એમને હવે કન્યા શોધવાની મુશ્કેલી ઊભી થઈ. રઘુભાઈનું શરીર સપ્રમાણ. રંગ ઘઉંવર્ણો. દેખાવ સામાન્ય એટલે કોઈ કન્યાને આકર્ષી લે એવું કશુંય એમનામાં નહોતું. એટલી જમીન નહોતી કે એટલા જરઝવેરાત પણ નહોતાં. આવી સ્થિતિમાં રઘુભાઈ ઓરડામાં આંટા માર્યા કરવા સિવાય બીજું કરે પણ શું? એટલે આંટા મારતાં મારતાં રઘુભાઈએ નક્કી કરી લીધું કે, પહેલાં સ્નાન કરી લેવું, પછી જમવું. આ જમવું કહીએ છીએ, એ પણ આપણી ખાનદાની કહેવાય, બાકી એને ખાવું જ કહેવાય!

રોજની જેમ રઘુભાઈ ખાધા પછી ખાટલામાં આડા પડ્યા. એમની કામવાળી લીલા આવીને કચરા-પોતાં કરી ગઈ અને વાસણ ઉટકી ગઈ. કૂવેથી બે બેડાં પાણી ભરી લાવીને એણે ગોળા ને માટલી ભરી લીધાં. એ પછી એ ઘેર જવા નીકળી. જો કે, જતાં જતાંય એણે રઘુભાઈ સામે જોયું.

“રઘુકાકા,” લીલાએ કહ્યું, “હવે કો’ક ગોતી કાઢો રાંધવાવાળી એટલે તમારે હાથે રાંધવાની માથાકૂટ મટે અને મારે ઢગલો વાસણ ઉટકવા ન પડે. તમે તો રોજ કેટલાં વાસણ બગાડો છો. આમ રસોઈ થતી હશે?” “શું કરું લીલકી,” રઘુભાઈ બોલ્યા, “આ વખતે મારી મીનાફૈ આવે ધંધુકાથી એટલે મેળ પાડી દઈએ.” “તો તો સારું કાકા,” કહીને લીલાએ પગ ઉપાડ્યા. એ સાંજે રઘુભાઈ રોજની જેમ મિત્રોની બેઠકમાં ભાગ લેવા બસ સ્ટેન્ડ પાસેના ચોતરે ઊપડ્યા. “આવો રઘુભાઈ,”કાન્તિ બોલ્યો, “કેમ ઢીલા લાગો છો આજે?”

“ભૈ કાન્તિ,” રઘુભાઈ બોલ્યા, “મારે તો ખેતરનું કામેય કરવાનું ને રાંધવાનીય લમણાઝીંક કરવાની. તમારી જેમ થોડું તૈયાર ભાણે ઝાપટવા બેસી જવાનું છે? પછી ઢીલા જ પડી જવાય ને?” ‘‘ઈ વાત સાચી,” જેરામે ડોકું હલાવીને કહ્યું. “શું વાત સાચી વાત સાચી કરો છો,” રઘુભાઈએ અવાજમાં ગુસ્સાની છાંટ ભભરાવતાં કહ્યું, “અલ્યા, આટલા દોસ્તારો છો, તો ય મારી આ દશા? હવે ઝડપ કરો ને ગમે તેવી પણ કન્યા શોધી લાવો. મારે રૂપરૂપનો અંબાર નથી જો’તી, ગમે તેવી ચાલશે.”

“રઘુભાઈ,” જેરામભાઈ બોલ્યા, “ટાઢા પડો. જુઓ, પંદર દિવસ પછી આપણી ઓળાની સીઝન શરૂ થશે ને ધંધુકાથી તમારા મીનાફુઈ આવશે. એમને દાણો દબાવી જોજો. એ ગોઠવી દેશે કૈંક. એવું હશે તો અમે વાત કરીશું.” ખરેખર પંદર દિવસ પછી મીનાબહેન આવ્યાં અને રઘુભાઈએ મિત્રોને પોતાના ઘેર બોલાવીને ખેતરમાંથી લીલા ચણાની ભારી મંગાવીને ફળિયામાં જ ઓળો પાડ્યો. ઓળો ખાતાં ખાતાં જેરામભાઈએ મીનાબહેનને રઘુભાઈ માટે કન્યા શોધી આપવાનું કહ્યું.

“એમાં કઈ મોટી વાત છે?” મીનાબહેને કહ્યું, “મધ્યપ્રદેશમાં, આપણાં ગુજરાતથી સહેજ આગળ, ઝાબુઆની બાજુમાં એક ગામ છે, ત્યાં પચાસ હજાર આપો એટલે કન્યા મળી જાય. એક એજન્ટ આ કામ કરે છે. ધંધુકાના બે જણા આ રીતે કન્યા લાવ્યા છે.”

‘‘કેવી છે કન્યા?” રઘુભાઈના અવાજમાં આતુરતા ભળી. ‘‘એક તો પહેલી રાતે જ ભાગી ગઈ,” મીનાબહેને હસીને કહ્યું, “એને ચડાવેલાં ઘરેણાં પણ લેતી ગઈ !” ‘‘આવું થાય તો તો મુશ્કેલી થાય,” જેરામભાઈ બોલ્યા, “પણ તમે તપાસ તો કરાવો, એવું હોય તો આપણે એવું નક્કી કરીએ કે ત્યાં પૈસા નહીં આપવાના, લગ્ન પછી જાન અહીં આવે એ પછી કન્યાને જ પચાસ હજાર આપવાના. આમ કરીએ તો સલામતી રહે.” “જોઈશ,” મીનાબહેને કહ્યું, “હું પરમ દિવસે પાછી જઈશ અને જઈને તરત જ તપાસ કરીશ. એવું લાગે તો હું ફોન કરીને રઘુને બોલાવી લઈશ.”

ત્રીજા દિવસે મીનાબહેન ધંધુકા જવા ઉપડ્યાં. દર વખતે એક જ થેલો ચણા લઈ જતા હતા પણ આ વખતે જેરામભાઈએ પણ એમને બીજો એક થેલો ભરીને લીલા ચણા આપ્યા. એક થેલીમાં ઓળો પણ આપ્યો. ચાર-પાંચ દિવસ સુધી તો મીનાબહેન તરફથી સમાચાર ન આવ્યા એટલે રઘુભાઈને ચિંતા થઈ. એમને લાગ્યું કે, મીનાફૈ ઘઉં અને ચણા માટે જ અહીં આવે છે, બાકી મારી તે એમને શી પડી હોય કે મારા માટે ગધ્ધાવૈતરું કરે? જો કે, પાંચમા દિવસે મીનાબહેન જાતે જ સવારની બસમાં આવ્યાં. એમના આગમનના સમાચાર રાફેલની ઝડપે રઘુભાઈના મિત્રો સુધી પહોંચી ગયા ને બધા રઘુભાઈને ઘેર ભેગા થયા.

“જુઓ ભાઈઓ,” મીનાબહેને કહ્યું, “મેં પેલી જે એક કન્યા છે એના દ્વારા તપાસ કરાવીને એજન્ટનો પત્તો લગાવ્યો. ને એ આપણી શરતે કન્યા આપવા તૈયાર થયો છે! આજે રવિવાર થયો, આપણે ગુરુવારે ટેક્સી લઈને ઝાબુવાની બાજુના ગામે જવાનું છે. પચાસ હજાર અહીં આવીને કન્યાને આપવાના છે પણ ઘરેણાં તો આપણે કન્યાને ત્યાં જ પહેરાવવાં પડશે.”“ભલેને પહેરાવવાં પડે,” જેરામભાઈએ કહ્યું, “આપણે કન્યા અહીં આવે એટલે કાઢીને તિજોરીમાં મૂકી દેવાના. રઘુભાઈની તિજોરી પણ સરસ છે.”

બધું નક્કી થઈ ગયું.‘‘જેરામભાઈ,” રઘુભાઈએ કહ્યું, “ઘરેણાં ને પચાસ હજારનું શું કરીશું?” એમાં વિચારવાનું શું ગાંડાભૈ,” જેરામભાઈ બોલ્યા, “કાલે જ આપણે બોટાદ જઈને તૈયાર દાગીના લઈ આવીશું, ને પચાસહજાર પણ હું આપીશ. પછી ધીમે ધીમે મને પાછા આપજો.” – રઘુભાઈ તો ગળગળા થઈ ગયા. બીજા દિવસે જેરામભાઈની સાથે એ બોટાદ ગયા. જેરામભાઈએ આગલા દિવસે સોનીની દુકાને ફોન કરીને દાગીના તૈયાર રાખવાનું કહેલું. હાર, મંગળસૂત્ર, ચાર બંગડીઓ, નાકની ચૂંક,એ બધું આ બન્ને દુકાને પહોંચ્યા ત્યારે તૈયાર જ હતું. દાગીના લઈને બન્ને તુરખા પાછા આવ્યા, અને બીજા દિવસે જેરામભાઈએ પાંચસોની સો નોટોનું પેક બંડલ રઘુભાઈના હાથમાં થમાવી દીધું.‘‘આ દાગીના આપણે સાથે લઈ જવાના છે,” જેરામભાઈએ કહ્યું, “અને કન્યાને પહેરાવવાના છે, ને પાંચસોની નોટો પચાસ હજારની છે, એ કન્યા અહીં આવે ને તમારા મીનાફૈ એને પોંખે, એ વખતે એને આપવાના છે. મેં રવિવારે ટેક્સીનું પણ બોટાદ કહી દીધું છે. હું, ને તમે અહીંથી જઈશું ને ધંધુકાથી મીનાફૈને લઈને આપણે ત્રણે જઈશું, ને વળતાં કન્યાને લઈને આપણે સીધા અહીં આવી જઈશું.”

રવિવાર તો આવી પણ ગયો ને વહેલી પરોઢે ટેક્સી પણ આવી ગઈ. ધંધુકાથી મીનાબહેનને લઈને ત્રણે બપોરના તો ઝાબુઆની બાજુના ગામે પહોંચી ગયાં. કન્યા દેખાવમાં સારી હતી એટલે રઘુભાઈને ગમ્યું. જેરામભાઈએ એને ઘરેણાં આપ્યાં ને ગોરમહારાજે વિધિ શરૂ કરી. અડધા કલાકમાં તો વિધિ પૂરી થઈ ગઈ ને કન્યાને લઈને ગાડી ઉપડી તુરખા તરફ.

મોડી સાંજના ગાડી તુરખાના પાદરમાં આવી ત્યારે તો લગભગ અડધું ગામ રઘુભાઈને આવકારવા ઊભું હતું! રઘુભાઈના ઘેર જેરામભાઈનાં પત્નીએ રૂમ પણ સજાવી રાખેલો અને સામૈયું પણ મીનાબહેનની સાથે એમણે પણ કર્યું. એ જ વખતે રઘુભાઈએ તિજોરીમાંથી નોટોનું બંડલ લાવીને કન્યાના હાથમાં થમાવી દીધું. રસોઈ પણ બની ગઈ હતી એટલે રઘુભાઈ મિત્રો સહિત જમ્યા અને ધીમે ધીમે રઘુભાઈના કાનમાં સુહાગરાત વિશે થોડું થોડું જ્ઞાન પીરસીને મિત્રો વિદાય થયા. બૈરાંઓ પણ વિદાય થયાં. શણગારેલા રૂમમાં રઘુભાઈ અને કન્યાને મોકલીને મીનાબહેન બાજુના રૂમમાં સૂતાં.

“એઈ,” રઘુભાઈએ પૂછયું, “કેવું લાગ્યું મારું ગામ?” “બહુત બઢિયા,” કન્યા બોલી, ત્યારે રઘુભાઈને ખબર પડી કે, આ અપ્સરાને તો હિન્દી જ આવડતું લાગે છે. કંઈ વાંધો નહીં, ધીમે ધીમે ગુજરાતી તો શું, કાઠિયાવાડી પણ શીખી જશે એમ એમણે મન મનાવ્યું. ‘‘મેં રસોઈમેંસે દૂધ લેકર આતી હું,” કહીને કન્યાએ નોટોની થોકડી ઓશિકા નીચે મૂકી અને આંખ મીંચકારીને રઘુભાઈને કહ્યું, “ફિર બહુત બાતે કરેંગે. બાતે ક્યા, ફિર તો સુહાગરાત મનાએંગે.”

રઘુભાઈને તો ગલગલિયાં થઈ ગયાં ને એમને ગલોટિયું ખાવાનું મન થઈ ગયું પણ કન્યા દૂધ લઈને આવી ત્યારે એ સ્વસ્થ થઈ ગયા ને સુહાગરાત મનાવીને એ કન્યાને બાહુપાશમાં જકડીને સૂતા. એ રાત્રે એમને સ્વર્ગનાં જ સ્વપ્નો આવ્યાં કર્યાં. “એઈ રઘુ,’’ મીનાબહેને વહેલી સવારે હાંફળાફાંફળા રઘુને જગાડ્યો, “તારી વહુ બાથરૂમમાં ક્યાં ગઈ છે? તારું બારણુંય ખુલ્લું છે”

“મને ખબર નથી ફૈ,” પલંગમાં બેઠા થતાં રઘુભાઈ બોલ્યા, “તમે જોઈ લ્યો.” મીનાબહેન બાથરૂમમાં જોવા ગયાં ને રઘુભાઈએ ઓશિકા નીચે જોયું- નોટોની થોકડી નહોતી! એ ઝપાટાબંધ જેરામભાઈને બોલાવી લાવ્યા ને કન્યા ગુમ થયાની વાત કરી. “ચિંતા ન કરશો,” જેરામભાઈએ કહ્યું, “આપણે એક હજાર રૂપિયા જ ગુમાવ્યા છે, કેમ કે થોકડીમાં ઉપર ને નીચે સિવાયની નોટો નકલી હતી અને ઘરેણાં પણ સોનીને આગલી રાતે ફોન કરીને મેં સોનાના ઢોળવાળા નકલી જ ખરીદેલાં એટલે મોટું નુકસાન નથી થયું. ચિંતા ન કરો.”

આ સ્થિતિમાં હસવું કે રડવું એ રઘુભાઈને ન સૂઝયું!

(શીર્ષકપંક્તિઃ દીપક સોલંકી ‘રહીશ’).

Most Popular

To Top