આણંદ : ઉમરેઠ પોલીસે ડાકોર રોડ પર આવેલી ચેક પોસ્ટ પર બાતમી આધારે વોચ ગોઠવી રોકેલી ગાડીમાં તપાસ કરતાં 5.19 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ કેસમાં પોલીસે ત્રણ શખસની અટકાયત કરી 2.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરેઠના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.આર. ગઢવી તથા સ્ટાફના માણસોએ ડાકોર રોડ પર બનાવેલી ચેકપોસ્ટ પર વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાન બાતમી મળી હતી કે પીકઅપ ડાલામાં પાછળના ભાગે તબેલાના સામાન જેમાં જારીવાળા મોટા પંખા, બીજી ચીજવસ્તુઓ મુકેલ છે. જેની આડમાં ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો એક થેલામાં ભર્યો છે. આ વાહન ઉમરેઠ તરફ આવશે.
આ બાતમી આધારે ડાકોર રોડ પર આવેલી ચેક પોસ્ટ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી ગાડી આવતા તેને રોકવામાં આવ્યું હતું. આ વાહનમાં તલાસ કરતા કેબીનના સીટની પાછળના ભાગે એક થેલો મળી આવ્યો હતો. જે થેલામાં ગાંજો ભરેલો હોવાનું જમાઇ આવ્યું હતું. આથી, એફએસએલ અધિકારી દ્વારા જરૂરી નમુના લઇ તપાસ કરતાં થેલામાં ભરેલો મુદ્દામાલ ગાંજો હોવાનું સાબિત થયું હતું. આ અંગે પરમીટ માંગતા તેમાં બેઠેલા ત્રણ શખસો કોઇ જવાબ આપી શક્યા નહતાં.
આથી, પોલીસે તેમની અટકાયત કરી 5.19 કિલો ગાંજો કિંમત રૂ.51,900, મોબાઇલ 3, મોટા જારીવાળા પંખા, અન્ય સામાન, રોકડા રૂ.20,000, પીકઅપ ગાડી રૂ.1.25 લાખ મળી કુલ રૂ.2,36,900નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.