ઉત્તરાખંડમાં ત્રણ જ મહિનામાં ત્રીજા મુખ્ય પ્રધાન લાદવા પડયા ત્યારે ગંધ પારખવામાં નિપુણ મનાતા પક્ષ માટે પ્રશ્નો જાગે છે. આ યાતના અહીં પૂરી નથી થવાની પણ તે વધુ પીડાકારક બનશે કારણ કે એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને નિયુકત મુખ્ય પ્રધાન-સંસદ સભ્ય તીરથ સિંહ રાવતે મુખ્ય પ્રધાન બન્યાના છ માસમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવવું પડશે એ વાત ભારતીય જનતા પક્ષના મોવડી મંડળના ધ્યાનમાં કેમ ન આવી અથવા તેણે કેમ તેની અવગણના કરી? રાવત તા. 10મી માર્ચે મુખ્યપ્રધાન બન્યા અને તે હિસાબે તા. 10મી સપ્ટેમ્બર સુધીનો છ મહિનાનો ગાળો તેની પાસે તે પદ પર ચાલુ રહેવા માટે ચૂંટાઇ આવવાનો હતો. 1951ના પ્રજા પ્રતિનિધત્વ ધરાની કલમ 151-એ મુજબ ચૂંટણી પંચે નવા સભ્યની મુદત એક વર્ષ કે તેથી વધુ ગાળાની હોય તો ધારાસભા કે લોકસભાની પેટા ચૂંટણી છ મહિનામાં કરવાનો આદેશ આપવો પડે.
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી આડે એક વર્ષથી ય ઓછો સમય બાકી રહયો છે. મોદી-શાહની જોડી અને તેમનું સલાહકાર મંડળ બંધારણની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. તેમને એ પણ ખબર હોવી જોઇએ કે ઉત્તરા ખંડને કોઇ વિધાન પરિષદ નથી. તેથી મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહેવા માટે રાવત માટે ધારાસભ્ય બનવાનું ફરજીયાત હતું.
મુખ્યપ્રધાન તરીકેના પોતાના ટૂંકા ગાળામાં પોતે નબળી કામગીરી કરી હોવા છતાં રાવત પ્રકરણમાં કફોડી હાલત માટે જાતજાતનાં કારણ અપાય છે. પેટા ચૂંટણી વહેલી કરવાનો આદેશ આપતા ચૂંટણી પંચને રોકનાર મુખ્ય ખલનાયક તરીકે કોવિડ મહામારીને આગળ ધરવામાં આવે છે. સંસદ સભ્ય રાવતને મુખ્યપ્રધાન તરીકે ગોઠવવામાં આવ્યા ત્યારે એટલે કે ચાર મહિના પેહલા મહામારી ચાલુ ન હતી?
શીતળ પવનની વચ્ચે વસેલા આ પહાડી રાજયમાં ઉકળતો ચરુ મુખ્ય પ્રધાનપદનો મોડ માથે બાંધવા થનગનતા છ થી વધુ મુરતીયાઓને કારણે છે. આ મુરતિયાઓમાંથી કેટલાક કોંગ્રેસની વાડ કૂદીને આવેલા પાટલી બદલુઓ છે તો કેટલાક મોવડી મંડળની નજરમાં નહીં વસી શકેલા ભારતીય જનતા પક્ષના અસંતુષ્ટો છે જેમને લાગે છે કે વિધાન સભાની આગામી ચૂંટણી પહેલા આ છેલ્લી ગાડી છે. તેઓ બળવો પોકારવા માંગતા હતા પણ દિલ્હીથી કડક ભાષામાં ફોન આવ્યો એટલે પલાંઠી વાળીને બેસી ગયા છે.
2024ની લોકસભાની ચૂંટણી તરફ મક્કમતાથી પગલાં ભરવા માટે ભારતીય જનતા પક્ષના ટોચના નેતાઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતવા સાથે ઉત્તરાખંડની ચૂંટણી પણ જીતવાના મનોરથ સેવે છે. નવી પેઢીનાં આગમનની છડી પોકારવાના સંકેત રૂપે 45 વર્ષના પુષ્કરસિંહ ધામીના શપથ વિધિનો બહિષ્કાર કરવાની ધમકી આપનારા અસંતુષ્ટોને નવાં પ્રધાન મંડળમાં સમાવી લઇ પક્ષના મોવડી મંડળે કેવા ટાઢા પાડી દીધા તે જોવાનું રસપ્રદ બની રહેશે.
ચૂંટણી જીતવાના ભૂતકાળના કુનેહબાજો બંગાળની લપડાક પછી ઉત્તરાખંડમાંથી કમમાં કમ હાલ પુરતા તો ભાગલાને દબાવી દેશે પણ ઓચિંતા સૂત્રધાર બદલવા પડયા તે રાજકીય અસ્થિરતાને ચાલુ રાખી પણ શકે. વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા પક્ષનું ઉત્તરાખંડ એકમ પણ જંપીને બેસી નહીં શકે. ધામીની મુખ્યપ્રધાનપદે પસંદગી થઇ એટલે બધું ઠામ પડી ગયું એમ માનવાની જરૂર નથી.
ભારતીય જનતા પક્ષનું મોવડી મંડળ ધામીને સારી રીતે કામ કરી શકે તે માટે બખડજંતર શમાવવા કઇ રીતે પીઠબળ આપે છે તે પણ જોવાનું રહે છે જેથી કરીને સુશાસનનું વચન આપીને વિધાનસભાની નવી ચૂંટણી જીતી શકે. ભારતીય જનતા પક્ષનું બખડજંતર માત્ર ઉત્તરાખંડ પૂરતું સીમિત નથી. પક્ષનું જે જે રાજ્યોમાં શાસન છે ત્યાં ત્યાં વિસ્તરેલું છે. આ સંજોગોમાં ઓચિંતા મુખ્યપ્રધાન બદલવા સહિતના પગલાં ચર્ચાને ચગડોળે ચડતાં અટકાવી શકાય તેમ નથી. રાવત પોતાના ટૂંકા ગાળામાં પણ સખણા નથી રહયા અને વિવાદો સજર્યા કરતા હતા તે પત્રકારોની નજર બહાર થોડું રહેશે?
કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદુરપ્પા કેન્દ્રના મોવડી મંડળ દ્વારા અપાતા સત્તાના ઓકિસજનથી રોજ સવારથી શ્વાસ લેવા માંડે છે અને જે તેમ ટકી રહયા છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ત્રિપુરાના મુખ્ય પ્રધાનો પણ રોજ હચમચાવાતા સિંહાસન પર ટકી રહેવાની કોશિષ કરે છે.
ભારતીય જનતા પક્ષ પોતે શાસનમાં નથી અને વિરોધ પક્ષમાં છે તેવા મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજયોમાં પણ અજંપાભરી શાંતિ છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ભારતીય જનતા પક્ષ ખેડૂતોનાં આંદોલનને કારણે ટકી રહેવા ફાંફા મારી રહયો છે. એમાં અકાલી દળે છેડો પાડતાં ભારતીય જનતા પક્ષ માટે પરિસ્થિતિ કફોડી બની છે.
કોંગ્રેસની જેમ ભારતીય જનતા પક્ષ પણ સ્થિતપ્રજ્ઞ બની ખેલ જોયા કરે છે. ભારતીય જનતા પક્ષના મોવડી મંડળે મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની પસંદગીથી માંડીને ભાગલાવાદના ઇલાજ સહિતના પોતાના ઘણાં પગલાંનો ખુલાસો આપવાનો જરૂરી બને છે કારણ કે હજી ઘણું કરવાનું બાકી છે. રાવત પ્રકરણથી ભારતીય જનતા પક્ષના મોવડી મંડળ પર સ્થિતપ્રજ્ઞતામાંથી બહાર આવવાનું દબાણ આવશે અને સાથો સાથ શિસ્તના કડક પગલાં ભરવાનું પણ યોગ્ય નહીં રહે.
જો કે કેન્દ્રીય પ્રધાન મંડળના વિસ્તરણથી અસંતોષના પૂર ઓસરવા માંડે એવી સંભાવના છે. સાથોસાથ સંગઠનની પણ પુનર્રચના પણ જરૂરી બનશે પણ તેથી પક્ષના મોવડીઓ પક્ષ અને સરકાર ચલાવવાના અભિગમમાં ફેર આવશે? કેન્દ્ર અને પોતાના શાસન હેઠળનાં રાજયોમાં આપેલાં વચન પૂરાં કરવા માટે હજી ઘણું બાકી છે. ઉપર છલ્લા ફેરફારથી કંઇ શુકરવાર નહીં વળે. ઉત્તરાખંડમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. તેના પ્રત્યાઘાત અન્ય રાજયોમાં પડતા અટકાવવાનું કામ ભારતીય જનતા પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવું નીવડશે.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.