Editorial

ભૂખમરાથી વિશ્વમાં દર મિનિટે 11ના મોત, નાબૂદ કરવા સામૂહિક પ્રયાસો જરૂરી

‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મ કણી નવ લાધશે’….ગુજરાતી ભાષામાં આ કહેવત કહેવામાં આવી છે પરંતુ સત્ય એ છે કે ભૂખ્યાજનનો જઠરાગ્નિ મોટાભાગે જાગતો જ નથી. વિશ્વમાં દર મિનિટે ભૂખમરાને કારણે 11 લોકો મોતને ભેટી રહ્યાં છે. તાજેતરમાં ઓક્સફેમ દ્વારા સરવે કરવામાં આવ્યો ત્યારે આ ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે. ભારતમાં તો ભૂખમરાથી મોતને ભેટતા લોકોની સંખ્યામાં લાખોમાં છે, પરંતુ આવી સ્થિતિ એકલા ભારત દેશમાં જ નથી. વિશ્વના અનેક દેશોમાં ભૂખમરાની સ્થિતિ છે.

કોરોનાથી જેટલા લોકોના મોત થયાં નથી, તેનાથી અનેકગણા વધારે લોકોના મોત ભૂખમરાને કારણે વિશ્વમાં થાય છે. વિશ્વમાં દરેક દેશમાં સરકારો છે અથવા રાજાશાહી છે. પ્રજા પોતાને સુખેથી જીવવા મળે તે માટે સરકારો પસંદ કરતી હોય છે પરંતુ સરકારો પોતાની ફરજમાં નિષ્ફળ જાય છે અને તેને કારણે ભૂખમરાની સ્થિતિ ઊભી થાય છે. સરકારો રોજગારી ઊભી કરી શકતી નથી. ખાવા માટે પૂરતું અનાજ પ્રજાને આપી શકતી નથી અને તેને કારણે લોકો ભોજનના વાંકે મરવા માટે મજબૂર બની રહ્યાં છે.

વિશ્વમાં ભૂખમરાનું સંકટ દિવસેને દિવસે વધુને વધુ ઘેરૂ બની રહ્યું છે. ભોજન નહીં મળતા મોતને ભેટલા લોકોની સંખ્યા વધી રહી છે. વિશ્વમાં ગરીબીને દૂર કરવા માટે ઓક્સફેમ નામનું સંગઠન કામ કરી રહ્યું છે. આ સંગઠન દ્વારા જ દાવો કરવામાં આવ્યો છે કે દુનિયામાં દર મિનિટે ભૂખમરાને કારણે 11 લોકોનો મોત થાય છે. છેલ્લા એક જ વર્ષમાં દુકાળ જેવી સ્થિતિનો સામનો કરનાર લોકોની સંખ્યામાં વિશ્વમાં 6 ગણો વધારો થયો છે.

ઓક્સફેમ દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તેમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં કોરોનાને કારણે દર મિનિટે 7 લોકોના મોત થયાં પરંતુ ભૂખમરાને કારણે મરનાર લોકો તેનાથી વધારે છે. આ બતાવે છે કે કોરોનાની સાથે સાથે ભૂખમરાની સ્થિતિ પણ દુનિયામાં ભારે ગંભીર છે. હાલમાં વિશ્વમાં આશરે 15 કરોડ લોકો ભોજન નહીં મળવાના સંકટનો સામનો કરી રહ્યાં છે. ગત વર્ષે આ આંકડો 13 કરોડનો હતો. જેમાં 2 કરોડનો વધારો થઈ ગયો છે. આ આંકડામાં જ બે તૃતિયાંશ લોકો એવા છે કે જે ભૂખમરાનો શિકાર બની રહ્યાં છે.

 જે દેશોમાં ભૂખમરાની સ્થિતિ છે તે દેશો એવા છે કે જેમાં સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થવી અને ક્લાઈમેટ ચેન્જએ પણ ભૂખમરામાં વધારો કર્યો છે. ક્લાઈમેટ ચેન્જને કારણે જ 5.20 લાખ લોકો ભૂખમરાની નજીક આવી ગયા છે. દુનિયાભરમાં સૈન્ય માટે કરવામાં આવતો ખર્ચ 51 અબજ ડોલર વધી ગયો છે પરંતુ ભૂખમરાને દૂર કરવા માટે નાણાં વાપરવામાં આવતાં નથી. જેટલો ખર્ચ સૈન્ય માટે કરાય છે તેનાથી છઠ્ઠા ભાગના ખર્ચથી વિશ્વમાં ભૂખમરો દૂર કરી શકાય તેમ છે.

ભૂખમરાની સ્થિતિમાં જે દેશો સૌથી આગળ છે તેમાં અફઘાનિસ્તાન, ઈથોપિયા, દક્ષિણ સુદાન, સિરિયા અને યમનનો સમાવેશ થાય છે. આ દેશોમાં ખેતી પર બોમ્બ ફેંકીને તેને નષ્ટ કરવામાં આવી રહી છે. બજારો પર બોમ્બ ફેંકવામાં આવી રહ્યાં છે. એટલા માટે ખેતી પર બોમ્બ ફેંકવામાં આવે છે કે તે દેશના લોકો ભૂખમરાથી પ્રભાવિત થાય અને તેને કારણે તે દેશ યુદ્ધમાં હારી જાય. વિશ્વમાં આ સૈન્ય સંઘર્ષને રોકવામાં નહીં આવે તો ભૂખમરાથી મોતનો આંકડો વધવાની સંભાવના છે.

વિશ્વની આ ભૂખમરાની સ્થિતિથી ભારતે પણ જાગતા રહેવાની જરૂરીયાત છે. ભારતમાં પણ સ્થિતિ સારી નથી. અનેક વિસ્તારો એવા છે કે જેમાં ભૂખમરાની સ્થિતિ છે. ભારત સરકાર દ્વારા અન્ય યોજનાઓની સાથે પ્રત્યેકને બે ટંકનું ભોજન મળે તેવું આયોજન કરવામાં આવે તે અતિજરૂરી છે. ભૂખમરાની સ્થિતિએ ભૂતકાળમાં અનેક સરકારોને ઉથલાવી નાખી છે. જ્યાં ભોજન જ ઉપલબ્ધ નહીં થતું હોય તે દેશ કેવી રીતે પ્રગતિ કરી શકે તે મોટો પ્રશ્ન છે. ભૂખમરાની સ્થિતને નાબુદ કરવા માટે આખા વિશ્વએ જાગવાની જરૂરીયાત છે. કોરોનાની સામે લડવા માટે જેવી રીતે વિશ્વભરમાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેવા જ પ્રયાસો ભૂખમરાની સામે લડવા માટે કરવામાં આવે તો ભૂખમરાને જરૂરથી નાબૂદ કરી શકાશે તે નક્કી છે.

Most Popular

To Top