Dakshin Gujarat

દેવાદાર થયેલા સોનુ યાદવ અને બી.ટેક્. સુધી ભણેલા પોનકુમારે સાગરીતો સાથે લૂંટ કરી હતી

પલસાણાના કડોદરા ખાતે સરદાર કોમ્પ્લેક્સમાં આવેલા SG જ્વેલર્સમાં ચાર દિવસ અગાઉ માસ્ક પહેરીને આવેલા ચાર જેટલા લુંટારુઓ જ્વેલર્સના કર્મચારીને બંધક બનાવી રૂ.6.77 લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ લુંટારુઓને સુરત જિલ્લા એસઓજી, એલસીબી અને કડોદરા પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે ચાર લુંટારુઓને તાતીથૈયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી તેમજ અન્ય એક લુંટારુને સુરત શહેર ખાતેથી ઝડપી પાડી કુલ 4,96,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પલસાણા તાલુકાના કડોદરા ખાતે સરદાર કોમ્પ્લેક્સમાં આવેલી SG જ્વેલર્સમાં ગત તા-6 જુલાઇના રોજ સવારે 8.00થી 8.30 વાગ્યાની આસપાસ જ્વેલર્સમાં કામ કરતો કર્મચારી વનરાજભાઈ દુકાન ખોલી દુકાનની સફાઈ કરી રહ્યો હતો. ત્યારે માસ્ક પહેરીને એક અજાણ્યો વ્યક્તિ દુકાનમાં પ્રવેશ્યો હતો અને લૂઝ જોઈએ છે તેમ જણાવ્યું હતું. જો કે, આ સમયે વનરાજે કહ્યું હતું કે, એક કલાક પછી આવજો, મારા શેઠ આવ્યા નથી. આ પ્રકારની ચર્ચા કરી રહ્યા હતા.

દરમિયાન માસ્ક પહેરીને અન્ય ત્રણ લુંટારુઓ દુકાનમાં પ્રવેશ્યા હતા અને દોરી વડે વનરાજને બંધક બનાવી મોઢામાં કપડાંનો ડૂચો મારી દીધો હતો અને હથોડી કે પેચિયા જેવા સાધનથી વનરાજને બાનમાં રાખી આ લુંટારુઓએ દસ મીનિટ જેટલા સમયમાં દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના જેની અંદાજિત કિં. 6.77 લાખ રૂપિયાની લૂંટ ચલાવી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરતાં કડોદરા GIDCના ઇનચાર્જ પી.આઈ. કે.જે.ધડુક તેમજ LCB પી.આઈ. બી.કે. ખાચર, સુરત ડિવિઝનના ડીવાયએસપી સી.એમ.જાડેજા સહિતના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન સુરત જિલ્લા એસઓજી, એલસીબી અને કડોદરા પોલીસની ટીમે સંયુક્ત બાતમી આધારે લૂંટ ચલાવનાર 4 લુંટારુઓને તાતીથૈયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી તેમજ અન્ય એક લુંટારુને સુરત શહેર ખાતેથી ઝડપી પાડી કુલ રૂ. 4,96,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનાનો માસ્ટર માઇન્ડ સોનુ યાદવ અગાઉ જ્યુસની લારી ચલાવતો હોય, કોરોનાના કારણે ધંધો બંધ થતાં આર્થિક રીતે દેવું વધી જતાં લૂટ કરવાનો પ્લાન ઘડ્યો હતો.

અને બીજી રીતે પડી ભાંગેલા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને બગુમરા નહેર ઉપર સંપર્ક કરી કડોદરા એસ.જી.જ્વેલર્સ સિવાય ચલથાણ રાજ કોમ્પ્લેક્સ ખાતે આવેલ ચારભુજા જ્વેલર્સ, કામરેજ ભવાની કોમ્પ્લેક્ષ ખાતે આવેલ અનમોલ જ્વેલર્સ અને કામરેજ ઉમિયા કોમ્પ્લેક્સ ખાતે આવેલ કે.કે.જ્વેલર્સ ખાતે અગાઉ ઘણી વખત રેકીઓ કરી હતી. પકડાયેલ આરોપી પૈકી તમિલનાડુનો રહેવાસી પોનકુમાર ઉર્ફે પોનુ કૃષ્ણામૂર્તિ ગૌન્ડર બી.ટેક (આઈ.ટી) સુધીનો અભ્યાસ કર્યો છે. પરંતુ નોકરી નહીં મળતાં ગુનાહિત પ્રવૃત્તિના રવાડે ચઢી ગયો છે.

Most Popular

To Top