Dakshin Gujarat

ભરૂચ-અંકલેશ્વરમાં ફાયર એનઓસી વિનાના 141 મિલકતધારક સામે પાલિકાની કાર્યવાહી

હાઇકોર્ટના દિશા નિર્દેશ બાદ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ પાલિકા તંત્રએ જાગી ફાયર સેફ્ટી નહીં ધરાવતી હોસ્પિટલ, શાળા, હાઇરાઈઝ બિલ્ડિંગ અને એસેમ્બલી ઉપર કડક હાથે કામ લેતાં પાણી-ગટરનાં જોડાણ કાપવા માંડતાં મિલકતધારકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભરૂચ અને અંકલેશ્વર બંને શહેરમાં 4 કેટેગરીમાં ફાયર સેફ્ટી નહીં ધરાવતી 141 મિલકતને 2 વખત નોટિસ ફટકારવા છતાં ફાયર NOC માટે અરજી કરવાની દરકાર ન લેતાં 2 દિવસથી પાલિકાએ બંને શહેરમાં પાણી અને ડ્રેનેજ જોડાણ કાપવાની કવાયત કરતાં મિલકતધારકો ફફડાટના માર્યા દોડતા થઈ ગયા છે.

ભરૂચમાં 2 દિવસમાં શ્રી સહજાનંદ રેસિડેન્સી, સહારા કોમ્પ્લેક્સ, શ્રી હાઈટ, શ્રી અંબે રેસિડેન્સી, શેઠ કોમ્પ્લેક્સ, અંકુર ફ્લેટ-2 અંકુર ફ્લેટ-3, અંકુર ફ્લેટ-4 અને આંગન એપાર્ટમેન્ટનાં નળ જોડાણ કાપી નંખાયાં છે. જ્યારે 6 મિલકતધારકે NOC મેળવી લેતાં હવે 79 મિલકત જ NOC વિનાની છે.અંકલેશ્વર શહેરમાં 2 દિવસમાં પાલિકા દ્વારા યાસીકા એપાર્ટમેન્ટ, હેપી વ્યુ કોમ્પ્લેક્સ, લેન્ડમાર્ક એપાર્ટમેન્ટ, ઝમ ઝમ વીલા-2, ઇસ્કુવા, દેદાત એપાર્ટમેન્ટ સહિત અન્ય 5 મિલકતનાં પાણી અને ડ્રેનેજ જોડાણો કાપી નાંખવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વર પાલિકા હદમાં 56 મિલકતને નોટિસ ફટકરાઈ હતી. જે સામે 12 મિલકતધારકોએ ફાયર NOC મેળવી લીધી છે. આગામી દિવસોમાં પણ બંને શહેરમાં ફાયર સેફ્ટી વિનાની મિલકતોના પાણી ડ્રેનેજ જોડાણ કાપવાનું કાર્યરત રહેશે. જેથી કરી ફાયર NOC માટે અરજી કરવા મિલકતધારકોને પાલિકાએ અપીલ કરી છે.

Most Popular

To Top