સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીએમ વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું. રૂપાણીએ કહ્યુ હતું કે ‘સુરતમાં 41,000 કરતાં વધારે MSME યુનિટ કાર્યરત છે. સુરતમાં એમેઝોન ફેસિલિટિઝ સેન્ટરનો લાભ પ્રાપ્ત થતાં રાજ્યભરના MSME પોતાનાચીજ વસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. આ પ્રથમ ડિજીટલ સેન્ટરનો સુરતમાં પ્રારંભ થવાથી ‘ગુજરાત ફર્સ્ટ’ની પરંપરાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.’
તેમણે વધુમાં જણાવ્યું કે ‘સમગ્ર દેશમાં સુરત મિનિ ઈન્ડિયા તરીકે ઓળખ ધરાવે છે, દેશના વિવિધ રાજ્યના લોકો ડાયમંડ, ટેક્ષટાઈલ, જરી ઉદ્યોગમાં રોજગારી માટે સુરતમાં વસેલા છે. સુરતમાં ગ્લોબલ ટ્રેડ કોમર્સ લીડર એમેઝનના ડિજીટલ ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ થવાથી નાના, મધ્યમ કદના ઉદ્યોગોને લાભ થશે. નિયોજકો-ઉદ્યોગકારોને એમેઝોન જેવી વૈશ્વિક કંપનીનો સહયોગ પ્રાપ્ત થવાથી સોનામાં સુગંધ ભળશે. એમેઝોનનું ડિજીટલ સેન્ટર કાર્યરત થવાથી રોજગારીની તકોમાં પણ વધારો થશે.
આ ડિજીટલ કેન્દ્ર MSME ક્ષેત્રના ઉદ્યોગોના નિયોજકોને ઓનલાઈન ટ્રેડિંગ માટે ટ્રેનિંગ અને માર્ગદર્શન તેમજ આવશ્યક સંશાધનો એક જ છત્ર નીચે ઉપલબ્ધ કરાવાશે. કોરોના કાળમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન અને ઈ-કોમર્સ સ્વાસ્થ્ય સુરક્ષા માટે આવશ્યક બની ગયું છે, સમગ્ર વિશ્વમાં કોરોનાકાળમાં આર્થિક ગતિવિધિઓ મંદ પડી ગઈ હતી પરંતુ ‘ના ઝુકના હૈ, ના રૂકના હૈ’ મંત્ર સાથે રાજ્ય સરકારે પૂરી સતર્કતા અને સલામતી સાથે પ્રવૃત્તિઓ જારી રાખીને રાજ્યની અર્થવ્યવસ્થાને મંદ પડવા દીધી નથી. હવે ઈ-કોમર્સના ક્ષેત્રે પણ આ ડિજીટલ કેન્દ્રનો લાભ MSME ઉદ્યોગો અને અન્ય નાના-મોટા વ્યાપારકારો માટે વિન-વિન સિચ્યુએશન ઉભી કરશે.’
ગુજરાતે ઓટોમોબાઈલ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ, ટેક્ષટાઈલ્સ, સિરામિક, રિન્યુએબલ એનર્જી, મેરીટાઈમ અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતના 1 લાખથી વધુ MSME એકમોને એમોઝોન દ્વારા નિર્મિત વેરહાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોબસ્ટ સપ્લાય ચેઈન નેટવર્કનો લાભ પ્રાપ્ત થશે અને વિશ્વ ક્ષેત્રની તકો મળશે એમ પણ તેમણે કહ્યું હતું.
આ પ્રસંગે એમેઝોન ઈન્ડિયાના કંટ્રી હેડ અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, એમેઝોનનું ડિજીટલ કેન્દ્ર MSMEને ટેકનોલોજીને અપનાવીને તેમના બિઝનેસની વૃધ્ધિમાં મદદરૂપ બનશે અને ભારતીય અર્થતંત્રમાં સુધારા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એમોઝોનના પબ્લિક પોલિસીના વાઈસ પ્રેસિડન્ટ ચેતન ક્રિષ્ના સ્વામીએ એમેઝોન ફેસિલિટીઝ સેન્ટર્સની રૂપરેખા પૂરી પાડી હતી