બારડોલી પાલિકાએ ગુરુવારે બીજા દિવસે પણ ફાયર NOC નહીં મેળવનાર 14 જેટલા હોલનાં ગટર અને પાણી કનેક્શન કાપ્યાં હતાં. જ્યારે એક મસ્જિદનું પાણી કનેક્શન કાપવામાં આવ્યું હતું. સરકારી સૂચનાનું કારણ આગળ ધરી શૈક્ષણિક બાદ હવે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સામે પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને લઈ લોકોમાં ભારે રોષ છે. ત્યારે શહેરમાં ગેરકાયદે બાંધકામ ચાલુ રાખવાની સૂચના પણ સરકારે આપી છે તેવા પ્રશ્નો પણ લોકોમાં ઉપસ્થિત થઈ રહ્યા છે.
એક તરફ શહેરમાં ગેરકાયદે બાંધકામો ધમધમી રહ્યાં છે. બીજી તરફ બારડોલી નગરપાલિકા સરકારી સૂચનાના નામે શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સામે ફાયર NOCના નામે કાર્યવાહી કરી રહી છે. ગતરોજ ચાર શૈક્ષણિક સંસ્થાઓના પાણી અને ગટર કનેક્શન કાપ્યા બાદ ગુરુવારે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રાધાકૃષ્ણ મંદિર હોલ, રામજી મંદિર હોલ, જલારામ મંદિર હોલ, બ્રાહ્મણ સમાજ વાડી, ખત્રી સમાજ વાડી, ગુલાબ વાડી, ભંડારી સમાજ વાડી, મૈસૂરિયા સમાજ વાડી દેસાઇ સમાજ વાડી, મંછાબા હોલ, સિનિયર સિટિઝન હોલ, રાજપૂત સમાજ વાડી, પ્રજાપતિ સમાજ વાડી અને સુગર સેફ્ટી હોલ પાસે ફાયર NOC નહીં હોવાથી પાણી અને ગટર કનેક્શન કાપવામાં આવ્યાં હતાં.
જ્યારે ભંડારીવાડમાં આવેલી મીનારા મસ્જિદમાં પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું હતું. ફાયર NOC ન હોવાથી કાર્યવાહી કરવી એ જરૂરી છે. પરંતુ ગેરકાયદે બાંધકામો ધમધમી રહ્યાં હોય અને તેની સામે આંખ આડા કાન કરી સમાજોપયોગી સંસ્થાઓની સામે કાર્યવાહી કરવામાં આવે તે કેટલી યોગ્ય તેવા વેધક સવાલો લોકોમાં ઊઠી રહ્યા છે.
થોડી મુદત આપવી જોઈએ: દિનેશ દેસાઈ
સિનિયર સિટિઝન ક્લબના પ્રમુખ અને માજી નગરપાલિકા પ્રમુખ દિનેશ દેસાઇએ જણાવ્યું હતું કે, નગરપાલિકા માટે વિકાસનાં કામો કરવા અગત્યનાં છે. ફાયર NOC થવું જોઈએ પણ આટલી કડકાઇ વધુ પડતી છે. ખાસ કરીને ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સામે જે કડકાઇ દાખવવામાં આવે છે તે હિતાવહ નથી તેમને થોડી મુદત આપવી જોઈએ.