વલસાડ: (Valsad) વલસાડના પ્રવાસન સ્થળ ગણાતા તિથલ બીચને (Tithal Beach) ખુલ્લો મુકવાની માંગણી ગ્રામ પંચાયતે કરી કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરાયું હતું. દક્ષિણ ગુજરાતમાં બજારો ખુલી ગયા છે, દુકાનો મોલ સિનેમાહોલ વગેરે શરૂ થઈ ગયા છે. ત્યારે ખુલ્લા દરિયા કિનારે પ્રકૃતિની વચ્ચે સ્વચ્છ વાતાવરણમાં લોકોને હરવા ફરવા (Tourist) પર શા માટે રોક લગાવવામાં આવી રહી છે તેવો સવાલ ઉઠવા પામ્યો છે. સાથે જ દરિયા કિનારાની આસપાસ વસતા લોકો સામે પણ રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.
જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વલસાડના તિથલ ગામનો દરિયા કિનારો ગુજરાત રાજ્યનો એક સુપ્રસિધ્ધ પર્યટન સ્થળ છે. જેના પર સહેલાણીઓના આગમન પ૨ હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને જે થકી લારી ગલ્લાવાળાના રોજગાર પણ બંધ થઇ ગયા છે. તિથલ ગામના ૮૦ થી ૯૦ કુટુંબ દરિયા કિનારે લારી ગલ્લા તેમજ રીક્ષા ચલાવી પોતાના કુટુંબના સભ્યોનું ગુજરાન ચલાવે છે. હાલે લગભગ છેલ્લા એકથી દોઢ વર્ષથી તિથલ દરિયા કિનારે પ્રવાસીઓના આગમન પર પ્રતિબંધ હોવાથી આ પરિવારોની નાણાકીય હાલત દયનીય બની છે. તેઓ માટે આવકનો એક માત્ર સ્ત્રોત છે. જે બંધ થઈ જતા તેમના પરિવારના બાળકોની સ્કુલ ફી, ટયુશન ફી, લાઈટ બીલ, ગેસબીલ, અનાજ કરિયાણુ વિગેરે જેવી જીવન જરૂરિયાતની તમામ સવલતો પૂરી કરી શકાતી નથી. તેઓને પોતાની રોજીરોટી માટે ઘણી જ હાલાકીનો સામનો કરવો પડી રહી છે.
હાલે કોવિડ–૧૯ મહામારી અંતર્ગત બીજા લહેર પૂર્ણ થવાના આરે છે. સરકારે પણ પ્રતિબંધોમાં ઘણી બધી છુટછાટ આપી છે. તો તિથલ દરિયા કિનારો પણ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાય અને દરિયા કિનારે લારી ગુલ્લા, ખાણી પીણીના સ્ટોલ તથા રીક્ષા ફરી શરૂ થાય અને તે થકી બેરોજગાર બનેલા ગ્રામજનોને ફરીથી રોજીરોટી મળે એમ એવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
સુરતવાસીઓ બીચ ખુલવાની રાહ જોઈ રહ્યા છે
દક્ષિણ ગુજરાત વલસાડ, નવસારી, દમણ વગેરે સ્થળો સુરતીઓના પ્રિય છે ત્યારે આ સમુદ્ર કિનારાઓ સહેલાણીઓ માટે બંધ રખાતા સુરતીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલ જ્યારે કોરોનાના કેસ ઓછા છે ત્યારે લાંબા સમયથી પોતાના ઘરમાં જ રહેતા સુરતીઓ હરવા ફરવાના સ્થળ શોધી રહ્યા છે. તેવામાં જો દમણ, તીથલ, દાંડી વગેરે બીચ શરૂ કરાય તો કોરોના ગાઈડલાઈન સાથે લોકો હરવા ફરવાનો આનંદ માણી શકે.