દેશમાં જે રીતે છૂટછાટો વધી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોરોના (Coronavirus) ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 817 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના 43,733 નવા કેસ નોંધાયા હતા જ્યારે 930 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.
કોરોનાના નવા કેસમાં થયો વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા તાજા આંકડા મુજબ દેશભરમાં કોરોનાના નવા 45,892 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 3,07,09,557 પર પહોંચી છે. એક દિવસમાં 44,291 કોરોના દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,98,43,825 થઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે જે 9 રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં કોવિડ નિયંત્રણ ઉપાયો મજબૂત કરાશે. આ રાજ્યોમાં ટેસ્ટ અને વેક્સિનેશનમાં ( VACCINATION) ઝડપ લાવવી, સ્વાસ્થ્ય સંબંધિત પાયાના માળખાની યોજના બનાવવી અને અસરદાર નિદાન વ્યવસ્થા જેવા ઉપાયો કરાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, કેરળ, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, ત્રિપુરા અને સિક્કિમને ચિંતાથી વાકેફ કરાવાયા છે. આ રાજ્યોને જરૂરી ઉપાયો કરવા કહેવાયું છે. 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા દેશના 17 જિલ્લામાંથી 45 પૂર્વોત્તરના છે.
હકીકતે દેશભરના 174 જિલ્લાઓમાંથી કોરોનાના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્વરૂપના સેમ્પલ મળી આવ્યા છે. કોરોનાના આ નવા સ્વરૂપોના કારણે ફરી એક વખત કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાય તેવું જોખમ સર્જાયું છે. એટલું જ નહીં, આ નવું સ્વરૂપ વેક્સિનના ડોઝ લઈ ચુકેલા લોકોને પણ ભરડામાં લઈ રહ્યું છે.
અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના 120 કરતા પણ વધારે મ્યુટેશન મળી આવ્યા છે. જોકે તેમાં આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્વરૂપે સૌથી વધારે અસર દેખાડી છે. તે સિવાય ડેલ્ટા પ્લસ સ્વરૂપ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે.
પૂર્વોત્તરના રાજ્યોમાં વધી રહેલા કોરોનાના ગ્રાફને ધ્યાનમાં રાખીને ફરી એક વખત લોકડાઉન લાગુ કરવા અંગે વિચારણા થઈ શકે છે. અત્યાર સુધીમાં 73 કરતા વધારે જિલ્લાઓમાં સંક્રમણ દર 10 ટકાથી વધારે આવ્યો છે જેમાંથી 48 જિલ્લાઓ પૂર્વોત્તરના રાજ્યોમાંથી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જ્યાં સંક્રમણ વધારે હોય ત્યાં લોકડાઉન ( LOCKDOWN) લાગુ થઈ શકે છે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.