ભરૂચના જંબુસર નગરપાલિકા ખાતે ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાનીમાં શહેરમાં મીઠું પાણી પૂરું પાડવાની માંગ સાથે વિપક્ષના સભ્યો તેમજ શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યાં હતાં. ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પીવાલાયક મીઠું પાણી ઘણાં વર્ષોથી મળતું નથી. પ્રજાએ પીવાનું પાણી વેચાતું લેવું પડે છે જેથી પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. આ માટે જંબુસર સત્તાધીશોને અનેકો રજૂઆતો કરવામાં પણ આવી છે. શહેરને પીવાનું મીઠું પાણી મળે એ માટે સ્વણિમ ગુજરાત યોજના હેઠળ ૧૬ થી ૧૭ કરોડનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી પાણી ન મળતાં શહેર કોંગ્રેસ તેમજ નગરપાલિકા વિરોધ પક્ષ તરફથી કોંગી ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની આગેવાનીમાં સત્તાધીશોની આંખ ખોલવા નગરપાલિકા ખાતે ધરણાં કરવામાં આવ્યા હતા.