રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન 776 બાળકો એવા છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બાળકોને સહાય આપવા માટે આજથી રાજયમાં બાળ સહાય યોજનાનો અમલ શરૂ કરી દેવાયો છે. ગુજરાતમાં ૧૮ માર્ચ ૨૦૨૦ના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરનાં ૭૭૬ બાળકોને દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય યોજના અન્વયે રાજય સરકારે રૂા. ૩૧ લાખ ૪ હજાર આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતાં.
સીએમ વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાનો આરંભ કરાવતાં ૩૩ જિલ્લા મથકોએથી જે-તે જિલ્લાના નિરાધાર-અનાથ બાળકો વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા હતાં. બાળકો જેમણે પોતાના માતા-પિતા ગુમાવ્યા હશે કે માતા-પિતાનું અવસાન કોરોના દરમ્યાન થશે તેવા બાળકોને રાજ્ય સરકાર આ સહાય આપશે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દર મહિને ૪૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને ૬ હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે એમ તેમણે ઉમેર્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે આ યોજના જાહેર થયાના માત્ર એક જ મહિનામાં તેનો અમલ કરીને જિલ્લાઓમાંથી આવા નિરાધાર બાળકો શોધી તેની ખરાઈ સહિત ની બધી પ્રક્રિયા પૂર્ણ કરી આ સહાય ચૂકવવા સુધીની ઝડપી કામગીરી કરી દેવાઈ છે.
મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે જે ૭૭૬ બાળકોને પ્રત્યેકને રૂ. ૪ હજારની સહાય મળી છે તેમાં, અમદાવાદ જિલ્લામાં-૪ર, અમરેલી-૧૯, અરવલ્લી-ર૬, આણંદ-૩૯, કચ્છ-૩૧, ખેડા-૩૬, ગાંધીનગર-૬, ગીર સોમનાથ-૧૬, છોટાઉદેપૂર-૬, જામનગર-ર૪, જૂનાગઢ-ર૮, ડાંગના-૧૧, તાપીના-૧૭, દાહોદના-રર, દેવભૂમિ દ્વારિકાના-૧૩, નર્મદાના-૧ર, નવસારીના-૩૦, પંચમહાલ-૩૦, પાટણ-રર, પોરબંદર-૧૧, બનાસકાંઠા-ર૧, બોટાદ-૧૩, ભરૂચ-૧૯, ભાવનગર-૪ર, મહિસાગર-૯ તેમજ મહેસાણા-રર, મોરબી-૧ર, રાજકોટ-પ૮, વડોદરા-૩ર, વલસાડ-ર૬, સાબરકાંઠા-૩૬, સુરત-ર૯ અને સુરેન્દ્રનગરના-૧૬ મળી કુલ ૩૩ જિલ્લાના ૭૭૬ નિરાધાર બાળકોને સમગ્રતયા ૩૧ લાખ ૪ હજારની સહાય સીધી બેન્ક ખાતામાં જમા કરાવાઈ છે.