ઉમરગામ, સાપુતારા: મોંઘવારીના (Inflation) વિરોધમાં કોંગ્રેસે (Congress) ઉમરગામમાં જનચેતના યાત્રા રેલી કાઢતા પોલીસે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી હતી. બાદમાં તમામને જામીન ઉપર છોડી મુક્યા હતા. બીજી તરફ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં આગેવાન મોતીલાલ ચૌધરી તેમજ વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આજે વઘઇ ખાતે વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવ્યુ હતુ. સરકારનાં ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં કોંગી કાર્યકરોને પોલીસની ટીમ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા.
મોંઘવારી અને પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ વધારાના વિરોધમાં ભાજપ વિરોધી બેનરો સાથે કોંગ્રેસ દ્વારા ઉમરગામમાં જનચેતના યાત્રા સાયકલ રેલી કાઢવા ઉમરગામના અકરા મારુતિ નજીક રોડ ઉપર કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. તે અરસામાં જ ઉમરગામ પોલીસ પહોંચી ગઈ હતી અને રેલી કાઢવા અંગે સક્ષમ અધિકારીની મંજુરી મેળવી છે કે કેમ એ બાબતે પૂછતા મંજૂરી મેળવેલી હોવાનું નહીં જણાવતા જાહેરનામાનો ભંગ બદલ કોંગ્રેસના છ નેતા માજી સાંસદ કિશનભાઇ પટેલ, ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજુભાઈ વારલી, કોંગ્રેસ નેતા ફુલજીભાઈ પટેલ, ઉમરગામ પાલિકાના વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા સુરેશ યાદવ, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને કોંગ્રેસના નેતા ચિંતુભાઈની અટક કરી તમામને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા.
પેટ્રોલ-ડીઝલ-ગેસ તેમજ વિવિધ ચીજવસ્તુઓનાં ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
સાપુતારા: ગુજરાત કોંગ્રેસનાં રાજ્યભરમાં તાલુકા વ્યાપી વિરોધ પ્રદર્શનમાં સરકારે વિવિધ ચીજવસ્તુઓનાં ભાવ વધારા મુદ્દે વઘઇમાં કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. ડાંગ કોંગ્રેસ સમિતિનાં આગેવાનો તેમજ વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વઘઇ ચાર રસ્તા પાસે સરકારનાં પેટ્રોલ-ડીઝલ-ગેસ તેમજ વિવિધ ચીજવસ્તુઓનાં ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા વઘઇ પોલીસ દ્વારા આ તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા. હજુ પણ કોંગ્રેસ પક્ષ દ્વારા 11 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતનાં તાલુકા કક્ષાએ વિરોધ પ્રદર્શન યોજાનાર છે. જેમા ગુરુવારે આહવા તેમજ શુક્રવારે સુબિર તાલુકામાં કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનનાં કાર્યક્રમો યોજાશે.
ડાંગ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ સમિતિની મીટીંગ યોજી ખેડૂતોનાં દેવા માફ કરવા અંગે ઠરાવ રજૂ કર્યો છે. તેમજ સરકાર દ્વારા ભાવ વધારો ઓછો કરવામાં આવે તે માટે તાલુકા લેવલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આવનાર સમયમાં ડાંગ જિલ્લામાં સાયકલ રેલી કાઢીને સરકારનાં ભાવ વધારા અંગે વિરોધ કરવામાં આવશે. વઘઇમાં વિરોધ પ્રદર્શનમાં વાંસદાનાં કોંગ્રેસી ધારાસભ્ય અંનત પટેલે સરકાર વિરુદ્ધ આક્રમક મિજાજમાં આવી જતા ડાંગ પોલીસે ધારાસભ્યને પોલીસ વાનમાં બેસાડવા લઈ જતા તેઓએ વિરોધ પ્રદર્શન કરવાનો અમારો હક્ક હોવાનું જણાવી પોલીસ વાનમાં બેસવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં પોલીસે ધારાસભ્યને ઘેરી મહામહેનતે પોલીસની જીપમાં ઉંચકીને બેસાડતા પોલીસની ટીમનો પરસેવો નીકળી ગયો હતો.