National

રાજીવ ગાંધીને બોફોર્સ નડ્યું હવે શું નરેન્દ્ર મોદીને રાફેલ નડશે?

રશિયાથી ખરીદેલી બોફોર્સ તોપના મામલે દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર છેલ્લે સુધી કિચડ ઊડતું રહ્યું હતું તેવી હાલત વર્તમાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની ફ્રાંસથી ખરીદેલાં રાફેલ ફાઇટર જેટ મામલે થઈ રહી છે. ઈતિહાસ દોહરાવાઈ રહ્યો છે. હજુ કોરોનાની નાલેશીમાંથી કેન્દ્ર સરકાર બહાર આવવા માટે જીતોડ મહેનત કરી રહી છે ત્યાં રાફેલમાં ભ્રષ્ટાચારનું ભૂત ફરી ધૂણ્યું છે. આપણે ત્યાં આ વિવાદિત મામલો માંડ શાંત પડ્યો છે ત્યાં ફ્રાંસમાં તપાસ શરૂ થઈ છે. ફ્રાંસે ભારત સાથે થયેલાં ૩૬ રાફેલ ફાઇટર જેટ સોદામાં કથિત ભ્રષ્ટાચારના મુદ્દે તપાસ શરૂ કરી છે.

આ માટે ફ્રાંસમાં એક જજને નિયુક્ત કરીને તપાસ સોંપવામાં આવી છે. ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યૂશન સર્વિસિસની ફાઇનાન્શ્યલ ક્રાઇમ બ્રાંચે આ વિશે જાણકારી આપી છે. ૨૦૧૬માં ભારત સાથે થયેલી આ કરોડો રૂપિયાની વિવાદિત ફાઇટર જેટ ડીલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગતા રહ્યા છે. સમાચાર વેબસાઇટ ફ્રાન્સ ૨૪ મુજબ, આ કરાર હેઠળ ભારત સરકારે ફ્રાન્સની એરક્રાફ્ટ કંપની ડાસો એવિએશન પાસેથી ૩૬ રાફેલ જેટ ખરીદવાનો સોદો કર્યો હતો. આ સોદાની કુલ કિંમત ૭.૮ અબજ યુરો એટલે કે લગભગ ૭૦ હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી. તમને યાદ હશે ગત લોકસભા ચૂંટણીમાં રાફેલના આ મુદ્દાને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ છાપરે ચઢીને ચગાવ્યો હતો. જો કે, ભારતની સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કંઈ ખોટું થયું હોય એવું અમને નથી લાગતું, એવું એક જનહિતની અરજીમાં જણાવી દીધું હતું ત્યારથી આ વિવાદ શમી ગયો છે.            

બીજી તરફ ગત એપ્રિલ મહિનામાં ફ્રાંસના અગ્રેસર પબ્લિકેશન મીડિયાપાર્ટે દાવો કર્યો હતો કે, રાફેલ જેટ ડીલ કરાવનાર વચેટિયાઓને કરોડો રૂપિયાનું કમિશન ચૂપચાપ રીતે આપવામાં આવ્યું હતું, જેમાંથી અમુક હિસ્સો ભારત સરકારના અધિકારીઓને પણ લાંચમાં અપાયો હતો. સામા પક્ષે ડાસો એવિયેશને આના જવાબમાં કહ્યું હતું કે, તેમનાં ઑડિટમાં આવી કોઈ વાત સામે આવી નહોતી. છતાં ફરી એક વખત રાફેલની વિવાદિત ડીલે ફ્રાંસમાં રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. મીડિયાપાર્ટના અહેવાલો મુજબ, હવે ફ્રાંસમાં આ આખા મુદ્દાની તપાસ એક સ્વતંત્ર મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે. આ તપાસમાં અન્ય મુદ્દાઓની સાથે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદનાં કાર્યો પર ઊઠેલાં સવાલોની પણ તપાસ થશે. એ વખતે ઓલાંદ ફ્રાંસના રાષ્ટ્રપતિ હતા જ્યારે આ વિવાદાસ્પદ ડીલ થઈ હતી. જો કે, હાલના ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેંક્રો એ વખતે નાણાંમંત્રી હતા.

ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યૂશન સર્વિસિસની ફાઇનાન્શ્યલ ક્રાઇમ બ્રાંચે જણાવ્યું છે કે, ભારત સરકાર અને ફ્રાંસિસી વિમાન નિર્માતા કંપની ડાસો વચ્ચે ૩૬ ફાઇટર જેટનો સોદો થયો હતો. આ સોદામાં કથિત ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપની તપાસ કરવામાં આવશે. ફ્રાંસના NGO શેરપાએ આ મામલે સૌથી પહેલાં ફરિયાદ કરી હતી. જો કે, વર્ષ ૨૦૧૮માં શેરપાની ફરિયાદને ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યૂશન સર્વિસિસની ફાઇનાન્શ્યલ ક્રાઇમ બ્રાંચે ફગાવી દીધી હતી. હવે શેરપાએ ફરી આ વિશે ફરિયાદ કરી છે. પ્રથમ ફરિયાદમાં આ NGOએ કહ્યું હતું કે, ડાસો એવિયેશને પોતાના ભારતીય પાર્ટનરના રૂપમાં રિલાયન્સ ગ્રુપને પસંદ કર્યું હતું, જેના માલિક અનિલ અંબાણી છે જે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘણા નજીક માનવામાં આવે છે.

પહેલાં જાણીએ કે, આ સોદો શું હતો? ડાસો એવિયેશને વર્ષ ૨૦૧૨માં ભારતના ૧૨૬ ફાઇટર જેટ સપ્લાય કરવાનો કૉન્ટ્રૅક્ટ મેળવ્યો હતો જેમાં તેમની ભારતીય પાર્ટનર કંપની હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL) હતી. ડાસો મુજબ માર્ચ ૨૦૧૫ સુધી આ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઈ હતી, પરંતુ તે વર્ષે એપ્રિલમાં વડા પ્રધાન મોદીની ફ્રાન્સની સત્તાવાર મુલાકાત બાદ સ્થિતિ અચાનક બદલાઈ ગઈ હતી! એટલે ૧૨૬ ફાઇટર જેટની જૂની ડીલ રદ થઈ ગઈ અને ભારત સરકારે ડાસો એવિયેશનની સાથે ૩૬ રાફેલ વિમાનોની એક નવી ડીલ સાઇન કરી હતી. આ ડીલમાં ડાસોના ભારતીય પાર્ટનર તરીકે HALની જગ્યાએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપને સ્થાન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપને વિમાન બનાવવાનો કોઈ અનુભવ નહોતો.

હવે ફ્રાંસની પબ્લિક પ્રોસિક્યૂશન સર્વિસિસની ફાઇનાન્શ્યલ ક્રાઇમ બ્રાંચ દ્વારા રાફેલ ડીલની ગુનાહિત તપાસની વાત સામે આવવાથી ફ્રાંસના પબ્લિકેશન મીડિયાપાર્ટે કહ્યું છે કે, અમે પહેલાં જ આ ડીલમાં ભ્રષ્ટાચાર અને પક્ષપાતની વાત કહી હતી. અમે વિવિધ રિપોર્ટ મારફતે દુનિયાને એ જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે ડાસો એવિયેશને ભારતના વડા પ્રધાનના બહુ નજીકના અને તેમના સ્થાનિક ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર એક મોટો નાણાંકીય ઉપકાર કર્યો હતો. મીડિયાપાર્ટે એવું પણ કહ્યું છે કે, રાફેલ ડીલની ફાઇલો પેરિસના નાણાંકીય કેન્દ્રની સૌથી સંવેદનશીલ કાયદાકીય ફાઇલો છે. મીડિયાપાર્ટના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ યાન ફિલીપીને કહ્યું છે કે, પબ્લિક પ્રોસિક્યૂશન સર્વિસિસની ફાઇનેન્શલ આ અતિસંવેદનશીલ રાફેલ ડીલની તપાસ ૧૪ જૂનથી આધિકારિક રૂપે શરૂ કરશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે પબ્લિક પ્રોસિક્યૂશન સર્વિસિસની ફાઇનાન્શ્યલ મીડિયાપાર્ટ દ્વારા એપ્રિલ ૨૦૨૧માં પ્રકાશિત સંશોધન અહેવાલોને કારણે દબાણમાં આવીને આ તપાસનો આદેશ આપ્યો છે. મીડિયાપાર્ટના રિપોર્ટ પછી આર્થિક અપરાધો મામલે વિશેષજ્ઞતા ધરાવતી બિનસરકારી સંસ્થા શેરપાએ આ ડીલની વિરુદ્ધ ફરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં શેરપાએ ભ્રષ્ટાચાર અને ડીલ માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરવા જેવા આરોપ લગાવ્યા હતા. એ પછી એક સ્વતંત્ર મૅજિસ્ટ્રેટને આ ડીલની તપાસ માટે નીમવામાં આવ્યા હતા.

શેરપાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, જાન્યુઆરી, ૨૦૧૬માં જ્યારે રાફેલ ડીલ માટે બંને પક્ષો વચ્ચે સોદાબાજી ચાલી રહી હતી ત્યારે રિલાયન્સે ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ઓલાંદની ફિલ્મ નિર્માતા પાર્ટનર જૂલી ગાએટની એક ફિલ્મમાં પૈસા લગાવ્યા હતા. ફ્રાન્સના NGO શેરપાનું માનવું છે કે આને ‘પોતાની ઇન્ફ્લૂએન્સના અયોગ્ય ઉપયોગ’ તરીકે જોવું જોઈએ. આના જવાબમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે સ્પષ્ટતા કરી હતી કે, આ મુદ્દો હિતોના ટકરાવ જેવી કોઈ વાત નહોતી કારણ કે ડાસોનું ભારતીય પાર્ટનર કોણ હશે, તેના વિશે ફ્રાન્સની સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી રહ્યો.

હવે લગભગ ૧૪ જૂનથી ફ્રાંસમાં શરૂ થનારી આ તપાસ વિશે એવું કહેવામાં આવે છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે અને તત્કાલીન સમયે નાણાંમંત્રી રહી ચૂકેલાં વર્તમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પણ પૂછપરછ કરવામાં આવશે. આ બંનેના કાર્યકાળ દરમિયાન આ સોદા પર હસ્તાક્ષર થયાં હતાં. આ ઉપરાંત ફ્રાન્સમાં હાલના વિદેશમંત્રી વિવાદિત રાફેલ ડીલ સમયે સંરક્ષણમંત્રી રહી ચૂકેલાં જીન-યવેસ લે ડ્રિયાનની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

ફ્રાન્સ એરફોર્સના ચીફ અને ડાસો એવિયેશને આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. કંપની અત્યાર સુધી આ ડીલમાં કોઈ ભ્રષ્ટાચાર થયાનો ઇનકાર કરી રહી છે. કંપની દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પહેલાં પણ ઘણા દેશો સાથે એરક્રાફ્ટની ડીલ કરવામાં આવી છે. ફ્રેન્ચ કંપની ડાસો એવિયેશન તરફથી ૨૦૧૬માં ઓર્ડર કરાયેલાં ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોમાંથી ૨૧ રાફેલને ભારતીય વાયુસેનાને ફ્રાન્સ દ્વારા સોંપી દેવામાં આવ્યાં છે. એમાંથી અત્યાર સુધી ૧૪ ભારત પહોંચી પણ ગયાં છે. બાકીનાં ૭ વિમાનને એરફોર્સના પાઇલટ્‌સને તાલીમ આપવા માટે ફ્રાન્સમાં રાખવામાં આવ્યાં હતાં.

કોંગ્રેસ રાફેલ ડીલમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પર આંગળી ચિંધીને ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. કોંગ્રસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ થોડા મહિના પહેલાં દાવો કર્યો હતો કે, ભારત સરકાર અને ડાસો એવિયેશન વચ્ચે રાફેલ ડીલમાં રૂ.૨૧,૦૭૫ કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સૂરજેવાલાએ આરોપ લગાવ્યા પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે ટ્‌વીટ કર્યું હતું કે, ‘પ્રિય વિદ્યાર્થીઓ, વડા પ્રધાન કહે છે કે આપણે દરેક સવાલનો જવાબ ભય અને ગભરામણ વગર આપવો જોઈએ. તમે તેમને કહો કે મારા ત્રણ સવાલના જવાબ કોઈ પણ ભય અને ગભરાટ વગર આપે. આવું કહીને તેમણે વડાપ્રધાનને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા.

હવે ફરી ફ્રાંસમાં વિવાદિત રાફેલ સોદામાં તપાસની વાત આવી છે ત્યારે ભારતમાં પણ આ મુદ્દો ગરમાશે એ નક્કી છે. વિપક્ષના આરોપ મુજબ, રાફેલ સોદામાં સૌથી મોટો ફાયદો અનિલ અંબાણીને થશે. અનિલ અંબાણી નરેન્દ્ર મોદીની નજીક હોવાના આરોપ પણ વિપક્ષે લગાવ્યા હતા. કોંગ્રેસે તો એવો પણ આક્ષેપ કર્યો હતો કે, એ સોદો યુપીએ સરકારે જેટલામાં નક્કી કર્યો હતો તેના અનેકગણી વધારે કિંમત મોદી સરકારે નવા સોદામાં ચૂકવી છે. રાહુલ ગાંધીએ વારંવાર રાફેલ ડીલની રકમનો જાહેરમાં ખુલાસો કરવાની માગણી કરી હતી. અલબત્ત, આ મુદ્દે સૌથી મોટો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનો ઇન્ટરવ્યૂ મીડિયાપાર્ટે પ્રસિદ્ધ કર્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં ઓલાંદે એવું કહ્યું હતું કે, આ સોદામાં ભારતનો પાર્ટનર પસંદ કરવાનો કોઈ વિકલ્પ અમને આપવામાં આવ્યો ન હતો. ભારતે તેના પાર્ટનરની ખુદ પસંદગી કરી છે. રિલાયન્સનું નામ ભારતે અમને આપ્યું છે. જો કે, ભારતમાં સુપ્રીમ કોર્ટે આ મામલે એક જનહિતની અરજીની સુનાવણી કરી હતી અને તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, આ મામલે કંઈ ખોટું થયું હોય તેવું જણાતું નથી. એ પછી ભારતમાં રાફેલનો મામલો શાંત પડી ગયો હતો.

હવે ફરી ફ્રાંસમાં આ મામલે સ્વતંત્ર જજ દ્વારા તપાસ શરૂ થવાની છે ત્યારે ભારતમાં રાજકારણ ગરમાશે અને આગામી ઉત્તર પ્રદેશ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત અનિલ અંબાણી, રિલાયન્સ અને રાફેલમાં કટકીના આક્ષેપો થશે, રાજકારણ ગરમાશે એમાં બે મત નથી.

Most Popular

To Top