વિચક્ષણ તંત્રી અને સાથોસાથ અતિ લોકપ્રિય નવલકથાકાર હરકિસન મહેતાનો ‘મૉસ્ટ ફૅવરિટ’ એટલે કે બહુ માનીતો શબ્દ હતો : ‘જોગાનુજોગ’. …ક્યારેક કથામાં અણધાર્યો વળાંક લાવવો હોય તો હરકિસનભાઈ આ શબ્દનો બહુ સિફતથી ઉપયોગ કરતા. અરે, એમની એક નવલકથાનું શીર્ષક સુધ્ધાં હતું : ‘જોગ-સંજોગ’! એક વાર મેં એમને પૂછેલું પણ ખરું : ‘‘આ ‘જોગાનુજોગ’ શબ્દ તમે ખાસ્સો કેમ વાપરો છો?’’ જવાબમાં એ કહે : ‘‘એ શબ્દ મારા માટે સચોટ શસ્ત્ર બની ગયો છે. ખાસ કરીને કથામાં વળાંક લાવવો હોય ત્યારે એને ખૂબીપૂર્વક સભાનતા સાથે વાપરું પછી જ મને લેખક તરીકે ધાર્યું નિશાન પાડયાનો સંતોષ મળે છે..!’’
આ તો એક નિપુણ કથાકારે એના પુરવાર થયેલા કસબની વાત કરી, પણ ‘જોગાનુજોગ’ની સમીપ આવે એક અંગ્રેજી શબ્દ છે : ‘કોઈન્સિડન્સ’ અર્થાત અકસ્માતે એક સાથે થવું તે. …આમ આપણા જીવનમાં આવાં તત્ત્વ જાણતાં-અજાણતાં અણધાર્યું કામ કરી જતાં હોય છે. ક્યારેક કોઈ ઘટના શું કામ થઈ કે થાય છે એની પાછળ કોઈ તર્ક કે કોઈ શાસ્ત્ર હોતું નથી. એના ભેદ-ભરમ પણ જલ્દી ઉકેલાતાં નથી ત્યારે આપણે એને ‘નિયતિ’ નામ આપીને સંતોષ માની લઈએ છીએ. ‘પહેલે તકરાર બાદ મેં પ્યાર’ના ઘણા કિસ્સા આપણે ફિલ્મોમાં જોઈએ ત્યારે આપણે મોં મચકોડીને કહીએ પણ ખરા: ‘આવું બધું ફિલ્મોમાં જ જોવા મળે. …સાચુકલું આવું થોડું થાય?’-પણ નિયતિ નિરાળી છે. ફિલ્મમાંય અશક્ય લાગે એવી ઘટના – કિસ્સા સાચુકલા જોવાં-સાંભળવાં મળે ત્યારે કહેવું પડે : ‘અરે, આવું તો ફિલ્મમાંય નથી થતું..!’ તાજેતરનો આ કિસ્સો જુઓ. …આમ તો આ વાતની શરૂઆત પાંચેક વર્ષ પહેલાં થયેલી . થયું એવું કે કેરળના પાટનગર તિરુવનંતપુરમની એક સાંજે અચાનક વરસાદ તૂટી પડયો. એ આહલાદક વરસાદી સાંજમાં એક યુવતી મોજથી ભીંજાતી જઈ રહી હતી. એને હતું આ માવઠું પસાર થઈ જશે પણ વરસાદ વધ્યો.‘હવે શું કરવું?’ એવું એ વિચારતી ત્યાં છત્રીવાળો એક હાથ લંબાયો ને ઈશારાથી સમજાવ્યું : ‘ભીંજાવ નહીં, …છત્રીમાં આવી જાવ’ દલીલ કરવાનો સવાલ ન હતો. ભીંજાતી યુવતી પોતાની છત્રીમાં સમાવી લેનાર યુવકને એ ઉપરછલ્લી ઓળખતી હતી. બન્ને થોડે સુધી સાથે ચાલ્યાં. બે-ચાર શબ્દોની આપ -લે થઈ અને પછી નિયત સ્થળે યુવતી ‘થેંક્યુ’ કહીને છૂટી પડી.
જો કે, ‘રાત ગઈ-બાત ગઈ’ જેવી પેલા યુવક સાથે ભીંજાવાની એ ઘટના નહોતી. બીજે દિવસે સિવિલ સર્વિસની પરીક્ષાનાં પરિણામ જાહેર થયાં. આ યુવતી એટલે કે ચાંદની ચન્દ્રન ખુદ પરીક્ષામાં બેઠી હતી, પણ એ વખતે એનો નંબર ન લાગ્યો પણ એના આશ્ચર્ય વચ્ચે આગલી સાંજે પોતે જે યુવક સાથે એક છત્રીમાં સાથે ભીંજાતી જઈ રહી હતી એ તસવીર ત્યાંના એક જાણીતા અંગ્રેજી અખબારમાં પ્રગટ થઈ હતી…! ચાંદની ચમકી. એના ઘરવાળાં ચમક્યાં. સ્વજનો- મિત્રો સહિત બધાં એને પૂછવા લાગ્યાં: ‘પેલો કોણ છે?!’ બીજી તરફ, પેલા છત્રીવાળા યુવક એટલે કે અરૂણ સુદર્શનના ઘરવાળા તથા મિત્રો પણ પૂછવા લાગ્યાં : ‘તારી સાથે છત્રીમાં આ ભીગી ભીગી છોરી કોણ છે ?!’
હકીકતમાં ચાંદની- અરૂણ એકબીજાને ખાસ ઓળખતાં પણ નહોતાં. બન્નેના ઘરમાં બબાલ મચી ગઈ હતી: ‘યે ક્યા હો રહા હૈ ?’ આખરે કંટાળીને પ્રથમ અરૂણ અને પછી ચાંદનીએ જે અખબારમાં એમની તસવીર પ્રગટ થઈ હતી એના ફોટોગ્રાફરને ફોન પર ખખડાવ્યો : ‘‘અમારી પરવાનગી વિના ફોટો પાડયો કેમ -છાપ્યો કેમ ?’’ અરૂણ-ચાંદનીને એકસરખો જવાબ મળ્યો : ‘‘વરસાદનું દ્રશ્ય હતું..તમે જાહેર રોડ પર હતાં એટલે કેમેરા ફ્રેમમાં આવી ગયાં. આવાં દ્રશ્ય માટે પરવાનગીની જરૂર હોતી નથી…. બાય ધ વે, તસવીર અચ્છી આવી છે અમારા વાચકોએ એને બહુ વખાણી છે….’’ આમ તો અહીં આ ઘટના પર પૂર્ણવિરામ આવી જવું જોઈતું હતું ,પણ એવું થયું નહીં. એક ફ્રેમમાં ચાંદની- અરૂણ ખરેખર ફાંકડી રીતે ઝડપાયાં હતાં. બન્ને વચ્ચે આછી-પાતળી ઓળખ તો હતી. એમાં પેલી વરસાદી તસવીર નિમિત્ત બની એટલે બન્નેની ફરી મુલાકાત થઈ-પરિચય થયો -મૈત્રી વધી, જે પ્રેમમાં પલટાઈ અને.. …યેસ, થોડા સમય પહેલાં અરૂણ – ચાંદની રંગે-ચંગે પરણી પણ ગયાં!
આજે અરૂણ વિભિન્ન વિષય પર રિસર્ચર – સંશોધકની કામગીરી બજાવે છે અને ચાંદની આજે પશ્ચિમ બંગાળના અગરતલ્લામાં IAS અધિકારીરૂપે ડયુટી બજાવે છે. તાજેતરમાં લગ્નતિથિ અવસરે અરૂણ સાથેની પેલી ભીની ભીની તસવીરવાળી પ્રેમકથા ચાંદનીએ ‘ટિવટર‘ પર યાદ કરી પછી ૯ હજારથી વધુ લાઈક્સ સાથે એ પોસ્ટ અત્યારે વાઈરલ થઈ ગઈ છે… ! એક તરફ આમ વરસાદી તસવીરે નિમિત બનીને આ વાતને જોગાનુજોગ વળાંક આપ્યો તેમ જોગ-સંજોગનો આ કિસ્સો પણ જાણવા જેવો છે.વાત ક્રિકેટના મેદાનની છે. કરામતી કુદરત પણ નિપુણ સ્પિનરની જેમ ગુગલી નાખી શકે છે. પાંચેક વર્ષ પહેલાં ચેન્નાઈ ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લૅન્ડ સામે ૭ વિકેટે ૭૫૯ રન ફટકાર્યા ,જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આજે સૌથી વધુ સ્કોર છે. એ ટેસ્ટમાં ઈંગ્લૅન્ડ બૂરી તરહ હાર્યું. એ યાદગાર દિવસ હતો ૧૯ ડિસેમ્બર -૨૦૧૬. કૅપ્ટન હતો વિરાટ કોહલી… એ પછી બરાબર ચાર વર્ષ બાદ, ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર ૩૬ રનમાં ખખડી ગઈ, જે અત્યાર સુધીમાં આપણો કંગાળ અને સૌથી ઓછો ટેસ્ટ સ્કોર છે. કૅપ્ટન હતો વિરાટ કોહલી ને એ બુંદયાળ દિવસ હતો ૧૯ ડિસેમ્બર ..! બોલો, આ પણ કેવો યોગાનુયોગ…!
બીજી બાજુ, આમ તો આપણી હિન્દી ફિલ્મોની વાર્તા જાતભાતના જોગ-સંજોગ ખડા કરવા માટે માહેર છે. એની ચર્ચા અહીં અ-સ્થાને છે, પણ આ ઉદ્યોગ સાથે સંકળાયેલી કેટલીક નામી વ્યક્તિ ખુદ જાણે-અજાણે એવું કંઈક કરે છે જેની પાછળ કોઈ તર્ક હોતો નથી . જરા ઝડપથી જાણી લઈએ કેટલાંક ઉદાહરણ જેમ કે… રાજકુમાર રાવે ‘શાહિદ’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું તો શાહિદકપૂરે એક ફિલ્મમાં મુખ્ય રોલ ભજ્વ્યો એ ફિલ્મનું નામ હતું ‘આર. રાજકુમાર’…
કરણ જોહરની ‘ધર્મા પ્રોડકશન’ દ્વારા બે ફિલ્મનું બબ્બે વાર નિર્માણ થયું એ જ નામે. પ્રથમ વારના ‘અગ્નિપથ’માં અમિતાભ હતા. બીજી વારમાં હૃતિક રોશન. એ જ રીતે, પહેલી વાર ‘દોસ્તાના’ બની એમાં અમિતાભ- શત્રુઘ્ન હતા. બીજી વારમાં અભિષેક – જહોન અબ્રાહમ. …શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને શિલ્પાના ભૂતપૂર્વ પ્રેમી અક્ષયકુમાર વચ્ચે એક સામ્ય છે. એ બન્નેની જન્મતારીખ ૯ સપ્ટેમ્બર છે…. વિનોદ ખન્ના અને ફિરોઝખાન ખાસ મિત્રો. બન્નેની ‘દયાવાન’ ફિલ્મ સુપરહીટ. ફિરોઝખાનનું બેંગ્લુરુમાં અવસાન થયું ૨૦૦૯ની સાલમાં, જ્યારે વિનોદ ખન્નાએ મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા ૨૦૧૭માં. આ બન્ને ખાસ મિત્રોની અવસાન તારીખ એક જ હતી – ૨૭ એપ્રિલ. … વિદ્યા બાલન એક જ નામના ‘બે’ પતિને પરણી છે. ફિલ્મ ‘શાદી કે સાઈડ ઈફેકટસ’માં એ સિધ્ધ-સિધ્ધાર્થ રાય (ફરહાન અખ્તર)ને પરણે છે. એ ફિલ્મી મૅરેજનાં પાંચ વર્ષ પછી વિદ્યાના સાચુકલા મેરેજ થયા એ પતિનું પણ નામ છે સિધ્ધ- સિધ્ધાર્થ રાય ક્પૂર…! જો કે, આ બધા વચ્ચે, અંગ્રેજીમાં જેમ કહે છે ને- Father of all coincidences. એમ બધા જોગાનુજોગ કે જોગ – સંજોગના બાપ જેવી આ ઘટના તો ખરેખર અદભુત છે. વાત અમેરિકાના બે રાષ્ટ્રપ્રમુખની છે. પ્રથમ પ્રમુખ અબ્રાહમ લિંકન અને બીજા જોન એફ. કેનેડી. આ બન્નેની હત્યા થઈ હતી. બન્ને ઘટના વચ્ચે ૧૦૨ વર્ષનું અંતર છે, છતાં એ બન્નેની આસપાસ જે જોગ- સંજોગ ને જે સામ્યતા સર્જાઈ એ ભલભલાને અવાક કરી મૂકે તેવાં હતાં.
ઉદાહરણ તરીકે : એ બન્ને પ્રેસિડન્ટની હત્યા શુક્રવારે થઈ હતી. હત્યા વખતે બન્નેની પત્ની હાજર હતી. લિંકનની હત્યા થઈ ત્યારે એ ફોર્ડ નામના થિયેટરમાં ૭ નંબરની સીટ પર બેસીને નાટક જોઈ રહ્યા હતા. હત્યા પછી કાતિલ ભાગીને એક અવાવરું વ્હેરહાઉસ-વખારમાં છુપાયો હતો જ્યારે કેનેડીનો કાર-કાફ્લો રોડ પરથી નીકળ્યો ત્યારે એમની કાર સાતમી હતી અને એ કાર ફોર્ડ કંપનીએ બનાવેલી હતી. એ કારમાં હતા ત્યારે એક મકાનની વખારમાંથી એમના પર ગોળી ચલાવીને હત્યારો એક થિયેટરમાં લપાઈ ગયો હતો… લિંકન -કેનેડીના બન્ને હત્યારા ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા પણ પાછળથી ઝડપાયા અને એમના પર કેસ શરૂ થયો ત્યારે કોર્ટના પ્રાંગણમાં જ એ બન્નેની હત્યા થઈ ગઈ ! અરે, લિંકન – કેનેડી હત્યાને લઈને આવી તો બીજી કેટલીય વાત બહાર આવી હતી. એમાંથી કેટલી ખરી- કેટલી દંતકથા એ નક્કી કરવું અઘરું ,પણ એ ખરું કે આવા જોગ-સંજોગ ભાગ્યે જ બીજી ઘટનાઓમાં જોવાં-સાંભળવાં મળે છે એટલે આવી ઘટનાને તો ‘નિયતિ’ જેવું રૂપકડું નામ આપીને કુદરતને સલામ કરી દેવાની!