શશિ થરૂરે તેમના નિયતક્રમ મુજબ ફરી એક નવો શબ્દ પ્રયોજ્યો. શબ્દ છે : ‘પોગોનોટ્રોફી’. નવા નવા શબ્દોનો બંધબેસતો ઉપયોગ કરીને શશિ થરૂર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ વખતે તેમણે જે નવો શબ્દ આપ્યો છે તેનો અર્થ સમજાવવા અર્થે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દાઢી સુધી ગયા છે. ‘પોગોનો ટ્રોફી’નો અર્થ થાય છે દાઢી વધારવી. પણ આ સામાન્ય અર્થ સુધી થોડા શશિ થરૂર સીમિત રહે? એટલે તેઓએ ત્યાં સુધી કહી દીધું કે મહામારી દરમિયાન વડા પ્રધાન દાઢી વધારી રહ્યા હતા. શશિ થરૂરે અહીં માત્ર નવો શબ્દ નથી આપ્યો, બલકે સાથે તેઓએ કટાક્ષ પણ કરી લીધો. શશિ થરૂર આદર્શ કારકિર્દી ધરાવે છે અને તેઓનું નામ રાષ્ટ્રીય જ નહીં, બલકે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સન્માનથી લેવાય છે. શશિ થરૂર રાજનેતા, વહીવટી અધિકારી ઉપરાંત સાહિત્યમાં પણ ઊંચા ગજાનું નામ છે.
સાહિત્યમાં તો તેઓ ખૂબ ધીરજથી કામ કરવા ટેવાયેલા છે અને તેથી જ નવા નવા શબ્દો શોધીને મૂકવા અર્થે તેઓ અચ્છા અચ્છા સાહિત્યરસિકોનું પણ ધ્યાન ખેંચી શકે છે. નવા શબ્દોની અર્થછાયામાં તેઓ નરેન્દ્ર મોદીને બીજી વાર લાવી શક્યા છે. આ અગાઉ તેઓ floccinaucinihilipilification શબ્દના અર્થમાં નરેન્દ્ર મોદીની ટીકા કરી ચૂક્યા છે. ગુજરાતીમાં આ શબ્દનો ઉચ્ચાર ‘ફ્લોક્સિનૉસિનિહિલિપિલિફિકેશન’ કરી શકાય. શશિ થરૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે જ્યારે પુસ્તક લખ્યું ત્યારે તેમણે પુસ્તક વિશે જાણકારી આપતાં આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દનો અર્થ થાય છે – કોઈ પણ વાત પર ટીકા કરવાની આદત, પછી તે ખોટી હોય કે સાચી.
અવારનવાર નવા શબ્દો કોઈન થતાં જ હોય છે, પણ થરૂર પોતાના શબ્દોથી ચર્ચા જગાવી શકે છે. આ રીતે જ તેમના ટ્વિટમાંથી એક શબ્દ ફૂટી નીકળ્યો હતો. તે શબ્દ હતો Bibliobibuli. આ શબ્દે પણ સારી એવી ચર્ચા જગાવી હતી. આ શબ્દને ટ્વિટ કર્યા પછી તે શબ્દનો અર્થ પણ તેમણે લખ્યો હતો. અર્થ છે : ‘એ લોકો જે વધુ વાંચે છે.’ કોઈ પણ શબ્દ હોય તેનો અર્થ સીમિત નથી હોતો. થરૂર કરે છે તેમ વિશેષ રીતે શબ્દનો ઉપયોગ થયા બાદ તો તે અંગે જાતભાતની ટિપ્પણી થાય છે. પણ થરૂર તે ટિપ્પણીનો જવાબ આપી શકે તેટલે સુધી અભ્યાસ કરીને જ આવાં શબ્દોને રમતાં મૂકવાની કાળજી લેતા હોય એમ લાગે છે. એટલે જ્યારે Bibliobibuli શબ્દે પણ ચર્ચા જગાવી તો તેમણે તુરંત તેનો ઇતિહાસ જણાવ્યો. તેમણે લખ્યું કે આ શબ્દ 1957માં એચ. એલ. મેંકેને પહેલી વાર ઉપયોગમાં લીધો હતો. આ સંદર્ભમાં તેમણે સાથે સાથે એચ. એલ. મેંકેનના વિચાર પણ જણાવી દીધા. મેંકેને લખ્યું છે કે, ‘હું એવાં લોકોને જાણું છું જેઓને પુસ્તકોનો નશો હોય છે. જ્યારે અનેક એવાં પણ છે જેઓને વ્હિસ્કી અને ધર્મનો નશો થાય છે. તેઓ ભટકતાં રહે છે અને કશું પણ જોતાં નથી કે દેખતાં પણ નથી.’
સામાન્ય રીતે લેખક સરળ લખવાનો પ્રયાસ કરે છે અને કોમ્યુનિકેશનનો શિરસ્તો પણ એ જ છે કે વધુ ને વધુ લોકો તમારી વાત સરળતાથી સમજી શકે. પરંતુ શશિ થરૂર આ શિરસ્તાથી વિપરીત ચાલી રહ્યા છે. તેઓ અઘરા શબ્દોનો પ્રયોગ કરે છે અને તેમ છતાં સારા એવા પ્રમાણમાં લોકોને આકર્ષી શકે છે. આ આકર્ષણના જ કારણે એક અંગ્રેજી લર્નિંગ એપ દ્વારા જાહેરાતમાં પણ તેમના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘બ્લેકબોર્ડ રેડિયો’ નામની આ એપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે શશિ થરૂર જેવું અંગ્રેજી બોલવું અને લખવું હોય તો અમારી એપ સાથે જોડાવો. આ એપનું આકર્ષણ જેવું અંગ્રેજી શીખનારાઓમાં વધ્યું તો તે એપની જાહેરાત શશિ થરૂર સુધી પહોંચી. થરૂરે આ એપ વિશે લખ્યું કે : “આ મારી જાણમાં લાવવામાં આવી છે, આ એપ દ્વારા અનેકોને ગુમરાહ કરવામાં આવ્યા છે. મારો આ એપ સાથે કોઈ સંબંધ નથી અને ક્યારેય મેં આવી બાબતોનું સમર્થન કર્યું નથી…” આ એક દાખલાથી સમજી શકાય કે શશિ થરૂરનું નામ અંગ્રેજી સાથે એ રીતે જોડાઈ ચૂક્યું છે કે અંગ્રેજી શીખવા સાથે તેમનું નામ મૂકીને એડ પણ થઈ શકે!
અંગ્રેજી બોલનાર-લખનારને આજે પણ આપણે ત્યાં માન મળે છે. અંગ્રેજી બોલનાર-લખનારની કારકિર્દી વધુ ઉજ્જવળ માનવામાં આવે છે. એ કારણે પણ શશિ થરૂરનું નામ જેઓ અંગ્રેજીમાં ભાંખોડીયા ભરી રહ્યાં છે તેમની નજરે ચઢે છે. ઘણી વાર તો તેમના શબ્દો નહીં પણ લખાણ પણ લોકોને ચકરાવે ચડાવે એવું હોય છે. 2017માં તેમણે એક ટ્વિટ કર્યું હતું તેને વાંચીને ભલભલાના હોંશ ઊડી ગયા હતા. તેમણે ટ્વિટ કર્યું હતું : ‘Exasperating farrago of distortions, misrepresentations & outright lies being broadcast by an unprincipled showman masquerading as a journalist.’ આ પૂરા વાક્યને લઈને જાતભાતના તર્કવિતર્ક થયા હતા. ઘણાં લોકોએ તેના પર કટાક્ષ કરીને આ સમજવા માટે તેઓ સક્ષમ નથી તેમ પણ લખ્યું. પછી તેઓ ખરેખર શું કહેવા માંગે છે તે અર્થ નિષ્ણાતોએ કાઢી આપ્યો. તેમણે આ ટ્વિટ સુનંદા પુષ્કરના મૃત્યુ અંગે કરી હતી, જ્યારે તેમના પર અર્નબ ગોસ્વામીની ચેનલ રિપબ્લિક દ્વારા આરોપ ઘડવામાં આવ્યા હતા. તેમના આ અંગ્રેજીનો સરળ અનુવાદ કરીએ તો તે આમ થાય : “આ દાવા તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. આ કન્ફ્યુઝ કરનારા છે, જુઠ્ઠા છે અને ગુસ્સો અપાવનારા છે અને આમને રજૂ કરનારી વ્યક્તિ પોતાને પત્રકાર દર્શાવે છે પરંતુ તે એવી વ્યક્તિ છે જેનો કોઈ જ સિદ્ધાંત નથી.”
થરૂરના અંગ્રેજીના શબ્દો એટલા પ્રચલિત થયા છે કે તેના પર તેમનું એક સ્વતંત્ર પુસ્તક પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે. પુસ્તકનું નામ છે ‘થરુરોસોરસ’ થરૂરના એ ટુ ઝેડ સમૃદ્ધ કલેક્શનની તેમાં પ્રતીતિ થાય છે. જો કે આ કલેક્શન જ્યારે પ્રકાશિત થયું હતું ત્યારે થરૂરે કહ્યું હતું કે તેઓ ભાષાવિદ્ નથી; ન તો તેઓ અંગ્રેજીના માપદંડ પર ખરા ઉતરેલા શિક્ષક છે. પરંતુ તેઓ વર્ષોના અંગ્રેજી માહોલ, વાંચન અને અનુભવથી આ શીખ્યા છે. આ પુસ્તકમાં પસંદગીના શબ્દોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ શબ્દોમાંથી ઘણા થરૂર ટ્વિટરમાં આપી ચૂક્યા છે, પણ કેટલાક એવા સરળ શબ્દો છે, જેનો વ્યાપક અર્થ અને ઇતિહાસ થરૂરે આપ્યો છે. જેમ કે, એક શબ્દ તેમાં Snollygoster છે. તેનો અર્થ છે ધૂર્ત, સિદ્ધાંતવિહીન રાજનેતા. 1846માં અમેરિકન અંગ્રેજીમાં આ શબ્દ ઉપયોગમાં લેવાતો હતો. થરૂર તે પછી પોતાની અગત્યની ટિપ્પણી કરતાં લખે છે : ‘2020ના ભારતના રાજકારણમાં આ શબ્દનો અનેક રાજનેતા પર સરળતાથી અમલ થઈ શકે’.
થરૂરનું અંગ્રેજી એટલી બધી જિજ્ઞાસા જગાવે છે કે ઘણી વાર કોઈ મહત્ત્વની ઘટના પછી જ્યારે તેઓ કોઈ શબ્દ મૂકે છે ત્યારે તે ઘટના બાજુ પર રહીને તે શબ્દ પર ધ્યાન કેન્દ્રિત થવા માંડે છે. ભારતે 32 વર્ષ બાદ જ્યારે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં હરાવ્યું હતું ત્યારે epicaricacy નામના શબ્દ દ્વારા તે ઘટનાને બિરદાવી હતી. ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ભારતને મળેલી જીત ઐતિહાસિક હતી અને તે વખતે થરૂરના શબ્દે સોશ્યલ મીડિયાની ચર્ચા epicaricacy શબ્દ પર ચઢાવી દીધી. અનેક લોકોએ આ શબ્દનો અર્થ સમજવા માટે અસમર્થતા દાખવી. આ શબ્દનો અર્થ થાય છે બીજાની કમનસીબીથી આવેલાં પરિણામનો આનંદ.
થરૂરના શબ્દો પ્રત્યેનો અલગ દૃષ્ટિકોણ કમસે કમ લોકોને એક ભાષા જેવી બાબત પર બુદ્ધિની કસરત કરાવે છે. શબ્દો પ્રત્યે જેમ શશિ થરૂરની પ્રશંસા કરનારા છે તેમ તેમની ટીકા કરનારા પણ છે. ઘણા ખરા ટીકાકારો તો રાજકીય રીતે વિરોધ કરનારા છે. પરંતુ તેઓની સાહિત્ય સફર તરફ નજર કરીએ તો તે ખેડાણ વ્યાપક છે. આ ખેડાણમાં ફિક્શન છે અને નોન-ફિક્શન પુસ્તકો છે. તેમનાં આ પુસ્તકોમાંથી કેટલાંક અનેક સાહિત્ય સંસ્થા દ્વારા પણ પોંખાયાં છે.