Business

એક અનોખા ગાંધીજન મનુભાઇ પંચોળી ‘દર્શક’

આકાશવાણીની નોકરી એટલે અનાયાસે જ ગુજરાતના સાક્ષરો, સારસ્વતો વિદ્વાનોને મળવાનો સુયોગ. 1984 માં હું આકાશવાણીમાં જોડાયો ત્યારે ગાંધીવિચારના મૂલ્યો સાથે જીવતી એક આખી પેઢી મોજુદ હતી. એ પેઢીને નજીકથી જોવા અને અનુભવવાનો મોકો મળ્યો તે આ નોકરીને લીધે. એ પેઢીનાં કેટકેટલાં ગુણો! નૈતિક મૂલ્યો, નિષ્ઠા, કર્મઠતા, સાદગી લોકસંગ્રહ, સમયપાલન, સેવાભાવ નજીકથી અનુભવ્યાં.

Radio DJ Vector. Modern Radio Station. Studio. On Air. Broadcasting. Isolated Flat Cartoon Illustration

આકાશવાણીને લીધે અને આકાશવાણી પૂરતો જ સંબંધ બંધાયો હોય તેમાંના એક મનુભાઇ પંચોલી ‘દર્શક’ તેમની સાથે પહેલી રૂબરૂ મુલાકાત થઇ 1987માં. એ અરસામાં તેમને 1985 નો લબ્ધપ્રતિષ્ઠિત ‘મૂર્તિદેવી પુરસ્કાર’ મળેલો અને તેઓ અમદાવાદ આવેલા. પુરસ્કારના અનુસંધાનમાં રેડિયો પર તેમની મુલાકાતના પ્રસારણ કરવાનો આશય હતો. રેકોર્ડીંગ પુરું થયે સહી માટે કોન્ટ્રાકટ સામે ધર્યો. રકમ જોઇને કહે ‘ઉમાશંકરને કેટલાં આપો છો?’ મેં કહ્યું 200/-’ તો કહે ‘તો પછી મારો કોન્ટ્રાકટ 100/- નો કેમ? મને શું ઉમાશંકરથી ઉતરતો સમજો છો?’ મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ‘તમે આકાશવાણી રાજકોટના કાર્યક્ષેત્રમાં રહો છો તેથી તમારી ફી માટે અમારે રાજકોટ આકાશવાણી પુછાવવું પડે. ત્યાંથી તમારી ફી આવી છે તે અમે આપી છે. કેટલાંક વરીષ્ઠ વકતાઓની ફી વધારવા માટે અમારે મહાનિર્દેશાલય દિલ્હીને પ્રપોઝલ મોકલવી પડે. ત્યાંથી મંજૂર થયે તે ફી આપી શકીએ. આકાશવાણી અમદાવાદે તે ફોર્માલીટી પુરી કરી છે અને રાજકોટ આકાશવાણીથી તે કદાચ રહી ગયું હશે.’

મને એમ કે વાત ત્યાં પુરી થઇ ગઇ હશે. પણ તેમ ન હતું. થોડા દિવસોમાં જ તેમનો પત્ર આવ્યો.

10-11-87

‘પ્રિયભાઇ યજ્ઞેશ,

તમારો 17મીનો પત્ર મળ્યો. તેમાં શું કરવાનું છે? તે હું સમજયો નથી. તેમાં 30 મિનિટના વાર્તાલાપમાં તમે રૂા. 100/- નો પુરસ્કાર આપ્યો છે તે મને માન્ય નથી. અને હવે ફરી આકાશવાણી પર આવી 30 મિનિટ આપવાનો પણ નથી. તમે એ જાણો છો કે અમદાવાદ હું મારે ખર્ચે આવ્યો છું એટલે આ કોન્ટ્રેકટ મને મંજુર નથી તેમ સ્ટેશન ડિરેકટરને જણાવશો. એ (કોન્ટ્રેકટ) રદ ગણશો.

તમારો મનુભાઇ

(મનુભાઇ પંચોળી)

પત્ર વાંચી મને થયું આ તો ભારે થઇ. ત્યાં તો દસ દિવસ પછી તેમનો પોસ્ટકાર્ડ આવ્યો.

20-11-87

‘પ્રિયભાઇ યજ્ઞેશ,

મારો પત્ર મળ્યો હશે. વધુ વિચાર કરતાં લાગે છે કે તે કાર્યક્રમ ભલે તમે નિયત તારીખે મુકાવો પણ હું તેનો પુરસ્કાર નહી લઉં.

તમારો મનુભાઇ.

આમ તેમનો કાર્યક્રમ પ્રસારિત થયો તેનો આનંદ હતો પણ તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચ્યાનો રંજ પણ ખરો.

1993 માં મારી આકાશવાણીમાં બદલી થઇ તે પછી તેમની સાથેનો સંપર્ક વધ્યો. પુરસ્કાર બાબતે અજાણતા જ થઇ ગયેલો અન્યાય દૂર કર્યો તેથી નારાજગીનો હવે પ્રશ્ન ન હતો. મારા અનેક કાર્યક્રમોમાં આવ્યાં એટલું જ નહીં પણ  ‘ગાંધી વિચાર’ અને ‘ભારતમાં સામાજિક સુધારણાં જેવા વિષયો પર તેર તેર વાર્તાલાપની શ્રેણી પણ કરી. મોટેભાગે રેકોર્ડીંગની તારીખ તેમણે ઓચીંતી જ બદલી હોય કે કયારેક કોન્ટ્રાકટ પર સહી રેકોર્ડીંગને દિવસે જ કરી હોય તેથી ઘણીવાર રેકોર્ડીંગ સમયે  પુરસ્કારનો ચેક તૈયાર ન હોય. તો અઠવાડિયા દસ દિવસ ચેકની રાહ જોયા પછી એક અંગે પૃચ્છા કરતી તેમની ટપાલ આવી જ હોય. કયારેક તો સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના કામ અંગે રાજકોટ આવવાનું થયું હોય તો સાંજે રૂબરૂ આકાશવાણી આવી ચેકની પૃચ્છા કરે. પત્ર લખીને પણ ચેક અંગે યાદ કરાવતા રહે.

22-9-94

‘પ્રિયભાઇ યજ્ઞેશ, મેં શિક્ષકદિન અંગે જે ટુંકો વાર્તાલાપ આપ્યો તેનો પુરસ્કાર હજુ આવ્યો નથી. તો તપાસ કરી ઘટતું કરશો. ‘ગાંધી સવાસો’ અંગે આકાશવાણીએ કાર્યક્રમો ગોઠવ્યા હશે. મજામાં હશો.

મનુભાઇ 17-10-96

પ્રિય ભાઇ યજ્ઞેશ, મારા છેલ્લા બે વાર્તાલાપોના રેકોર્ડીંગનો ચેક મળ્યો નથી. સહી તો ત્યાં કરી આપી છે. ઘટતું કરશો.

મનુભાઇ. રખે કોઇ એમ માને છે તેમને પૈસાની પડી હતી. પણ એક નિયમ કે અણહકનું લેવું નહીં અને હકનું જતું ન કરવું. રેકોર્ડીંગમાં આવતા ત્યારે કાં તો લોકભારતીની કારમાં આવતાં અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ હતાં ત્યારે અકાદમીની કારમાં આવતાં.

રેકોર્ડીંગ પુરુ થયે મને પુછે કે ‘આ ચેકની રકમમાંથી મારા પુરસ્કારના કેટલાં અને ભાડા ભથ્થાનાં કેટલાં?’ હું કહું ‘350/- રૂા. તમારા પુરસ્કારના બાકીના ભાડા ભથ્થાનાં.’ તો કહે ‘સંસ્થાની ગાડીમાં આવ્યો છું તો બાકીના પૈસા મારે સંસ્થાને આપી દેવાના હોય ને એટલે પુછયું.’ (1992-93 ના અરસામાં તે સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને કવિ શ્રી સિતાંશુ યશચન્દ્ર પણ અમારા કવિ સંમેલન માટે અમદાવાદ આકાશવાણી આવેલાં ત્યારે તેમણે પણ આ જ મુજબનું પુછેલું.)

મનુભાઇ ગુજરાત સાહિત્યના અધ્યક્ષ હતાં તે ગાળામાં આકાશવાણી રાજકોટ પર રેકોર્ડીંગ માટે આવેલાં. એ સમયે ગુજરાત સાહિત્ય અકાદમીના ઇનામની પ્રથાની ત્રુટીઓ અને અકાદમીના વલણ અંગે એક સર્જક તરીકે મને અસંતોષ હતો. એ અંગે તે સમયે સુરતના નવગુજરાત ટાઇમ્સ માં ચાલતી મારી કોલમમાં તે વિશે અધ્યક્ષશ્રીને એક જાહેર પત્ર લખેલો. એ જ સમયગાળામાં તેઓ રેકોર્ડીંગ માટે આવેલાં એટલે મેં એક સર્જક તરીકેનો મારો પક્ષ રજુ કરવા તે લેખની કોપી તેમને આપી. તેઓ કહે ‘તું વાંચતો જા એ પત્ર’. એ પત્રમાં પાંચ-છ મુદ્દાઓ હતાં. હું પત્ર વાંચતો ગયો. મુદ્દા નં. (૧) પુરસ્કારની રકમ એટલી ઓછી છે કે સરકારને આપતાં શરમ આવવી જોઇએ. (૨) લીથો કરેલા સરકારી ફરફરિયા જેવા એવોર્ડ સર્ટીફિકેટને બદલે સારા કાગળ પર સારી ડિઝાઇનનું સર્ટીફિકેટ હોવું જોઇએ. (૩) પુરસ્કારી રાશી અને પુરસ્કાર સર્ટીફિકેટ ટપાલમાં મોકલવા ને બદલે જાહેર કાર્યક્રમ યોજી સન્માનપૂર્વક અપાવા જોઇએ.

(૪) બાળ સાહિત્ય માટે અપાતા પુરસ્કારની રકમ પ્રૌઢ વિભાગ કરતાં ઓછી છે જે નિતી ભેદભાવ ભરી અને બાળસાહિત્યને ઊતરતું ગણનારી છે માટે એ વિભાગનો પુરસ્કાર પણ પ્રૌઢ વિભાગ જેટલો જ રાખવો જોઇએ. હું મુદ્દાઓ બોલતો ગયો અને તેઓ કહેતા ગયા કે ‘આ થઇ જશે’ – ‘આમાં હજી વાર લાગશે’. પણ મને આનંદ છે કે મોટાભાગના મુદ્દાઓ વ્યાજબી હતા અને તે તેમણે સ્વીકાર્યા અને તેનો અમલ પણ થયો. રેકોર્ડીંગ દરમ્યાન મેં કરેલી રજુઆત લેખે લાગી તેનો આનંદ. (અપૂર્ણ)

Most Popular

To Top