જીવનમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક હંમેશાં નીરસ, થાકી ગયેલા, નખાઈ ગયેલા અને હતાશાથી દોરાયેલા આવા લોકો નકારાત્મક વિચારોથી એવા ઘેરાયેલા હોય છે કે જિંદગી તેના માટે બોજ બની ગઈ છે. તેઓ ફક્ત સમય પસાર કરે છે. આવા લોકોની જિંદગીનો કોઈ હેતુ હોતો નથી. બીજા પ્રકારના લોકો આત્મવિશ્વાસ, ધ્યેય અને સફળતાથી ટેવાયેલા હોય છે. તેઓમાં કંઈક કરી બતાવવાનું જોમ હોય છે. તેઓ તેમના પથ પર ચાલતા જ જતા હોય છે. પરંતુ આ બંને પ્રકારના લોકોમાં હંમેશાં એક ભય છુપાયેલો હોય છે. જે લોકો સફળ હોય છે તેઓ હંમેશાં આવી સફળતા કાયમી રહેશે કે કેમ તેના વિચારોમાં વ્યસ્ત રહે છે અને આવો ડર તેમને હંમેશાં સતાવતો હોય છે. જ્યારે બીજા પ્રકારના નીરસ લોકો તેઓ ક્યારેક તેમના રૂટિન જીવનથી જ તૂટી પડશે તેવો ભય તેમને સતાવતો હોય છે.
મારા કહેવાનો અર્થ છે કે માણસ સફળ હોય કે નિષ્ફળ તેને હંમેશાં એક છૂપો ડર હંમેશાં સતાવતો હોય છે. બધું જ બરાબર ચાલતું હોય, પરંતુ ક્યારેય મને ‘કંઈક થઈ જશે તો’ તેવો વિચાર હંમેશાં આવતો હોય છે.આવી ક્ષણે એટલું જ વિચારવું કે ‘જિંદગી હંમેશાં રંગોથી ભરપૂર છે. જિંદગી ફક્ત એક જ વાર છે. તેને ભરપૂર માણો અને જીવો’ કારણકે ‘લાઇફ મેં કુછ ભી હો સકતા હૈ.’ હંમેશાં આત્મવિશ્વાસથી જિંદગી જીવતા રહો. આનંદમય રહો. આત્મવિશ્વાસવાળો માણસ કશાની તરફેણમાં કે કશાના વિરોધમાં પોતાનું મન સ્થિર કરતો નથી. તે બસ જિંદગી આનંદથી જીવ્યા જ જાય છે.’
એક નાનકડો પ્રસંગ અહીં કહું.
એક વ્યક્તિ રોજિંદી જીવનની સમસ્યાઓથી થાકી ગયો હતો. એ પોતાના ગુરુ પાસે ગયો. એણે કહ્યું, મારાથી હવે સહન થતું નથી. હું ખૂબ જ કંટાળી ગયો છું, થાકી ગયો છું. મને મદદ કરો.’ ત્યારે ગુરુ અંદરના રૂમમાં લઈ ગયા અને ત્યાં બે ઘડિયાળ પડી હતી એમાંથી એક એના હાથમાં આપી અને કહ્યું, “આ ચાવીથી ચાલતી ઘડિયાળ છે. એને ચાવી આપો તો જ ચાલે.’’
ગુરુએ બીજી ઘડિયાળ આપી અને શિષ્યને કહ્યું : ‘આ પાવરથી ચાલતી ઇલેક્ટ્રોનિક ઘડિયાળ છે. એને ચાવી આપવાની જરૂર નથી. એ ચાલ્યા જ કરશે.’’ પેલા માણસે કહ્યું, ‘’એ તો મને ખબર છે, પરંતુ મારી સમસ્યાનું સમાધાન આમાં ક્યાં છે?’’ ગુરુએ કહ્યું, ભાઈ, તારા જીવનની ઘડિયાળ ચાવીથી જ ચાલે છે. તારી એ જ સમસ્યા છે, તું જિંદગીને માણવાનો અધિકાર ભૂલી ગયો છે. કુદરતે આટલી સરસ જિંદગી આપી છે, પરંતુ તું તારી સમસ્યાઓમાં જ ઘેરાયેલો છે. બસ, તું પેલી પાવરવાળી ઘડિયાળની જેમ તારા જીવનમાં એક નવી આશા અને શક્તિ ભરી દે. જિંદગી સરસ ચાલ્યા જ કરશે અને એની શક્તિ ક્યારેય ઓછી નહીં થાય.’’
કહેવાનું તાત્પર્ય એ છે કે માનવી પોતે જ્યારે નક્કી કરે કે હું સમસ્યાઓની વાત બહુ વિચારીશ નહીં. મારામાં એક મૂળભૂત શક્તિનો સંચાર કરીશ અને હું સદાય હસતો જ રહીશ. ખીલેલાં ફૂલ જેવા, પડતા ધોધ જેવા, ગર્જના કરતાં સિંહ જેવા કે આકાશમાં ઊડતાં પંખી જેવા માણસો તમે જોયા જ હશે. આવા માણસો હંમેશાં પોતાના ઉપર વિશ્વાસ રાખે છે. જિંદગીને સારી રીતે જીવે છે. નકારાત્મક વિચારોથી દૂર રહે છે. અને ‘લાઇફ મેં કુછ ભી હો સકતા હૈ’ તો અભી જી લો જિંદગી ભરપૂર’ આવા સુંદર વિચારોથી મસ્ત હોય છે.
- કેટલીક ટિપ્સ
- 1 જિંદગીને એક બોજ તરીકે ન જુઓ. સમસ્યાઓ દરેકને હોય છે, પરંતુ તમારી પ્રતિક્રિયા આવી સમસ્યાઓ સામે શી હોય છે તે અગત્યનું છે. જો સદાય તમે હસતાં અને આનંદમય રહેશો તો સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે. આ અજમાવી જુઓ.
- 2 તમારી સમસ્યાઓને બહુ મોટું સ્વરૂપ ન આપો. તેને જીવનના એક ભાગરૂપે સ્વીકારો. મહત્ત્વનો મુદ્દો એ છે કે કોઈ તમારી ઉપર હાવી ન થવું જોઈએ. તમે જ તમારા જીવનના શિલ્પકાર છો. બીજું કોઈ નહીં.
- 3 તમે ખુશ હોવ કે દુઃખી એ જિંદગી જીવવાના એક ભાગ રૂપે છે. આથી કોઈના કોઈ પ્રત્યાઘાત કે વાતથી તમારે દુઃખી થવાની જરૂર નથી. તમે તો ફક્ત એટલું જ વિચારો જીવન ફક્ત એક જ વાર ભગવાને આપ્યું છે. મને તે આનંદમય રીતે માણવા દો.