ઓક્સિજન ઓછો થઈ ગયો, ઓક્સિજનની ખૂબ જરૂર છે વગેરે જેવા શબ્દો આપણે હાલ કોરોનાકાળમાં ખૂબ સાંભળ્યા. શરીરમાં શું ફક્ત ફેફસાંને ઓક્સિજનની જરૂર છે? ઘણાં નોન-મેડિકલ અને સામાન્ય વ્યક્તિઓને આ અંગે જાણ જ નથી હોતી. શરીરની દરેક પેશીને તથા લોહીને, સમગ્ર શરીરનાં વિવિધ અંગોને નિયમિત અને વ્યવસ્થિત કાર્ય કરવા માટે ઓક્સિજનની જરૂર રહે છે. જ્યારે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે ત્યારે એને હાયપોક્સેમિયા કહેવાય છે અને જ્યારે આ હાયપોક્સેમિયાને લીધે શરીરની વિવિધ પેશીઓને પૂરતો ઓક્સિજન ન મળતા જે પરિસ્થિતિ સર્જાય છે એને હાયપોક્સિયા કહેવાય છે. આવી પરિસ્થિતિમાં શરીરનાં વિવિધ અંગો જેવાં કે મગજ, હૃદય, કિડની વગેરે પોતાનું સામાન્ય કાર્ય ન કરી શકતા એને કાયમી નુકસાન પહોંચવાનો ભય રહે છે તથા મૃત્યુ પણ નીપજી શકે છે. સંપૂર્ણ ઑક્સિજન ન મળે એ સ્થિતિ એનોરેક્સિયા તરીકે ઓળખાય છે.
કેવી રીતે જાણીશું છે કે ઓક્સિજન ઘટયો છે? શું ચિહ્નો હોઈ શકે? પલ્સ ઓક્સિમીટરથી આપણે સૌ અજાણ નથી. આમાં ૯૦થી નીચે ઓક્સિજનનું પ્રમાણ રેડ એલર્ટ છે. હવે સામાન્ય રીતે રોજિંદા જીવનમાં તો આપણે કંઈ આખો દિવસ આ ચેક કરતા નથી એ સંજોગોમાં શરીરમાં શું ફેરફાર આવે કે ચિહ્નો જણાય છે જેથી ચેતવું જરૂરી છે? ચામડીનો રંગ ખાસ કરીને હાથ અને પગના ભાગમાં બદલાવો જે વાદળી કે ભૂરાશ પડતા રંગથી લઈને ચેરી લાલ થઈ શકે. ભૂરાશ પડતો રંગ બદલાવો તેને મેડિકલ ભાષામાં સાયનોસિસ કહેવાય છે. ક્યારેક ખૂબ ઠંડા તાપમાનમાં પણ આવું થઈ શકે અને એવા સંજોગોમાં હૂંફાળા પાણીમાં હાથ તથા પગ બોળતા જો સામાન્ય થઈ જાય તો બરાબર નહીં તો એ બેશક હાઇપોક્સિયાનો સંકેત હોઈ શકે. સાયનોસિસ ઉપરાંત ખૂબ જ કફ થવો, કન્ફ્યુઝન થવું, ધબકારા વધી જવા, ખૂબ જ ફટાફટ શ્વાસોચ્છવાસ થવો, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો, માથાનો દુખાવો વગેરે ચિહ્નો હોઈ શકે.
કયાં કારણો જવાબદાર હોઈ શકે? હૃદયની બીમારીઓ, ફેફસાંની બીમારીઓ જેમ કે અસ્થમા, બ્રોન્કાઇટિસ, એમ્ફિસેમા વગેરે, ઊંચાઈવાળા સ્થળો પર જવું જ્યાં ઓક્સિજનનું પ્રમાણ હવામાં ઓછું હોય, સ્લીપ એપ્નિયા, દુખાવાની ભારે દવાઓ જે તમારી સામાન્ય શ્વસનક્રિયા ધીમી કરે, એનિમિયા, સાઇનાઇડ પોઈઝનિંગ વગેરે.
જોખમો શું છે? ટૂંકા ગાળાના જોખમમાં મૃત્યુ! જો ત્વરિત સારવાર ન મળે તો મોત તરફ લઈ જઈ શકે. લાંબા ગાળાના કિસ્સામાં હૃદય અને મગજને મોટું નુકસાન પહોંચાડી શકે.
નિદાન કઇ રીતે થાય છે? પ્રાથમિક સ્તરે પલ્સ ઓક્સિમીટર દ્વારા અને ત્યાર બાદ એબીજી ટેસ્ટ દ્વારા તથા અન્ય બ્રિધિંગ ટેસ્ટ દ્વારા.
પ્રિવેન્શન શું છે? કઈ રીતે રોકી શકાય? સામાન્ય નાગરિક માટે જરૂરી જ્ઞાન એ જ છે કે આમ ન થાય એ માટે શું કાળજી લઈ શકે. સો, ટુ ધી પોઇન્ટ, સામાન્ય કસરતો કરો, અસ્થમા હોય તો એના ટ્રિગરિંગ પરિબળો જાણીને એને ટાળો તથા નિયમિત દવા લો, ઊંડા શ્વાસોચ્છવાસની કસરત કરો, ખૂબ પાણી પીઓ, ધૂમ્રપાન છોડો તથા સમતોલ આહાર લો.
આ વાદળી/ભૂરાશ પડતો રંગ એટલે વાદળી/ભૂરું લોહી?
ના. બિલકુલ નહીં. જ્યારે તમારા લોહીમાં ઓક્સિજન ભળેલો હોય છે ત્યારે લાલ રંગનું લોહી તેજસ્વી લાલ એટલે કે Bright Red હોય છે પરંતુ જ્યારે એમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે ત્યારે લોહી ઘાટો લાલ એટલે કે Dark Red હોય છે અને આ લોહીને જ્યારે આપણી ચામડી/ત્વચાની બહારથી આપણે જોઈએ ત્યારે એના ઉપર પડતા પ્રકાશના રિફ્લેક્શનને કારણે એ વાદળી કે ભૂરા રંગનું દેખાય છે
-:: ઇત્તેફાક્ ::- જે તમારી પ્રગતિ કે વિકાસમાં મદદરૂપ નથી તેઓના અભિપ્રાયથી તમને કોઈ જ ફર્ક ન પડવો જોઈએ.