સંજોગો અનુકૂળ હોય, બધી જ સુવિધાઓ મળતી હોય, કોઇ પણ અવરોધ ન હોય ત્યારે તો સહુ કોઇ વિકાસ કરે. પરંતુ એમાં માનવીની મહત્તા નથી. ગર્ભશ્રીમંત વ્યકિત કે બાળકોનું આર્થિક અને સામાજિક વાતાવરણ ઘણું જ અનુકૂળ હોય ત્યારે વિકાસોન્મુખ બને. પણ આ પ્રગતિને બહુજન સમાજ આદરપાત્ર ગણતો નથી. પરંતુ સંજોગો પ્રતિકૂળ હોય, મુસીબતોનો પાર ન હોય અને જન્મથી નિર્ધનતાને વરેલું બાળક સંજોગોને પડકારી આત્મશ્રધ્ધાથી વિકાસ પામે ત્યારે તે સહુનો આદર પ્રાપ્ત કરી શકે છે. બુધ્ધ, મહાવીર, ઇશુ, ગાંધી, પયગંબર, લિંકન જ એની જ નીપજ છે. આજનું બાળક એક પરીક્ષામાં નપાસ થાય ને જાણે જિંદગી હારી જાય છે, પરંતુ ભૌતિકવાદ પાછળ દોડતી દુનિયામાં આજનું શિક્ષણ જ ખરેખર ખામીવાળું છે. વા આવે ને વળી જાય, ને ખાડો જોઇ ખસી જાય આવું જનરેશનની આંખમાં સપનાંનો ભારોભાર અભાવ છે. સિત્તેર વર્ષ પછી તો કમસેકમ શિક્ષણના માળખામાં ફેરફાર થાય એ હાલની આવશ્યક અનિવાર્યતા છે!
બામણિયા – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.