Editorial

અફઘાનિસ્તાનને બેલ્ટ એન્ડ રોડ પ્રોજેકટમાં જોડવાની ચીનની હિલચાલ: ભારતે સાવધ રહેવું પડશે

ચીન છેલ્લા કેટલાક સમયથી એક વૈશ્વિક મહાસત્તા બનવા અને અમેરિકાથી આગળ નીકળી જવા ધમપછાડા કરી રહ્યું છે તે હવે જાણીતી હકીકત છે. પોતાની આ મહત્વાકાંક્ષાને સંતોષવા તેણે જાત જાતની વ્યુહરચનાઓ અપનાવી  છે જેમાં આક્રમક વિસ્તારવાદી નીતિઓ, ગરીબ રાષ્ટ્રોને આર્થિક સહાયની નીતિ અને સહિયારા માળખાગત વિકાસના નામે શરૂ કરવામાં આવેલી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ જેવા પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ  તરીકે જાણીતા ચીનના પ્રોજેકટમાં અનેક દેશો જોડાયા છે જેમાં એક આખા ઇકોનોમિક બેલ્ટની રચના સાથે માલ પરિવહનની સરળતા માટેનો સહિયારો માર્ગ આ દેશો વચ્ચે બાંધવાની ચીનની યોજના છે. અફઘાનિસ્તાનને પણ  આ યોજનામાં શામેલ કરવા ચીન લાંબા સમયથી આતુર હતું, પણ અમેરિકાની અને નાટો દળોની અફઘાનિસ્તાનમાં હાજરીના કારણે તેને બહુ ફાવટ આવતી ન હતી. હવે અમેરિકાની આગેવાની હેઠળના નાટોના દળો  અફઘાનિસ્તાનમાંથી ખસવા માંડ્યા છે ત્યારે ચીનને ફાવતું મળી ગયું છે અને તેને અફઘાનિસ્તાનને પણ આ યોજનામાં શામેલ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

અમેરિકી પ્રમુખ જો બાઇડને નિર્ધારિત સમય કરતા પણ પહેલા અમેરિકી લશ્કરને અફઘાનિસ્તાનમાંથી પાછુ ખેંચવા માંડ્યુ છે અને  તે સાથે ચીને હવે આ દેશમાં ખાલી પડેલી જગ્યા પૂરવાની તૈયારી કરવા માંડી છે અને તેને પણ  પોતાના બેલ્ટ એન્ડ રોડ કાર્યક્રમમાં શામેલ કરવા માટે હિલચાલ શરૂ કરી છે. ચીન ૬૨ અબજ ડોલરના રોકાણ સાથે અફઘાનિસ્તાનને બેલ્ટ એન્ડ રોડ યોજનામાં જોડવા માગે છે. આ યોજના હેઠળ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં  માળખુ બંધાઇ ગયું છે અને તેના મારફતે ચીન હવે અફઘાનિસ્તાન સાથે માર્ગ કોરિડોર બનાવવા માગે છે.

જો તેને આમાં સફળતા મળશે તો તેને વ્યુહાત્મક રીતે ઘણા મહત્વના વિસ્તારમાં પગદંડો જમાવવામાં સફળતા મળી શકે  છે. અફઘાનિસ્તાન ચીનને માટે મધ્ય પૂર્વના દેશો, મધ્ય એશિયા અને યુરોપના દેશો સાથે વેપાર કરવા માટે એક સન્ટ્રલ હબની ગરજ સારી શકે છે. ચીન જો કે અફઘાનિસ્તાનને પોતાની યોજનામાં શામેલ કરવા માગે છે પણ ત્યાં  તાલીબાન એક મહત્વનું પરિબળ છે. આમ પણ અમેરિકા અને તેની આગેવાની હેઠળના નાટો સંગઠનના દળો અફઘાનિસ્તાનમાં પૂરા સક્રિય હતા ત્યારે પણ અફઘાનિસ્તાનના કેટલાક, ખાસ કરીને દક્ષિણના વિસ્તારો પર તો  તાલીબાનનો જ કબજો હતો. આ તાલીબાનો અફઘાન સરકારને તો બિલકુલ ગાંઠતા જ નથી અને એકલે હાથે તાલીબાન સંગઠન સાથે ટક્કર લેવાનું વર્તમાન અફઘાન સરકાર અને તેના લશ્કરનું ગજું પણ નથી.

આવા સંજોગોમાં  અમેરિકાની વિદાય પછી અફઘાનિસ્તાનની સરકારને પણ એવા દેશની સહાયની જરૂર છે જે સંસાધનો ધરાવતો હોય અને લશ્કરી ટેકો પણ આપી શકે અને એકાદ વર્ષથી બેલ્ટ એન્ડ રોડ અંગે વાતચીત ચાલુ થઇ ગઇ હતી એમ  એક સૂત્રએ જણાવ્યું હતું. ચાલાક ચીન તાલીબાનો સાથે લડીને પોતાના હાથ દઝાડવા તૈયાર  નહીં થાય. બેલ્ટ એન્ડ રોડ પ્રોજેકટના રક્ષણની જવાબદારી ચીન અફઘાન સરકાર પર જ ઢોળી દેશે તેવી શક્યતા જ વધારે જણાય છે. પરંતુ અફઘાન સરકાર અને તેના દળો તાલીબાનો સામે આ પ્રોજેક્ટને કેટલું રક્ષણ આપી  શકે તે એક પ્રશ્ન છે.

જો કે તાલીબાને હજી સુધી આ સંભવિત પ્રોજેક્ટ સામે વિરોધનો કોઇ સૂર કાઢ્યો નથી અને આમ પણ કેટલાક સમયથી તાલીબાનો વધુ મુત્સદ્દીભરી રીતે વર્તી રહ્યા હોય તેમ જણાય છે, તેઓ બહુ ઉગ્રપંથી  સૂરો હવે કાઢતા નથી અને આધુનિકતા વિરોધી સૂરો પણ બહુ કાઢતા નથી, તે જોઇને કદાચ ચીને આ પ્રોજેકટમાં આગળ વધવાનું નક્કી કર્યું હોય, અંદરખાનેથી તેણે તાલીબાન સાથે મંત્રણાઓની ગતિવિધિ હાથ ધરી પણ હોય.  જો કે આ તાલીબાન એક આગાહી નહીં કરી શકાય તેવું પરિબળ છે અને ગમે ત્યારે પોતાનું વર્તન બદલી પણ શકે છે.

ચીન જો સફળતાપૂર્વક અફઘાનિસ્તાનમાં રોડ એન્ડ બેલ્ટ પ્રોજેકટ શરૂ કરી શકે તો ભારત માટે તો તે ચિંતાજનક બાબત જ હશે. અફઘાનિસ્તાનમાં ભારતના પણ હિતો છે અને ભારતની પણ કેટલીક સરકારી યોજનાઓ  અફઘાનિસ્તાનની સરકાર સાથેના સહકારમાં કાર્યરત છે. ચીન ભારતના હિતોને હાની પહોંચાડી શકે છે. ભારત આમ પણ પીઓકેમાંથી પસાર થતી સીપીઇસી કોરીડોરનો વિરોધ કરે છે અને તેને કારણે જ તે બેલ્ટ એન્ડ રોડ  પ્રોજેક્ટમાં જોડાયું નથી. ચીન આનો ખાર રાખીને અફઘાનિસ્તાનમાં ભારતીય હિતોને નુકસાન પહોંચાડવા તાલીબાનોને ભડકાવવા સુધી પણ જઇ શકે છે, આથી ભારતે સાવધ રહેવું પડશે. જો કે હાલ તો ચીન અફઘાનિસ્તાનમાં આ  બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ શરૂ કરવામાં કેટલું સફળ રહે તે જ જોવાનું રહે છે.

Most Popular

To Top