અંકલેશ્વર: ભરૂચ જિલ્લા (Bharuch district) અને જિલ્લાની બહારના વિસ્તારોમાં હત્યારા (Murderer) બેફામ બન્યા છે. હત્યારાઓને જાણે પોલીસ (Police)નો કોઈ ખોફ જ રહ્યો નથી તેવું જણાઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે (Ankleshvar high way) નજીક આવેલા એક ગામના ખુલ્લા ખેતરમાં કોઈ અજાણ્યા ઇસમના શરીરના ટુકડે ટુકડા (Body parts) કરીને તેને એક થેલીમાં બાંધેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. ગામવાસીના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યો ઈસમ એક રિક્ષામાં આવીને પ્લાસ્ટિકની થેલીને રિક્ષાથી જ ખેતરના ઝાડી ઝાંખરમાં નાંખીને નાસી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો.
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં હત્યાઓ આમ બની ગઈ છે. જો કે, મંગળવારે 2 ટ્રાવેલ બેગમાંથી મળી આવેલા કાપેલા હાથ અને પગને લઈ ઝનૂની હત્યારાએ હત્યાને અંજામ આપ્યા બાદ પુરાવાનો નાશ કરવા આ શાતીર ખેલ ખેલ્યો હોવાનું મનાઈ રહ્યું છે. હત્યાનો સૌથી ચોંકાવનારો અને ઘાતકી કિસ્સો અંકલેશ્વરના અમરતપુરાના પાટિયા પાસેથી બહાર આવ્યો છે. મંગળવારે સ્થાનિક ગ્રામજનોને એર સ્ટ્રીપ જવાના માર્ગ ઉપર રસ્તાની બંને બાજુ નાળા પાસે અલગ અલગ દિશામાં લાલ અને ભૂરા રંગની 2 ટ્રાવેલ બેગ બિનવારસી હાલતમાં નજરે પડી હતી. ગ્રામજનોને કંઈક સંદિગ્ધ લાગતાં અંકલેશ્વર પોલીસને જાણ કરાતાં પોલીસના ધાડેધાડા ઊતરી આવ્યા હતા.
બેગ નજીક પોલીસે જઇ બેગ ખોલતા જ તેમાં પુરુષનાં કપડાં હતાં. જે નીચે રહેલી ભૂરા રંગની થેલી બહાર કાઢી ખોલતાં જ તેમાં માનવીના કાપેલા હાથ-પગ મળી આવતાં પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી. બીજી બેગ ખોલતાં તેમાંથી પણ કાપેલા હાથ-પગ મળી આવ્યા હતા. કપાયેલા બે હાથ ઉપર ઘડિયાળ અને કડાને લઇ લાશ પુરુષની હોવાનું ખૂલ્યું હતું. અત્યંત ઘાતકી રીતે યુવાનની હત્યા કર્યા બાદ તેની ઓળખવિધિ ન થાય તેમજ પુરાવાનો નાશ કરવા હત્યારાઓએ ભોગ બનનાર મૃતકની હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરી દીધા હતા. હાથ-પગ તો 2 બેગમાંથી મળી આવ્યા છે, પણ મૃતકનું ધડ, માથું હજી મળ્યું નહીં હોવાથી યુવાનની ઓળખ કરવી હાલ તો પોલીસ માટે પડકાર છે.
પોલીસે બંને બેગ અને તેમાંથી મળેલા માનવ હાથ–પગનો કબજો લઇ વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આસપાસ અને જિલ્લામાં તાજેતરમાં કોઈ યુવાન ગુમ થયો છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. આ મૃતકના માથું અને ધડ શોધવા પણ ટીમો કાર્યરત કરી દેવાઈ છે.