પીએમ નરેન્દ્ર મોદીની નજીકમાં મનાતા એવા નવસારીના ભાજપના પીઢ નેતા મંગુભાઈ પટેલને હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો આનંદીબેન પટેલ પાસે હતો. બીજી તરફ આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રિય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવનાર છે ત્યારે ગુજરાતના એક સાંસદને સ્થાન મળે તેવી સંભાવના છે. જેમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ, ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ (રાજસ્થાન) અને અમદાવાદના કિરીટ સોલંકીનો સમાવેશ થાય તેવી સંભાવના છે. નવસારીના કુમુદ જોશી પછી ગવર્નર બનનાર મંગુભાઈ પટેલ બીજા રાજકારણી છે.
આજે રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરાયેલી જાહેરત બાદ મંગુભાઈ પટેલે કહ્યું હતું કે મને ખૂબ મોટી જવાબદારી આપવામાં આવી છે, હું ઈશ્વરને પ્રાર્થના કરૂ છું કે મને આ જવાબદારી નિભાવવાની શકિત્ત આપે. મંગુભાઈ પટેલ છ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાતં કેશુબાપા, નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલની સરકારમાં સતત 10 વર્ષ સુધી તેઓ મંત્રી પદે પણ રહી ચૂકયા છે. એક મજબૂત આદિવાસી નેતા તરીકે જાણીતા મંગુભાઈ પટેલે પોતાની રાજકિય કારકિર્દીની શરૂઆત નવસારી નગરપાલિકના સભ્ય તરીકે કરી હતી.
તે પછી 1990થી 2017 એટલે કે છ ટર્મ સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે 10 વર્ષ સુધી તેઓ કેબિનેટમાં પણ રહ્યા હતા. જેમાં તેમણે વન અને પર્યાવરણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કેશુબાપાના સરકારમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે નરેન્દ્ર મોદીની સરકારમાં પણ વન પર્યાવરણ મંત્રી, આંનંદીબેન પટેલની સરકારમાં પણ કેબીનેટ મંત્રી તરીકે રહ્યા છે.
તે ઉપરાંત તેમને વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવાયા હતા. 2016માં વિજય રૂપાણી સીએમ બન્યા તે વખતે તેમને પડતાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે ઉમરના કારણોસર તેમને ટિકીટ આપવામાં આવી નહોતી. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની ટર્મ પૂરી થતાં તેઓ હવે ગુજરાતના રાજકારણમાં પરત ફરી રહ્યા છે.નવસારી જિલ્લાના બીજા નેતા રાજ્યપાલ બન્યામંગુભાઇ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા એ પહેલાં ગણદેવી તાલુકાના ધનોરી ગામના કુમુદબેન જોષી આંધ્રપ્રદેશના રાજ્યપાલ બન્યા હતા.