ભરૂચ: (Bharuch) સુરતના કાપડના વેપારીને (Textile Trader) સસ્તામાં ડોલર આપવા કામરેજ બોલાવી ત્યાંથી કારમાં અપહરણ (Kidnapping) કરી ભરૂચના સ્વામિનારાણય મંદિરે લઈ જઈ રૂા.1.71 લાખ લૂંટી (Loot) નિર્જન સ્થળે છોડી નાસી ગયેલી ટોળકીને ભરૂચ સી ડિવિઝન પોલીસે વિશ્વાસ પ્રોજેકટ હેઠળ લગાવેલા CCTV અને પોકેટ કોપની મદદથી આણંદ પાસેથી પકડી પાડી રોકડ સહિત રૂા.6.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
- ઓછા ભાવે ડોલર આપવાની લાલચ આપી કામરેજ બોલાવી કારમાં ભરૂચ ઉઠાવી ગયા હતા
- કારમાંથી ધક્કો મારી નિર્જન સ્થળે ઉતારી ભેજબાજો વડોદરા તરફ કાર હંકારી ફરાર થઈ ગયા હતા
- વિશ્વાસ પ્રોજેકટ હેઠળ લગાવેલા CCTV અને પોકેટ કોપની મદદથી ભરૂચ C ડિવિઝન પોલીસે ટોળકીને ઝડપી પાડી રૂા.6.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સુરતના લંબે હનુમાન રોડ મોતીનગર સોસાયટીમાં રહેતા મૂળ મહુવાના રેડીમેડ કપડાના હોલસેલના વેપારી ઉમેશ ભવાનભાઇ કલસરીયા (આહીર)ને તેઓના સંબંધીએ સુરતના વિનુભાઈનો સંપર્ક કરાવ્યો હતો. વિનુભાઈએ વેપારીને સસ્તા ભાવે અમેરિકન ડોલર આપવાનું કહી કામરેજ બોલાવી કારમાં બેસાડી ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર લાવ્યા હતા. જ્યાં વેપારી પાસેથી રોકડા 1.71 લાખ પડાવી લઈ ડોલર નહિ આપી કારમાંથી ધક્કો મારી નિર્જન સ્થળે ઉતારી ભેજબાજો વડોદરા તરફ કાર હંકારી ફરાર થઈ ગયા હતા.
સુરતના વેપારીએ ભરૂચ સી ડિવિઝનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલીક ગુનો ડીટેકટ કરવા આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ હતી. ને.હા.-48 પર ઝાડેશ્વર ચોકડી ખાતે લગાડેલા ‘વિશ્વાસ પ્રોજેકટ’ના સીસીટીવીની મદદથી હ્યુંડાઈ i20 કારનો નંબર મેળવી પોકેટ–કોપ મોબાઈલમાં સર્ચ કરતા આરોપીઓનું લોકેશન આણંદ નજીક ટ્રેસ થયું હતું. ટેક્નિકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસ દ્વારા આરોપીઓના લોકેશન અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની હકીકત જાણવા મળતા આણંદ પોલીસની મદદ મેળવી 4 આરોપીને હ્યુંડાઈ કાર તથા સુરત વેપારીના રોકડા રૂા.1.71 લાખ સાથે પકડી લીધા હતા. ગુનામાં વપરાયેલી કાર, 5 મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ રૂા. 6.88 લાખના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
કોણ કોણ પકડાયું
(1) વિનુભાઈ ઉર્ફે હિમંતભાઈ ભવાનભાઈ ગોહીલ (રહે.શોખવા ગામ તા.મહુવા) (2) વાલજીભાઈ ધનાભાઈ મકવાણા (રહે. પાળીયાદ ગામ, ચામુડા નગર, બોટાદ) (3) હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ રાજુભાઈ મકવાણા (રહે. અમરાપર ગામ, ટંકારા, મોરબી) અને (4) અખ્તર કરીમભાઈ રતનીયા (રહે. નવા અમરાપર, મોરબી)