લુણાવાડા : થોર કુળના કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત છેક કચ્છથી લઈને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સાહસિક ખેડૂતોએ નવા ખેત સાહસ રૂપે કરી છે. રાજ્યના બાગાયત વિભાગે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ આ પૌષ્ટિક ફળની ખેતી કરનારા કૃષિ સાહસિકોને યોજનાના નિર્ધારિત માપદંડો પ્રમાણે સહાય આપવાનું શરૂ કર્યું છે. કમલમ ફળનો વાવેતર વિસ્તાર વધારવાના હેતુસર સહાયની યોજનામાં આ ફળનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પગલે બાલાસિનોર અને વિરપુર તાલુકાના ખેડૂતો આગળ આવ્યા છે અને તેઓએ કમલમ્ ફળનું વાવેતર કર્યું છે.
મહિસાગર જિલ્લામાં અત્યાર સુધી બાગાયત ખાતાની સહાય યોજનાઓમાં નવા પાકનો સમાવેશ થતો ન હતો. જોકે, ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે સિમેન્ટના થાંભલાનું માળખું બનાવવું પડે છે. એટલે શરૂઆતનો ખર્ચ મોટો અને વાવેતરના લગભગ ત્રણ વર્ષે પાક મળતો થાય, તેથી મોટા ખેડૂતોને આ ખેતી પોસાય તેમ છે. પરંતુ સહાયની યોજનાને લીધે આર્થિક ભારણમાં મદદ મળતાં નાના અને મધ્યમ ખેડૂતો આ ખેતી કરી શકશે.
બાગાયત નિયમાકે જણાવ્યું હતું કે, યોજનાઓ શક્ય તેટલી સરળ રાખવાથી ખેડૂતો સારી રીતે લાભ લઈ શકે છે. આ ફળપાકની ખેતી માટે સહાયની યોજના શરૂ કર્યાનુ આ પહેલું વર્ષ છે. જિલ્લાના વિરપુર અને બાલાસિનોર તાલુકાઓના સાહસિક ખેડૂતોએ નવીન ડ્રેગન ફ્રૂટની ખેતીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમને બાગાયત કચેરી દ્વારા ખેડૂતોને તેની જાણકારી આપવામાં આવી રહી છે.
આ અંગે મહીસાગર જિલ્લા ખાતેની નાયબ બાગાયત નિયામક કચેરીના નાયબ બાગાયત નિયામકે જણાવ્યું કે, હાલમાં આ ફળપાક માટે વાવેતર કરનારા ખેડૂતોને સહાય આપવાના ધારાધોરણો ઘડવામાં આવ્યાં છે. તે પ્રમાણે ડ્રેગન ફ્રૂટની મહત્તમ બે હેક્ટરની ખેતી માટે સહાય મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર રૂ.૨.૫૦ લાખ નિર્ધારિત ખર્ચ એકમના ૫૦ ટકા પ્રમાણે આ ફળની ખેતી માટે સહાય મળી શકે છે.
એટલે કે મહત્તમ એક હેક્ટરમાં વાવેતર હોય તો રૂ.૧.૨૫ લાખની સહાય યોજના હેઠળ મળે. મહત્તમ બે હેક્ટરમાં વાવેતર માટે આ સહાય મળી શકે. હાલમાં ડ્રેગન ફ્રૂટ ની બાગાયત ખેતી કરવા ઇચ્છતા ખેડૂતો આ https://ikhedut. gujarat.gov.in પોર્ટલ પર ૩૧મી ઓગસ્ટ-૨૦૨૧ સુધી અરજીઓ કરી શકાશે. આથી, ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરવા ઇચ્છતા સાહસિક ખેડૂતોએ જિલ્લા ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.