આગામી 23 જુલાઇથી શરૂ થઇ રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના અંદાજે 100થી વધુ એથ્લેટ ભાગ લેવાના છે ત્યારે રમતોના આ મહાકુંભમાં ભારતનો કોઇ એથ્લેટ દેશ માટે મેડલ જીતી લાવે તેવી જે આશા સેવવામાં આવી રહી છે તે પુરી થશે કે કેમ તે બાબતે કોઇ ચોક્કસ કંઇ કહી શકતું નથી. 1900થી લઇને 2016 સુધીમાં ઓલિમ્પિક્સ એથ્લેટિક્સમાં 119 પુરૂષ અને 53 મહિલા એથ્લેટોએ ભાગ લીધો અને મિલ્ખા સિંહથી લઇને પી ટી ઉષા સુધીનાઓએ પોતાનાથી બનતા પ્રયત્નો કરી જોયા પણ રમતોના આ મહાકુંભમાં ભારતીય એથ્લેટ્સનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ચોથું સ્થાન જ રહ્યું છે, ત્યારે આ વર્ષે એ સ્થાનમાં સુધારો થવાની આશા સેવવમાં આવી રહી છે અને બીજુ કંઇ નહીં તો ભારતનો એકાદ એથ્લેટ કોઇ પણ એક મેડલ જીતી લાવે તો તે દેશ માટે ઘણી મોટી વાત ગણાશે.
ભારતે રમતોના મહાકુંભમાં અત્યાર સુધીમાં કુલ 172 એથ્લેટ્સને ઉતાર્યા છે, તેમાં જે બે મેડલ નોંધાયેલા છે તે કોઇ ભારતીયે નહીં પણ બ્રિટીશ મૂળના ખેલાડી નોર્મન પ્રિચાર્ડે જીત્યા છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીના મેડલ લિસ્ટમાં એથ્લેટિક્સમાં ભારતના નામે જે બે સિલ્વર મેડલ બતાવાયા છે તે પેરિસ ઓલિમ્પિક્સ 1990માં એંગ્લો ઇન્ડિયન એથ્લેટ નોર્મન પ્રિચાર્ડે 200 મીટરની દોડ અને 200 મીટરની વિઘ્ન દોડમાં જીત્યા હતા. પ્રિચાર્ડ હકીકતમાં ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રિતિનિધિત્વ કરનારો પ્રથમ એથ્લેટ હતો. વર્લ્ડ એથ્લેટિક્સે જો કે 2005માં તેના મેડલ ગ્રેટ બ્રિટનના ખાતામાં મુકી દીધા હતા પણ આઇઓસી આજે પણ તેને ભારતીય એથ્લેટ જ ગણે છે. આ રીતે જોઇએ તો હજુ સુધી કોઇ ભારતીય એથ્લેટ ઓલિમ્પિક્સના એથ્લેટિક્સ પોડિયમ પર ચઢી શક્યો નથી.
ઓલિમ્પિક ગેમ્સ એથ્લેટિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા મૂળ ભારતીયોમાં સ્પ્રિન્ટર પૂરમા બેનર્જી, લાંબા અંતરના દોડવીર પાદેપા ચૌગલે અને સદાશિવ દાતાર હતા, જેમણે એન્ટવર્પ ઓલિમ્પિક ગેમ્સ 1920માં ભાગ લીધો હતો. નીલિમા ઘોષ અને મેરી ડિસોઝા ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા એથ્લેટ હતી. જેમણે 1952ના હેલસિંકી ઓલિમ્પિક ગેમ્સમાં 100 મીટરની દોડમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત નીલિમા ઘોષે 80 મીટરની વિઘ્ન દોડમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1900થી લઇને 2016 સુધીના ઓલિમ્પક્સમાં ભારત વતી એથ્લેટિક્સમાં 119 પુરૂષ અને 53 મહિલા એથ્લેટ્સે ભાગ લીધો છે પણ આ ગેમ્સમાં કોઇ ભારતીય એથ્લેટ્સ પોડિયમ સુધી પહોંચી શક્યો નથી.
તાજેતરમાં જ કોરોનાના કારણે અવસાન પામેલા ફ્લાઇંગ શિખનું ઉપનામ ધરાવતા મિલ્ખા સિંહ 1960ના રોમ ઓલિમ્પિક્સમાં 400 મીટરની રેસમાં સૌથી આગળ હોવા છતાં અંતિમ સમયે ચોથા સ્થાને રહ્યા હતા. મિલ્ખા સિંહની ખ્વાઇશ રહી હતી કે ભારતનો કોઇ એથ્લેટ રમતોના મહાકુંભમાં એકાદ મેડલ જીતી લાવે. જો કે તેમની એ ખ્વાઇશ અધૂરી જ રહી અને પોતાની આ અધૂરી ઇચ્છા સાથે તેમણે દુનિયામાંથી વિદાય લીધી. મિલ્ખા સિંહ ઉપરાંત દેશની મહિલા સ્પ્રિન્ટર પી ટી ઉષા પણ 1984ના લોસ એન્જેલસ ઓલિમ્પિક્સમાં મેડલની અત્યંત નજીક પહોંચી ગઇ હતી. જો કે મહિલાઓની 400 મીટરની એ વિઘ્ન દોડમાં અંતે તે ચોથા સ્થાને જ રહી ગઇ હતી અને ઓલિમ્પિક્સ પોડિયમ પર ચઢવાની તેની આશા પણ અધૂરી જ રહી ગઇ હતી.
ટોક્યોમાં 23 જુલાઇથી શરૂ થઇ રહેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે 12 એથ્લેટ્સે વ્યક્તિગત સ્પર્ધા અને મિક્ષ્ડ રિલે ટીમે ક્વોલિફાઇ કર્યું છે. તેમાંથી એકમાત્ર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાને જ મેડલનો દાવેદાર ગણવામાં આવે છે. જો કે તેણે પણ પોતાના 88.06 મીટરના પ્રદર્શનમાં ઘણો સુધારો લાવવો પડશે. છેલ્લા એક વર્ષ દરમિયાન તેણે ઘણી ઓછી ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં બાગ લીધો હોવાથી તેની અસર તેના પ્રદર્શન પર પડી શકે છે. ભારતની મિક્ષ્ડ રિલે ટીમ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2019માં ત્રીજા સ્થાને રહી હતી.
ભારત વતી ટોક્યો ઓલિમ્પિક્સમાં કેટી ઇરફાન, સંદીપ કુમાર અને રાહુલ રોહિલ્લા 20 કિમીની વોકિંગમાં, અવિનાશ સાબલે પુરૂષોની 3000 મીટર સ્ટીપલચેઝમાં, મુરલી શ્રીશંકર પુરૂષોના લોન્ગ જમ્પમાં, નીરજ ચોપરા અને શિવપાલ સિંહ ભાલા ફેંકમાં, તેજીન્દર પાલ સિંહ તૂર ગોળા ફેંકમાં, કમલપ્રીત કૌર અને સીમા પુનિયા મહિલા ડિસ્ક થ્રોમાં, ભાવના જાટ અને પ્રિયંકા ગોસ્વામી મહિલાઓની 20 કિમી વોકિંગમાં તેમજ 4×400 મિક્ષ્ડ રિલે ટીમમાં પ્રતિનિધિત્વ કરશે ત્યારે તેમાંથી કોણ મેડલ જીતી લાવે તેના પર બધાની નજર રહેશે.