શું વિદ્યા બાલનની ‘શેરની’ ખરેખર નાની ફિલ્મ છે? ‘શેરની’ ને થિયેટરોને બદલે OTT પર રજૂ કરવામાં આવી હતી પરંતુ કમાલ આર. ખાન સિવાયના તમામ સમીક્ષકોએ તેની સમીક્ષા કરી છે એટલે આ પ્રશ્નના જવાબમાં એમ કહી શકાય કે તેને મહત્ત્વની ફિલ્મ જરૂર ગણવામાં આવી છે. આમ પણ તેમાં વિદ્યાની મુખ્ય ભૂમિકા અને ‘ન્યૂટન’ ના નિર્દેશક અમિત મસુરકરનું નિર્દેશન હોવાથી નાની ફિલ્મ ગણી શકાય એમ નથી. ફિલ્મ સાદગીથી ભરપૂર છે અને વાસ્તવિક્તાની નજીક છે. એ જ તેની USP છે. OTT પર ચીસાચીસ અને ગાળાગાળી હોય એવી ફિલ્મો સામે ‘શેરની’ અલગ તરી આવે છે. ફિલ્મમાં ગામ પણ અસલ જ બતાવાયું છે. મસાલા ફિલ્મોના દર્શકોને ‘શેરની’ નિરાશ કરે એવી છે. એમાં રોમાંચ કે ડ્રામા ન હોવાથી એ ફિલ્મ હોય એવો અનુભવ આપતી નથી.
ટ્રેલર રજૂ થયું ત્યારે જ ટીકા થઇ હતી કે વાઘણનું એક પણ દ્રશ્ય બતાવવામાં આવ્યું ન હોવાથી પ્રભાવિત કરતું નથી. ‘શેરની’ નામ પરથી એક દહાડતી મહિલા વન અધિકારીની વાર્તા હોવાની આશા રાખનારા નિરાશ થશે. નામને સાર્થક કરવા વિદ્યાની ભૂમિકા વધુ દમદાર હોવી જરૂરી હતી. વિદ્યા નબળી વાર્તાનો શિકાર થઇ ગઇ છે એ માનવું પડશે. ફિલ્મમાં જંગલનાં પ્રાણીઓ પર રાજકારણ અને પર્યાવરણની સાથે રમત જેવા ઘણા મુદ્દા પર વાત કરવામાં આવી છે.
નિર્દેશકે જંગલની વાર્તાને રોમાંચક બનાવવા વધારે મહેનત કરવાની જરૂર હતી. ફિલ્મની સ્ક્રીપ્ટ વધુ ચુસ્ત હોત તો હજુ સારું રેટિંગ મળી શક્યું હોત. વિદ્યાએ મહિલાપ્રધાન ફિલ્મ હોવાથી જ કામ કર્યું છે અને તેણે પોતાની ભૂમિકાને બહુ જ શાંતિથી ન્યાય આપ્યો છે. તેના ચહેરા પર હંમેશાં વાઘણને બચાવવાની ચિંતા જોવા મળે છે. સંવાદો ભારેખમને બદલે બોલચાલની ભાષામાં હોવા છતાં અસર છોડી જાય છે. ફિલ્મને વ્યવસાયિક સફળતા ઓછી મળવાની છે પરંતુ વિદ્યા પોતાની એક સશક્ત અભિનેત્રી તરીકેની ઇમેજને વધારે મજબૂત બનાવી જાય છે.
તે પોતાની ભૂમિકામાં તલ્લીન થઇને કામ કરતી દેખાય છે. તેની ભૂમિકાને હજુ જોરદાર રીતે રજૂ કરવાની જરૂર હતી. તે અન્યાય સામે અવાજ ઉઠાવતી નહીં પરંતુ મૂક દર્શક બની રહેતી દેખાય છે. ક્લાઇમેક્સને યોગ્ય રીતે બનાવ્યો નથી. ફિલ્મમાં કંઇ નવું કે ખાસ નથી. માત્ર કલાકારોનો અભિનય ઉલ્લેખનીય છે. બધાંએ પોતાનો ગ્લેમરસ અંદાજ છોડીને સારું કામ કર્યું છે. વિજય રાજ, બૃજેન્દ્ર કાલા, શરત સક્સેના વગેરેનો વિદ્યાને સારો સાથ મળ્યો છે. એમના બદલે એક-બે વધુ જાણીતા અભિનેતા હોત તો કદાચ ફિલ્મને વધુ હાઇપ મળી શકી હોત. પરંતુ એ શક્ય બનતું નથી. વિદ્યા કહી ચૂકી છે કે મહિલાપ્રધાન ફિલ્મમાં મોટા અભિનેતાઓને લાવી શકાતા નથી. મોટા સ્ટાર આવી ફિલ્મો કરવા તૈયાર થતા નથી. તેમ છતાં વિદ્યા પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. હમણાં તાપસી પન્નુએ ફિલ્મોમાં મહિલા અભિનેત્રીઓની સ્થિતિ બહેતર બનાવવામાં વિદ્યાનું યોગદાન મોટું હોવાનું કહ્યું જ છે.
‘શેરની’ પહેલાં ‘શકુંતલાદેવી’ માં દેખાયેલી વિદ્યા આજે સફળતા- નિષ્ફળતાની ગણતરી વગર ફિલ્મો કરી રહી છે. જો કારકિર્દીની શરૂઆતમાં વિદ્યાને મનહૂસ ગણવામાં આવી ના હોત તો આજે તેની યાદીમાં એક ડઝન ફિલ્મોની સંખ્યા વધુ હોત. એકતા કપૂરની ‘હમ પાંચ’ ટીવી સીરિયલથી અભિનયમાં આવનાર વિદ્યાએ સૌથી પહેલાં એક મલયાલમ ફિલ્મમાં કામ મેળવ્યું હતું. નિર્દેશક કમલની સુપરસ્ટાર મોહનલાલ સાથેની એ નવમી ફિલ્મ હતી. તેમની જોડીની બધી ફિલ્મો હિટ રહી હતી.
કમનસીબી એવી રહી કે એ ફિલ્મથી જ બંને વચ્ચે કેટલીક બાબતે મતભેદ ઊભા થયા અને ફિલ્મ બંધ કરવી પડી. ત્યારે વિદ્યાને મનહૂસ ગણીને બધો દોષ એના પર નાખી દેવામાં આવ્યો. વિદ્યાને કારણે ફિલ્મ બંધ થઇ ગઇ હોવાની ખબર ફેલાયા પછી તેણે એક ડઝનથી વધુ ફિલ્મોથી હાથ ધોવા પડ્યા. બધાંને એમ લાગ્યું કે જેની પહેલી ફિલ્મથી સમસ્યા ઊભી થઇ એને લેવી ના જોઇએ. એટલું જ નહીં ત્યારે ઘણી જાહેરાતોમાં કામ કરતી હતી એ પણ ગુમાવવી પડી. વિદ્યાને આઠ વર્ષ બાદ ‘પરિણીતા’ માં સારી તક મળી અને પછી મહત્ત્વની ભૂમિકાઓ સતત મળતી રહી છે. ‘શેરની’ બાદ આવનારી ફિલ્મોમાં તે અલગ પ્રકારની ભૂમિકાઓમાં જોવા મળવાની છે. ‘તુમ્હારી સુલુ’ ના નિર્માતા બે દંપતીના જીવન પરની એક ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં વિદ્યાની સાથે ‘સ્કેમ ૧૯૮૨’ થી જાણીતો થયેલો પ્રતીક ગાંધી દેખાશે.