ગુજરાત મંત્રીમંડળ વચ્ચે હવે એક બીજી મહત્ત્વની ચર્ચા શરૂ થઇ છે કે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે ન થાય, ગુજરાત ભાજપના નેતાઓને સારા સમાચાર મળે કે ન મળે પણ એક વાત નક્કી છે. કહેવાય રહ્યું છે કે રામવિલાસ પાસવાન, સુરેશ આંગડીના અકાળે અવસાન તેમ જ અકાલી દળ, શિવસેનાના નેતાઓ કેબિનેટમાંથી નીકળી ગયા બાદ હવે કેટલીક ખાલી જગ્યાઓ ભરવી મોદી સરકાર માટે અનિવાર્ય છે. આવનાર સમયમાં જો મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થયું તો ગુજરાતમાંથી વધુ એક સાંસદ રાજ્ય કક્ષાના મંત્રી બની શકે છે. જો મધ્ય ગુજરાતમાંથી કોઈને લઇ જાય તો સાંસદ દેવુસિંહ ચૌહાણનો સમાવેશ થઇ શકે છે. પાટીદારોને જો મહત્ત્વ આપવું હશે કે પછી પાટીદાર નેતાઓ ભાજપ સાથે છે એવું સાબિત કરવું હશે તો રાજ્યસભામાં લડાઈ લડીને જીતેલા પૂર્વ કોંગ્રેસી અને હાલ ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને પણ મોદી મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે.
આ સિવાય જે નામોની ચર્ચા થઇ રહી છે એમાં અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી સૌથી આગળ છે. એ પછી એક વાત એવી પણ ચાલી રહી છે કે દક્ષિણ ગુજરાતના સાંસદને પણ કદાચ મંત્રીપદ મળે. મહત્ત્વનું છે કે જેવા કેબિનેટ વિસ્તરણના સમાચાર આવ્યા એટલે જાત જાતની અને ભાત ભાતની ચર્ચાઓ થઇ રહી છે. દરેક જૂથ પોતાની રીતે પોતાના મંત્રીનું નામ ચલાવી રહયું છે, ક્યારેક કોઈ જૂથ પોતાની દાવેદારી મજબૂત માને છે તો ક્યારેક બીજું જૂથ. જો કે ભાજપ અને પ્રધાનમંત્રી મોદીની કાર્યશૈલીથી જે લોકો પરિચિત હશે એમને એ વાતનો ખ્યાલ હશે જ કે ભાજપનો એક સર્વસામાન્ય નિયમ છે કે જેનું નામ ચાલે એ ક્યારેય ન ચાલે અને જેનું નામ ન ચાલે એ જ ચાલે. આનો પુરાવો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના પદ વખતે બધાએ જોયો. ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખની રેસમાં દરેકે પોતાનાં નામો ચલાવ્યાં પણ છેવટે ધારેલું તો ‘દિલ્હી’નું જ થયું. એવી જ રીતે જો મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થયું તો ગુજરાતમાંથી એ જ નેતા બનશે જે દિલ્હીની નજરમાં હશે!
IASની બદલીઓ પછી પણ કેમ બદલી થયા કરે છે?
ગુજરાતમાં ઘણા સમય પછી IASની બદલીઓ થઇ. કહેવાય અને ચર્ચાઈ રહ્યું છે કે IASની બદલીઓમાં મુખ્ય મંત્રીનો હાથ ઉપર રહયો. જો કે હવે સરકારના બદલીઓ અંગેના કેટલાક નિણર્યોથી અને ફરી ફરીને ફેરબદલથી ગાંધીનગરમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. જેમ કે સુરેન્દ્રનગરના કલેકટર કે.રાજેશ સામે કેટલાક આક્ષેપો હતા કદાચ એના કારણે એમની બદલી ગુજરાતના ગૃહ ખાતામાં કરવામાં આવી હજી એમની બદલી થયે એક અઠવાડિયું પણ નહોતું થયું કે પાંચ એમને GAD માં મૂકી દેવાયા. ચાલો આ વાત તો સમજી શકાય એવી છે. એ પછી બીજી ઘટના એવી બની કે છોટાઉદેપુરથી બદલી થઇ કચ્છ ગયેલા સુજલ મયાત્રાની અઠવાડિયામાં જ પાછી ગોધરા બદલી કરી દેવાઈ જયારે કચ્છથી બદલી કરીને ગોધરા મૂકવામાં આવેલા પ્રવીણા ડી.કે.ને ફરી બદલી કરીને કચ્છ કલેકટર તરીકે મૂકી દેવામાં આવ્યાં. કચ્છ અને ગોધરા કલેકટરની બદલીઓ વિશે ચર્ચાઓ અનેક છે. જેમાં એક મહત્ત્વની ચર્ચા એ છે કે કચ્છના બદલી થયેલા કલેકટર પ્રવીણા ડી.કે. એક ઈમાનદાર અધિકારીની છાપ ધરાવે છે. તેઓ માત્ર મેરીટના આધારે જ કામ કરે છે. કચ્છમાં ખનીજ અને બંદરોના કારણે સત્તાધારી પક્ષ હંમેશાં પોતાને અનુસરે એવા જ અધિકારીઓ ઈચ્છે છે. સરવાળે સત્તાને તાબે ન થનારા આ કલેકટરની બદલી કરીને મૂળ ગુજરાતના હોય એવા કલેકટરની માંગણી કરાઈ, સરકારે જેવા સત્તાધારી પક્ષે માંગેલા કલેકટર મૂક્યા કે તરત એક ચોક્કસ સમાજ માટેની ઓડિયો ક્લિપ વાયરલ થઇ જે ત્યાં ટ્રાન્સફર થયેલા અધિકારી વિશે હતી. આ જ ક્લિપના કારણે સરકાર ફસાઈ હોવાની ચર્ચા છે. કહેવાય રહ્યું છે કે સરકાર એક બાજુ પ્રામાણિક અધિકારીની બદલી કરીને ફસાઈ હતી. બીજી બાજુ જે અધિકારીને મુકાયા એમના વિરુદ્ધમાં ક્લિપ સોશ્યલ મીડિયામાં ફરતી થઇ એટલે બંને બાજુ ફસાયા અને આખા ગુજરાતમાં આ બદલીઓ ચર્ચાનો વિષય બની ગઈ.
IPSની બદલી: કોઈને દિલ્હી તો કોઈને કમિશનરેટ જોઈએ છે?
IAS અધિકારીઓની બદલી પછી હવે IPS અધિકારીઓની બદલી વિશે અનેક ચર્ચાઓ થઇ રહી છે, જેમાં મહત્ત્વની વાત એવી ચર્ચાઈ રહી છે કે હાલમાં રેન્જ I.Gની પોસ્ટ પર રહેલા સરકારની નજીક અને ફેક એન્કાઉન્ટર કેસમાં સપડાયેલા અધિકારીની દિલ્હી કેન્દ્રીય એજન્સીમાં બદલી થઇ શકે છે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે ગુજરાત સરકારે હાલમાં જ ગાંધીનગર શહેર અને જિલ્લામાં ખાસ કિસ્સામાં પોલીસ કમિશનરેટની પોસ્ટ સ્વીકારી છે. ગાંધીનગર જિલ્લો અને શહેર ભારતના ગૃહ મંત્રી અમિત શાહનો મત વિસ્તાર છે. ગૃહમંત્રીને અહીં કમિશનર તરીકે પોતાના ખાસ વિશ્વાસુ વ્યક્તિની જરૂર છે. સરવાળે જો દિલ્હી કેન્દ્રીય એજન્સીમાં જવા માંગતા રેન્જ I.Gને દિલ્હી પોસ્ટિંગ ન મળે તો કદાચ એમને ગાંધીનગરના કમિશનર બનાવાઈ શકે છે. ગાંધીનગર કમિશનર બનવાની લાઈનમાં સુરતમાં પોલીસ કમિશનર રહી ચૂકેલા બીજા એક અધિકારી પણ દોડધામ કરી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે આ અધિકારી સરકારની નજીક છે અને સરકારને ગમે એવું કામ પણ કરે છે એટલે જો ગૃહમંત્રી પોતાના વિસ્તારમાં પોતાને ગમે એવા અધિકારીને રાખવા માંગતા હશે તો આ બે IPS વચ્ચે જ પસંદગી થશે એ વાત નક્કી છે. આ સિવાય પણ 2022ની ચૂંટણીને ધ્યાને રાખી કેટલાક મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો પોતાના મત વિસ્તારમાં પોતાને ગમે અને પોતાને ગાંઠે એવા અધિકારીઓ ઈચ્છી રહ્યા છે. જે અંગે કેટલાક નેતાઓએ દિલ્હી સુધી રજૂઆતો પણ કરી છે. આખી જે ચર્ચાઓ બદલીઓને લઇને ચાલી રહી છે જો એ સાચી ઠરે તો એક વાત નક્કી છે કે ચૂંટણી પહેલાં અધિકારીઓને ગમતાં પોસ્ટિંગ માટે ભારે મથામણ થવાની છે!