જૂના દિવસો યાદ છે જયારે ગામડામાં એકલી રહેતી વૃધ્ધા કે વૃધ્ધના બીજા દૂરના ગામમાં રહેતા નજીકના સગાનું અવસાન થાય ત્યારે ખરખરા માટે ત્યાં જવું જરૂરી હોય, પણ બસમાં જવા માટેના ટિકિટ ભાડાના પૈસા પાસે ન હોય. ગામના લોકો થોડા રૂપિયા ભેગા કરી આપે અને ત્યારે પેલા વૃધ્ધો સામાજિક જવાબદારી પૂરી કરી શકે. આજકાલ વોટસએપના ચોરા કરતાં જૂનો સમય શ્રેષ્ઠ હતો અને આજે બધું બગડી ગયું છે તેનાં ગીતો ગાવાની ફેશન બની ગઇ છે. વાસ્તવમાં લોકોની યાદશકિત બગડી ગઇ છે. દૂરના ઢોલ હંમેશાં મનભાવન વાગતાં હોય છે. જેમની યાદશકિત સાબૂત હોય તેવા કોઇ વૃધ્ધને પૂછો તો ખબર પડે કે આજથી સિત્તેર એંસી વર્ષ અગાઉ નાણાંઓ, સવલતો જેવી શી ચીજ હતી?
એવું નથી કે આજકાલ બધું ઉત્તમ અને આદર્શ છે પરંતુ અગાઉની સરખામણીમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. ખોરાકની ગુણવત્તા બગડી છે, પણ કુલ જીવનની ગુણવત્તા સુધરી છે. હાલમાં કોવિડનો રોગચાળો આવ્યો છે તે કંઇ પ્રથમ નથી, પરંતુ આજના વિજ્ઞાને તેને અગાઉના રોગચાળાઓ જેવો ભયંકર રહેવા દીધો નથી. છતાં તેની ગંભીરતા ઓછી ન આંકીએ. તો પણ તેના સંદર્ભમાં એક નોંધ લેવી પડે તેમ છે. સુરતથી એક બહેન કોરોનાની વિષમ સ્થિતિમાંથી દૂર જવા માટે રાત્રિના સમયે એકિટવા સ્કૂટર લઇને નીકળી પડયા. સાથે એક બીજા બહેન હતા. બીજા દિવસે અમરેલી જિલ્લાના ગીરના ગામડે પહોંચ્યા. કિસાન વર્ગની આ સામાન્ય ઘરની સ્ત્રી હતી. એક લકઝરી બસને આટલો માર્ગ કાપતાં બાર કલાકથી વધુ સમય લાગી જાય છે. આ સ્થિતિની કલ્પના આજથી ત્રીસ-ચાલીસ વર્ષ અગાઉ થઇ શકી હોત?
સ્ત્રીઓને પ્રોત્સાહન અપાય તો તેઓમાં પુરુષો જેટલી કે અમુક બાબતોમાં પુરુષો કરતાં પણ વધુ ક્ષમતા છે. બાળકોના ધમપછાડા સ્ત્રીઓ સહન કરી શકે એટલા પુરુષો ન કરી શકે. ભવિષ્યમાં પુરુષોએ સ્ત્રીઓને કોઇ પ્રોત્સાહન, કોઇ મદદ આપવાની જરૂર નહીં રહે. હાલમાં તો તેઓને પુરુષો દ્વારા લદાયેલાં વિષમ બંધનોમાંથી બહાર લાવવાની જરૂર છે તેથી પ્રોત્સાહનોની જરૂર પડે છે. જગતભરનો સમાજ અને જગતભરની સરકારો તે બાબતમાં સંવેદનશીલ બની છે. સર્વેક્ષણોમાં જોવા મળ્યું છે કે સરકાર દ્વારા પુરુષો અને સ્ત્રીઓ માટે જે જે યોજનાઓ અમલમાં મુકાય છે તેનો સ્ત્રીઓ દ્વારા યોગ્ય દિશામાં અમલ થાય છે. એ યોજનાનાં ધાર્યા યોગ્ય પરિણામો સ્ત્રીઓ મેળવે છે, જયારે પુરુષો એ સહાય કે સબસીડી બીજા માર્ગે ઉડાવી દે છે. કદાચ શરાબ પીવામાં પણ એ મદદ વેડફાઇ જાય. સ્ત્રીઓની નાની નાની રકમોની બચતથી બેન્કો વ્યવસ્થિતપણે ચાલે છે, જયારે પુરુષોને એવી ‘નાની નાની’ ચીજોમાં રસ જ પડતો નથી.
આ ચર્ચા માટેનું સ્પ્રિંગબોર્ડ એ છે કે તામિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલીને ગયા મેમાં, સત્તા સંભાળી પછી જાહેરાત કરી કે રાજયની તમામ કામ કરતી મહિલાઓ રાજય સરકાર દ્વારા ચલાવાતી તમામ એસટી બસો, મ્યુનિસિપલ કોર્પોરેશનની બસો પર ટિકિટ ખરીદયા સિવાય પ્રવાસ કરી શકે છે. આ નિર્ણય એમણે તાત્કાલિક અસરથી અમલમાં મૂકયો છે. તેનો અમલ થોડા ભ્રષ્ટાચારને ઉત્તેજન આપી શકે તેમ છે, પણ ફાયદા વધુ મોટા હશે. અસંગઠિત ક્ષેત્રો, જેવા કે ઘરકામ, મજૂરી, શાકભાજી, ફળના સ્ટોલ ચલાવતી બહેનોએ પોતે કામ કરી રહી છે તેવું પ્રમાણપત્ર મેળવવાની ઝંઝટ અઘરી બનશે. તેમાં લાયક ન હોય તે પણ લાભ લઇ જશે, પણ તેને કોઇ મોટી અડચણ ન ગણવી જોઇએ. જો કે નિરીક્ષકોના મતે ‘વર્કીંગ વુમન’ કોને ગણવી તેની કોઇ સ્પષ્ટતા નવા આદેશમાં કરવામાં આવી નથી એટલે તમામ મહિલા પ્રવાસીને વર્કીંગ વુમન તરીકે સ્વીકારીને બસમાં ભાડું વસૂલ કર્યા વગર જગ્યા અપાશે. આ યોજના પાછળનું મુખ્ય પ્રયોજન એ છે કે કામ કરતી મહિલાઓની સંખ્યા વધારવી. કદાચ યોજનાના અમલમાં એસટી તંત્રો નાણાં ગુમાવે પરંતુ રાજય સરકારોની કુલ આવકમાં ઘણો ફાયદો થાય. એક જગ્યા ગુમાવે તો બીજી જગ્યાએ વધુ મેળવે.
રાજય (તામિલનાડુ) સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનોને વરસે રૂપિયા બારસો (1200) કરોડની સબસીડી અપાશે. એક એવી ગણતરી છે કે તામિલનાડુમાં સરકારી કોર્પોરેશનોની બસ ભાડાની આવકમાં મહિલાઓનું યોગદાન 40 (ચાલીસ)% જેટલું હોય છે તેના આધારે આ 1200 કરોડ નક્કી કરાયા છે. જો કે તામિલનાડુ કે બીજા રાજયોમાં અપાતી સબસીડીઓ, મફત સહાય વગેરેની એક નેગેટિવ બાજુ છે. એક તો આવી યોજનાઓના રૂપમાં મતો ખરીદવામાં આવે છે. બીજું આ પ્રકારની યોજનાઓ આળસ ફેલાવે છે.
પણ જો આવી યોજનાઓ લાગુ પાડવાથી બે છેડા મળી શકતા હોય તો આ વિરોધ ટકતો નથી. તેનો અર્થ એ થયો કે સમાજ હજી એ સ્તરે નથી પહોંચ્યો કે મહેનત કર્યા પછી પણ સ્વમાનભેર જીવી શકાય એટલી રકમ બચાવી શકે. અપવાદરૂપ લોકો છે તે આનંદની વાત છે, પણ સાવ છેવાડાના લોકોનું શું? તામિલનાડુમાં અગાઉની અન્ના-દ્રમુક સરકારે બહેનોને ટુ વ્હીલર ખરીદવા માટે ડાયરેકટ સબસીડીઓ આપી હતી. આ સબસીડી એવી નોકરિયાત અથવા કામધંધા કરતી વર્કિંગ વીમેન્સને અપાઇ હતી જેની આવક એક મર્યાદા કરતાં ઓછી હતી. જો કે આ યોજનાની એમ કહીને ટીકા થઇ હતી કે જે સ્ત્રીઓએ અવેજીમાં બસ માર્ગનો ઉપયોગ કર્યો હોત તેઓને વાહનો લઇ આપીને સરકારે ટ્રાફિકમાં અને પ્રદૂષણમાં વધારો થાય તેવું કામ કર્યું છે. સ્ટાલીનની આ નવી યોજનામાં એ પ્રકારની ટીકાઓને સ્થાન રહેતું નથી.
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભાડું વસૂલ કર્યા વગર પ્રવાસનો લાભ આપવો એ કંઇ નવી બાબત નથી. જગતમાં દશકા અગાઉ તેની ચર્ચા શરૂ થઇ હતી અને કેટલાક સંપન્ન દેશોએ તેને અમલમાં મૂકી હતી. અમુક દેશોમાં તેનો અંશત: અમલ થાય છે. જેમ કે વિદ્યાર્થીઓ માટે, સીનિયર સિટિઝનો માટે વગેરે. ગુજરાતમાં અને બીજાં અનેક રાજયોમાં વિદ્યાર્થીઓને બસ ભાડામાં રાહત અપાય છે.
અમુક દેશોમાં વડીલોને હળવા ટ્રાફિકના સમયમાં અને શનિ-રવિમાં નહીંવત ભાડા પર અથવા મફતમાં પ્રવાસ કરવાની છૂટ અપાય છે. લક્ઝેમ્બર્ગ ઘણો નાનો દેશ છે, પરંતુ દુનિયાનો તે પ્રથમ દેશ છે જયાં તમામ નાગરિકો મફતમાં બસનો પ્રવાસ જેટલી વખત કરવો હોય એટલી વખત કરી શકે છે. તામિલનાડુમાં પણ બહેનો દિવસમાં ચાહે એટલી વખત પ્રવાસ કરી શકશે. શકય છે કે અમુક કુરિયર કંપનીઓ, ટિફિન સર્વિસ વગેરે વધુ બહેનોને નોકરીએ રાખશે.
આ રીતની મફત સવલતને કારણે ટ્રાફિક અને પ્રદૂષણમાં અને તે રીતે બિમારીઓમાં ઘટાડો થશે. પરંતુ તે માટે સરકારે ગીરદીવાળા રૂટમાં સભાનપૂર્વક બસ સેવાની સંખ્યા વધારવી પડશે. મુંબઇ જેવા શહેરમાં ટિકિટ જેટલા પૈસા કંડકટર સામેથી ઇનામ તરીકે આપે તો પણ પ્રવાસ કરવાનું મન ન થાય. ગીરદી, કંકાસ વચ્ચે બોરીવલીથી મુંબઇ પહોંચતા કમ સે કમ અઢી ત્રણ કલાક લાગે. પણ સુરત-અમદાવાદ-વડોદરા જેવા સ્થળોએ અને ગ્રામીણ પ્રદેશોમાં આ ભાડા-મુકિત આશીર્વાદરૂપ બની શકે છે. આવી યોજનાનું ધાર્યું પરિણામ ના પણ આવે. વિદેશોમાં જયાં આવી સ્કીમ અમલમાં મુકાઇ હતી ત્યાંનો અનુભવ એવો રહયો છે કે જે લોકો મધ્યમ કદનાં નગરોમાં પગે ચાલીને અથવા સાઇકલ લઇને ઓફિસે જતાં હતાં તેઓએ સૌથી વધુ મફત બસનો ફાયદો ઉઠાવ્યો. મતલબ કે પ્રદૂષણ ઘટવાને બદલે વધ્યું.
જેઓ પાસે મોટા વાહનો છે તેઓ સરકારી સ્કીમનો ફાયદો ઉઠાવે તો જ પ્રદૂષણ ઘટે. પણ સ્કુટરની અવેજીમાં આ યોજના વધુ સ્વાગત યોગ્ય છે. આ સંસ્થાનો એક માનિસક ફાયદો છે. તે સર્વસમાવેષક છે. તમામ સ્ત્રીઓને પ્રતીત થાય છે કે તેઓ ભેદભાવ વગર એક સંઘમાં પ્રવાસ કરી શકે છે. સરકાર તે દરેક માટે સમાન સ્તરે વિચારે છે. સરકારની ઘણી યોજનાઓ અનિશ્ચિતતાં પણ કડવાશ પેદા કરે છે તેમ આ કરતી નથી. શકય છે કે આ યોજના પ્રવાસન ઉદ્યોગને પણ મદદગાર નીવડશે. જો કે તેનો અર્થાત મફત પ્રવાસો દુરૂપયોગ એક હદ કરતા વધી જાય તો તેની અવળી અસર શરૂ થાય.
કારણ વગરના પ્રવાસો વધી જાય. આવનજાવન અકારણ બીજા મુસાફરો માટે ગીરદી પેદા કરે. દરેક સારી સ્કીમ કાયમ માટે ચાલે તે સુનિશ્ચિત કરવાનું પ્રજાના હાથમાં હોય છે. એવું થઇ શકે કે ખૂબ લાંબા પ્રવાસ માટે નહીં, પરંતુ રોજબરોજના અમુક કિલોમીટરના કામકાજ માટે તેને અમલમાં મૂકવી જોઇએ. લાંબા પ્રવાસ માટે લાગુ પડાય તો પણ એટલા વિપરિત પરિણામો નહીં આવે જેવી કલ્પનાઓ થઇ શકે છે. કારણ કે બહેનો પાસે આજકાલ રખડવાનો ફાલતુ સમય નથી. મહેમાનો કોઇને ગમતા નથી. હોટેલો મોંઘી પડે છે. ભારતમાં આ સ્કીમ અગાઉ પંજાબ અને દિલ્હી સરકારે અમલમાં મુકી હતી. તેનાથી સ્ત્રીઓની બચતમાં વધારો થયો છે. જો કે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આવી સ્કીમમાં ઘાલમેલ પકડાઇ હતી. સ્ત્રીઓને અગાઉથી ભાડાની કૂપનો અપાતી હતી.
એ કૂપન પ્રવાસ વખતે કંડકટરને અપાતી. ડીટીસી એ કૂપનો એકઠી કરી દિલ્હી સરકારને સોંપે અને દિલ્હી સરકાર એટલી રકમ ડીટીસીને ચૂકવી દે. અહીં એવું થવા માંડયું કે જે મહિલાઓએ બધી કૂપનો વાપરી ન હોય, પ્રવાસ કર્યો ન હોય તેથી વધી પડેલી કૂપનો ડીટીસીના ગેરકાયદે એજન્ટોને સસ્તા ભાવમાં વેચી દે. ડીટીસી એ કૂપનો સરકારને સોંપીને પૂરી રકમ વસુલ કરે. કોઇએ પ્રવાસ ન કર્યો હોય તો ડીટીસીને સવાઇ કે દોઢી આવક થાય. ભારતમાં દરેક સ્કીમનો ખૂબ ખૂબ પૂર્વ વિચાર કરીને જ અમલમાં મૂકવી પડે. અહીં બહેનોની એ સામાજિક જવાબદારી બને છે કે વણવપરાયેલી ટિકિટો વેચે નહીં, પણ સરેન્ડર કરે. અન્યથા અનેક લાયક બહેનો આ યોજનાથી મહેરૂમ રહેશે. તામિલનાડુમાં રોજના ધોરણે અઢાર લાખથી વધુ બહેનો આ યોજનાનો લાભ લઇ શકશે.
ગુજરાતની એસટી બસોમાં યુવાન બહેનો કંડકટરો તરીકે સેવા આપતી રહી છે. આ લખનારને પુરૂષ કંડકટરો પ્રત્યે પણ માન છે, પ્રેમ છે. આ કામ એટલું આસાન નથી. તેઓ અનેક કપરી સ્થિતિઓમાં કામ કરતાં હોય છે. બે પાંચ રૂપિયાના છૂટા માટે તેઓની સાથે ઝગડો ન કરવો જોઇએ. રેસ્ટોરાંમાં દસ-પચાસની ટીપ આપીએ છીએ. તેમાં પણ હવે બહેનો જોડાઇ છે તે ઘણી સુંદર બાબત છે. સેવા સાથે નમ્રતા ભળશે. હવે દેશનું સમૃધ્ધ રાજય ગણાતું ગુજરાત અને તેના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બહેનો માટે સારાનિર્ણયની જાહેરાત કરે તેની અપેક્ષા છે.