બે ભાઈઓએ કમાવા માટે વિદેશ જવાનું નક્કી કર્યું અને પ્રયાણ શરૂ કર્યું. ત્યારે અન્ય પ્રદેશમાં જવાને પણ વિદેશ જવું ગણતા હતા. તેઓ બંને જઇ રહ્યા હતા ત્યારે સામેથી એક માણસ દોડતો આવતો જોયો. તેને ઊભો રાખી પૂછયું, અરે ભાઈ શું થયું? કેમ ભાગે છે? પેલાએ કહ્યું, આ રસ્તે ના જશો, આગળ જોખમ છે, ચોર લૂંટારા લૂંટી લેશે અને પાછો એ દોડવા લાગ્યો. પેલા બંને ભાઈઓએ વિચાર્યું, આ કોઇ ડરપોક કે પાગલ લાગે છે. આપણે તો ભડવીર છીએ, સામનો કરીશું એમ વિચારતા આગળ ચાલવા લાગ્યા.
થોડે દૂર ગયા પછી જોયું તો રસ્તામાં એક કોથળો પડેલો હતો. કોથળો જોઇ બંને ભાઈ અટકી ગયા થોડું વિચારી કોથળો ખોલવાની હિંમત કરી તો એ કોથળામાં સોનામહોરો હતી. બંને ભાઈઓએ વિચાર્યું કે, પેલો માણસ આ કોથળો જોઈ ડરી ગયો લાગે છે. એટલે ભાગ્યો હશે. જરૂર એ પાગલ હોવો જોઈએ. બંને ભાઈઓ પેલો કોથળો ઊંચકી રસ્તાથી દૂર અંદરના ભાગે ઝાડીમાં લઇ ગયા અને કોથળો છુપાવી દીધો પછી એક ઝાડ નીચે બેસી વિચારવા લાગ્યા કે, આટલું બધું ધન છે એ કેવી રીતે વગે કરવું? બંનેએ વિચાર્યું કે હવે વિદેશ કમાવા જવાની જરૂર નથી.
આ ધન લઇ જઇને આપણા જ ગામમાં આપણે ઉદ્યોગ શરૂ કરીશું અને ખૂબ કમાઇશું. આવી યોજના કરતા હતા, એવામાં એક ભાઈએ કહ્યું, અલ્યા મને ભૂખ લાગી છે તું એક કામ કર અહીં નજીકના ગામે જઈને કંઇ ખાવાનું લઇ આવ, હું પાણીની વ્યવસ્થા કરી રાખું છું. એટલે નાનો ભાઈ ખાવાનું લેવા બાજુના ગામ ઉપડયો. મોટો ભાઈ પાણી શોધવા આજુબાજુ ફરી વળ્યો. એક નાનું ઝરણું નજીકમાં જ હતું. ત્યાં જઇ બેઠો. તેના મગજ પર ધનનો મોહ સવાર થઇ ગયો હતો. બીજી તરફ નાનો ભાઈ જે ખાવાનું લેવા ગયો હતો તેના મગજ પર પણ સોનામહોરોનો કોથળો છવાઈ ગયો હતો. એ વિચારતા હતા કે હવે આમાંથી ધંધો કરી અનેક ગણું ધન ભેગું કરીશું.
બંનેને લોભ લાગ્યો. બંને એકબીજાને પતાવી દેવાનું વિચારવા લાગ્યા. બીજાને પતાવી દે તો આખો કોથળો પોતાનો થઇ જાય બંનેના મગજ પર લોભ અને કળીયુગ સવાર થઇ ગયો. નાનો ભાઈ ખાવાનું લઇ આવ્યો અને મોટો પાણીની તપાસ કરી કોથળા પાસે આવ્યો. નાનો આવ્યો તે સાથે જ મોટાએ પિસ્તોલ કાઢી તેની ગોળીઓ નાનાની છાતીમાં ધરબી દીધી. નાનો ભાઈ ત્યાં જ ઢળી પડયો. પછી મોટોભાઈ નાનાએ લાવેલી ચીજવસ્તુઓ ખાધી, થોડી વારમાં તે ત્યાં જ તરફડવા લાગ્યો. નાનાએ ખાદ્યપદાર્થમાં ઝેર ભેળવેલું હતું. એ તેના મોટાભાઈને મારી નાખવા અને મોટોભાઈ પણ ત્યાં જ તરફડીને મરી ગયો. બંને મરી ગયા પેલો કોથળો ત્યાંનો ત્યાં જ રહી ગયો. કાળ આ જોઇને હસતો હતો. કમાવા નીકળેલા બંને ભાઈઓ ગામ છોડીને શું કમાયા વિચારવા જેવું છે. ગામમાં બંને સુખી હતા. ઓછું કમાતા હતા, પણ મરચું ને રોટલો ભેળા બેસી ખાતા હતા. એ જ સગા ભાઈઓને ધનદોલતે એકબીજાના મારક બનાવી દીધા. મળેલું ધન લઇને સંપીને પાછા વળ્યા હોત તો ય ઠીક, પણ વધુ લોભ કર્યો એટલે પાપનું સર્જન થયું અને ખૂનાખરાબી થઇ. આમ અતિ લોભ અંતે પાપનું મૂળ જ બને છે. લાલચ કે લોભ હંમેશાં વિનાશ નોતરે છે. થોડો સમય સારું લાગે, પણ અંત તો ખરાબ જ આવે છે. માટે મળ્યું છે તે માણો. વધુની લાલચ શા માટે?