Business

મોઝીસના નેતૃત્વમાં ઈઝરાયલીઓની મુક્તિ : ધર્મ અને અધર્મ વચ્ચનો સંઘર્ષ

લામીમાં સબડતી ઈઝરાયલી પ્રજાની દુર્દશા જોઈ, તેમને ગુલામીમાંથી મુક્ત કરવા ઈશ્વરે મોઝીસના નેતૃત્વમાં અભિયાન શરુ કર્યું. તેણે મોઝિસને કહ્યું, ‘તું ઈઝરાયલીઓને મિસરમાંથી બહાર લઈ આવ.’ મોઝીસે કહ્યું, પ્રભુ, આ કામ મારાથી શી રીતે થઈ  શકે? મારામાં એ કાબેલિયત અને શક્તિ ક્યાં છે? હું તો સારો વક્તા પણ નથી. મારી વાણી નબળી છે. પ્રભુએ કહ્યું ‘હું તને બોલવામાં સહાય કરીશ અને શું બોલવું એ શીખવીશ.’ છતાં તે કરગરવા લાગ્યો અને કહ્યું,  પ્રભુ આ કામ બીજા કોઈને સોંપો. એટલે પ્રભુએ કહ્યું, ‘તારો ભાઈ અહરોન સારો વક્તા છે. એને તારી સાથે રાખજે.’ અંતે મોઝીસે ઈશ્વરની આજ્ઞા માથે ચડાવી.

 ઈશ્વરે મોઝિસને કહ્યું, તું મિસરના રાજા પાસે જઈને કહેજે કે ઈશ્વરનાં અમને દર્શન થયાં છે. તમે અમને ત્રણ દિવસ માટે રણમાં જવાની છૂટ આપો એટલે અમે અમારા ઈશ્વરની પૂજા કરીએ અને બલી ચઢાવીએ. મોઝીસ અને અહરોને રાજા ફારોહ પાસે જઈને ઉપર મુજબ કહ્યું અને વિનંતી કરી કે ‘તમે અમારા લોકોને ઈશ્વરના માનમાં ઉત્સવ ઊજવવા ત્રણ દિવસ રણમાં જવા દો.’ પણ રાજાએ કહ્યું, ‘ઈશ્વર વળી કોણ છે કે મારે તેનું સાંભળવું પડે ? હું ઈશ્વરને ઓળખતો નથી અને હું ઈઝરાયલીઓને જવા દઈશ નહીં.’ મોસેએ કહ્યું ‌અમને નૈવેદ્ય ધરાવવા જવા દો નહીં તો ઈશ્વર અમને સજા કરશે. પણ રાજા માન્યો નહીં. ઉલટું ઈઝરાયલીઓ ઉપર વધુ ત્રાસ ગુજારવા અને તેમની આજીવિકા જેના ઉપર નિર્ભર હતી.

તે ઈંટો બનાવવાના ધંધા માટે જરુરી પરાળ નહીં આપવા ફરમાન કર્યું. જેથી આ પ્રજા માટે આર્થિક કટોકટી ઊભી થઈ. એટલે લોકો મોઝીસ અને અહરોન પર ગુસ્સે થયા. મોઝીસે ઈશ્વરને આની જાણ કરી. ઈશ્વરે મોઝીસને કહ્યું, ‘ હું રાજાની એવી દશા કરીશ કે, તે સામેથી તમને દેશ છોડી જવા ફરમાન કરશે.’ પછી ઈશ્વરના આદેશ મુજબ મોઝીસ અને અહરોને ફરીથી રાજા ફારોહને મળીને એક પછી એક ઈશ્વર તરફથી આવનાર આફતોની ચેતવણી સંભળાવી, ઈઝરાયલીઓને જવા દેવા વિનંતી કરી, પણ જીદ્દી રાજા તેને અવગણતો રહ્યો. પરિણામે મિસર દેશ પર એક પછી એક દૈવી પ્રકોપ ઊતરવા લાગ્યો.

પ્રથમ દેશનાં તમામ જળાશયો, નદીઓ, નહેરો, તળાવો વગેરેનાં પાણી લોહી બની ગયાં જેથી લોકોને ત્રાસી ગયાં, છતાં રાજાએ દાદ નહીં દેતાં થોડા થોડા દીવસના અંતરે ઈશ્વરી પ્રકોપો ઊતરવા લાગ્યો. જેમકે માછલીઓ મરી જવાથી દેશનાં જળાશયો ગંધાઈ ઉઠ્યાં, પછી દેશ આખામાં દેડકાંનો ઉપદ્રવ ફેલાઈ ગયો. લોકોનાં ઘરોમાં, ખેતરોમાં, રસ્તાઓ ઉપર દેડકાંઓ મરી ગયાં એટલે બધે જ દુર્ગંધ ફેલાઈ ગઈ.

માખીઓનો ઉપદ્રવ, પશુઓનો રોગચાળો, કરાનો વરસાદ, ચામડીનો રોગ, વગેરે આફતો એક પછી એક દેશ પર આવી, જેથી દેશની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ. આમ છતાં રાજાએ એની જીદ છોડી નહીં એટલે તીડોનો ઉપદ્રવ આવી પડયો. તીડો આખા દેશ ઉપર છવાઈ ગયા. બધાં જ ઝાડો, વાવેતર અને ફળ તીડો ખાઈ ગયાં. આથી રાજાના અમલદારોએ રાજાને કહ્યું, ‘એ લોકોને એમના પ્રભુની પૂજા કરવા જવા દો. મિસર પાયમાલ થઈ રહ્યું છે એટલું તમને નથી સમજાતું?’ આથી રાજા ઢીલો પડ્યો અને મોસીઝ અને અહરોનને તેડાવીને કહ્યું, ‘હું તમારા પ્રભુનો ગુનેગાર છું, આ એક મારો ગુનો માફ કરો અને તમારા પ્રભુને પ્રાર્થના કરો કે અમને તીડના ઉપદ્રવથી છોડાવે.

મોઝીસે પ્રભુને પ્રાર્થના કરી એટલે પ્રભુએ પવનની દિશા બદલી કાઢીને બધાં તીડોને રાતા સમુદ્રમાં હાંકી કાઢ્યાં. પણ પાછો રાજા ફરી ગયો. તેણે ઈઝરાયલીઓને જવા ન દીધા. પછી પ્રભુની સૂચના મુજબ મોઝીસ રાજા પાસે ગયો અને કહ્યું, ‘પ્રભુ એમ કહે છે કે, મધરાતના અરસામાં હું મિસરમાં ફરવા નીકળીશ ‌અને મિસરીઓના બધાં પહેલા ખોળાનાં બાળકો તેમજ પશુઓનાં બચ્ચાંઓનો સંહાર કરીશ. રાજાએ આ ચેતવણીને અવગણી એટલે ઈશ્વરે બાળકો અને પશુઓનાં બચ્ચાંઓનો સંહાર કરવા માંડ્યો. . દેશભરમાં એકે એક ઘરેથી ચીચીયારીઓ અને રોકકળ સંભળાવા લાગયાં. એક પણ ઘર બાકી રહ્યું નહી. રાજા અને અધિકારીઓ ચિંતીત થઈ ગયા. તત્કાલ મોઝીસ અને અહરોનને બોલાવી  કહ્યું, તમે, તમામ ઈઝરાયેલીઓ તમારાં ઢોરઢાંખર વગેરે લઇને દેશમાંથી હમણાં જ બહાર નીકળી જાઓ. મિસરના તમામ લોકો પણ તાબડતોબ દેશ છોડવા આ લોકોને આગ્રહ કરવા લાગ્યા.

    ઈશ્વરે તો તમામ ઈઝરાયલીઓને અગાઉથી જ મધરાતે મિસરમાંથી બહાર નીકળી જવા સંપૂર્ણપણે તૈયાર રહેવા સૂચના આપી જ હતી, એટલે તેઓએ તત્કાલ તેમનાં પશુઓ, ઘરવખરી અને સરસામાન સાથે મિસર છોડી દીધું. આ દિવસ ઈઝરાયલનો મુક્તદિન બની ગયો. આજે પણ ઈઝરાયલની પ્રજા તેને પાસ્ખાપર્વના નામે ઊજવે છે. આ પ્રસ્થાનમાં છ લાખથી વધુ પુરુષો જોડાયા હતા, જેમાં સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થતો ન હતો. ઢોરઢાંખર તો અગણિત હતા. અનેક મુશ્કેલીઓ સહીને ચાલીસ વર્ષની રઝળપટ્ટી બાદ આ પ્રજા સ્વદેશ પહોંચી હતી.

મુક્તિનુ આ મહાઅભિયાન ન ભૂતો ન ભવિષ્ય જેવું અદભુત હતું. પ્રજાએ ખોરાક અને પાણીની ભૂખમરા જેવી હાલતમાં મોઝીસ અને ઈશ્વર વિરુદ્ધ બડબડાટ કર્યો તોયે, મોઝીસે ઈશ્વરને અરજ કરી જરુરીયાતો પૂરી પાડી. સાથોસાથ ઈશ્વરની માફી પણ મેળવી આપી. પ્રજાની ચાલીસ-ચાલીસ વર્ષ બળબળતા રણ કષ્ટદાયક મુસાફરી દરમિયાન પણ પ્રજાની શિષ્ટ અને આજ્ઞાધિનતા પ્રશંસનિય અને પ્રેરણાદાયી હતી. જ્યારે મોઝીસનુ નેતૃત્વ કાબીલેદાદ હતું. રાજા અને પ્રભુ, પ્રભુ અને પ્રજા વચ્ચેના ઘર્ષણ વખત સમાધાનકારી માર્ગ અપનાવવાની કુશળતા, જેની મૂક્તિ માટે જીવન સમર્પિત કરી દીધું એ પ્રજાનાં કડવાં વેણ સહન કરવાની સહનશક્તિ, સ્ત્રીઓ અને બાળકો સહિત અંદાજે અગિયાર-બાર લાખ લોકો અને અગણિત પશુઓને, ભુખ્યયાં-તરસ્યાં ચાલીસ જેટલાં વર્ષો સંભાળીને દોરી જવાની મોઝીસની મેનેજમેન્ટ શક્તિ કાબિલેદાદ હતી. જે આજે પણ ધાર્મિક અને રાજકીય નેતાઓ માટે પ્રેરણાદાયી સળગતી મિસાલ સમાન છે.

Most Popular

To Top