નવસારી હાઇવેથી સર્વિસ રોડ પર જતાં ઉન પંચાયતની હદમાં તાણી બંધાયેલી વિલેજ ટેસ્ટવાળી વિવાદીત જમીનની માપણી કરવા માટે કલેક્ટરે એસએલઆરને જણાવ્યું હોવા છતાં મહિનાથી ડીઆઇએલઆરને ગ્રુપ માપણી કરવાની ફૂરસદ મળતી નથી. ઉનના સર્વિસ રોડ પર તાણી બંધાયેલી વિલેજ ટેસ્ટ હોટલ અંગે જમીનનો વિવાદ શરૂ થતાં કલેક્ટરે ફરીથી જમીન માપણી માટે એસએલઆર અને ડીઆઇએલઆરને આદેશ કર્યો હતો. આ આદેશને પગલે ડીઆઈએલઆરએ ગ્રુપ માપણી કરાશે એવું જણાવે છે, પરંતુ કલેક્ટરના આદેશ છતાં જમીન માપણી કરવાની ડીઆઇએલઆરને ફૂરસદ મળી નથી,
ત્યારે સામાન્ય લોકોની અરજી પર તો જમીન માપણી કરવાના કામો કેવા ટલ્લે ચઢતા હશે, એ વિચારવું પડે. ખેતીની જમીનને એનએ કરાવ્યા વિના જ તેમાં હોટલ ધમધમતી થઇ ગઇ છે. ઉપરાંત સરકારી ખરાબાની જમીન ઉપર પણ વિલેજ ટેસ્ટ હોટલે કબ્જો જમાવી દીધો હોવાનું કહેવાય છે. જમીનના દસ્તાવેજમાં જમીનનું માપ બોલે છે, તેના કરતાં વધુ માપની જમીન 7 /12 ની નકલમાં બોલે છે. દસ્તાવેજ કરતાં વધુ જમીન કઇ રીતે ખાનગી હોઇ શકે, એ અંગે જમીન માપણી વિભાગને કોઇ વિચાર સુધ્ધાં આવતો નહીં હોય. એમ મનાય છે કે આ જમીન સરકારી છે અને તે હાઇ વે નજીક હોવાને કારણે પાંચેક કરોડની કિંમતની ગણી શકાય.
આ સંજોગોમાં સરકારને અત્યારે તો પાંચ કરોડનો ચુનો લાગ્યો એમ કહેવાય છે, છતાં સરકારની તિજોરીને થયેલું નુકશાન દૂર કરવાનું ન તો જમીન માપણી વિભાગને સૂઝ્યું છે, ન તો કલેક્ટર કચેરી એ માટે જમીન માપણી કરવાનું શૂરાતન દેખાડી શકી છે. સરવાળે અત્યારે વિલેજ ટેસ્ટને 5 કરોડની સરકારી જમીન ઉપયોગમાં લેવાની બે નંબરમાં પરવાનગી મળી ગઇ હોય અને કલેક્ટર કરતાં પણ તેની પહોંચ વધુ હોવાનું લાગે છે.